Thursday, September 6, 2012

શિક્ષક દિન..


આજે ૫.૦૯.૨૦૧૨........ શિક્ષક દિન..... 
ડો.નિમિત ( મારા માં રહેલી શ્રી દક્ષિણા મૂર્તિ માં થી )   નો એક સુંદર પત્ર.....શિક્ષકોને.....




હું એક વિદ્યાર્થી બોલું છું 


પ્રિય શિક્ષકો,

મેં ભગવદ ગીતા વાંચેલી નથી. વર્ગખંડ ના પેલા કાળા પાટિયા પર સફેદ ચોક થી તમે જે પણ લખશો ..... એ જ મારા માટે ભગવદ ગીતા છે. ( Unfortunately..... માણસ જયારે ભગવદ ગીતા વાંચવાની ઉંમરે પહોંચે છે , ત્યાં સુધી માં તેણે કેટલું બધું અણીદાર શીખી લીધેલું હોય છે .... જે સમાજ ને ફક્ત ખૂચ્યાં જ નહિ, વાગ્યા કરે છે ) મારી નિશાળ મારા માટે મંદિર છે અને મારી શાળા ના તમામ શિક્ષકો મારા માટે ભગવાન છે. 
હવે મુદ્દા ની વાત કરું.

એક અરજી કરવી છે. એક વિધાર્થી ની શિક્ષકો ને અરજી. મને જ્ઞાન આપશો ....... વિજ્ઞાન તો હું વાંચી લઈશ. મારે શિક્ષા જોઈએ છે ..... પરીક્ષા નહી. શિક્ષક તેના observation માં જ evaluation કરી શકે છે. તેના માટે Paper set કરવાની જરૂર પડતી નથી. વસંત આવવાની હોય ત્યારે કયું વૃક્ષ પરીક્ષા આપે છે ? કળી માં થી ગુલાબ થાય એ પહેલા ..... ગુલાબ નો છોડ .....એ કળી ને .... એક પણ સવાલ પૂછતો નથી. ચકલીઓ ના બચ્ચાઓ .... માળા માં થી પહેલી વાર ઉડે .... એ પહેલા કઈ entrance exam આપે છે ? અરે , જ્યાં આકાશ એમને ઉડવાની પ્રેરણા આપતું હોય .... ત્યારે તેઓ માળા માં ગોંધાઈ રહેતા નથી. તેમને પડવાનો વિચાર સુદ્ધા આવતો નથી કારણ કે તેઓ આકાશ ને જુએ છે .... જમીન ને નહિ. 

પપ્પા કહે છે .... આજ ની શિક્ષણ પ્રથા સારી નથી, પણ મેં તો શિક્ષણ પ્રથા ને જોઈ જ નથી. મેં તો ફક્ત શિક્ષકો ને જોયા છે. શિક્ષકો સારા હોય તો શિક્ષણ પ્રથા સારી જ હોય ...મને તો એટલી જ સમજ છે. 

ડોક્ટર થી દર્દી ની સારવાર માં કોઈ ભૂલ થાય ..... અને દર્દી મૃત્યુ પામે તો તમે તેને medical negligence કહો છો. તો પછી ..... શિક્ષકો ભણાવવા જેવી વાતો ભણાવે નહિ અથવા ન ભણાવવા જેવી વાતો ભણાવે તો એને educational negligence કેમ ન કેહવાય ? 
medical negligence
થી તો ફક્ત એક વ્યક્તિ મરે છે. educational negligence થી આખો સમાજ મરે છે. તમને મળેલી એ ૩૫ મિનિટ દેશ નું ભવિષ્ય બદલી શકે છે. આ વાત ની તમને તો ખબર જ હશે ને !

પ્રિય શિક્ષકો ...... મને માહિતી ( information) અને જ્ઞાન (knowledge) વચ્ચે નો તફાવત ખબર નથી. એ તો તમારે જ સમજાવવો પડશે. પાઠ્ય પુસ્તકો બોલી શકતા નથી. વિજ્ઞાન ના પાઠ્ય પુસ્તક માં ઝીંદગી કેમ જીવવી એના વિષે તો ઉલ્લેખ જ નથી. સમાજ ના કોયડાઓ કેમ ઉકેલવા ..... એવું તો ગણિત માં એકેય ઉદાહરણ નથી. અમે તો વિદ્યાર્થીઓ છીએ .... અમને ઉદાહરણ વગર ન સમજાય. જો ગણિત-વિજ્ઞાનની ચોપડીઓ જ સમાજ ઘડતી હોત તો આ paralysed society ના bed sore અમારે વિદ્યાર્થીઓ ને જોવા ન પડત. 

ગ્લાસ અડધો ખાલી છે કે ભરેલો .... મારે ફક્ત એ નથી જાણવું . મારે એ પણ જાણવું છે કે ગ્લાસ માં નું અડધું પાણી ક્યાં ગયું હોઈ શકે ? ગ્લાસ માં રહેલા પાણી નું composition શું છે ? ગ્લાસ શેનો બનેલો છે ? ગ્લાસ નો અને પાણી નો સંબંધ શું ? 

મારી બાળ સહજ નિર્દોષતા નું બાષ્પી ભવન કરે .....મારે એવો શિક્ષક નથી જોઈતો. જે મારા માં રોજ નવી કુતુહલતા નું સિંચન કરે .... મારે એવો શિક્ષક જોઈએ છે. મને જવાબ આપે એવો શિક્ષક મને ન પોસાય. મારા માં જે સવાલો ઉભા કરે ... મારે એવો શિક્ષક જોઈએ છે. 

જો ૧૮ વર્ષ ની ઉંમર પછી પુખ્ત થયેલા લોકો ( શારીરિક પુખ્તતા ની વાત કરું છું ... માનસિક નહિ ) ને મત આપી સરકાર ચુંટવાનો અધિકાર છે ...... ( અરે બુદ્ધિશાળી લોકો .... મત આપી આપી ને પણ તમે પાંગળી સરકાર જ ચૂંટો છો ને ! ) તો પછી અમને વિધાર્થીઓ ને અમારી પસંદ ના શિક્ષકો ચુંટવાનો કેમ અધિકાર નથી ? 

૩૫ મિનિટ ના પીરીયડ માં અમારા પર રોજ રોજ શૈક્ષણિક બળાત્કાર થાય .... એ આ દેશ ની સરકાર ને મંજુર હશે. અમે દેશ નું ભવિષ્ય છીએ. દેશ ના ભવિષ્ય ને આ મંજુર નથી. 

સમાજ ના માપદંડો મારા ખભ્ભા ઉપર લાદી ને .... મને અપાહિજ ન બનાવતા. વાલીઓ ની સાથે સાથે .... પ્રિય શિક્ષકો .... તમને પણ કહું છું .......તમારી જે કઈ અપેક્ષાઓ છે એ તમારી પાસે જ રાખજો. તમારી અપેક્ષાઓ નું મને વજન લાગે છે. મારે દેશ ઊંચકવાનો છે. ખોખલા વિચારો નહિ. 
વર્ગખંડ માં પ્રથમ કે દ્વિતીય આવવાના સપનાઓ આપી ને .... મારી આંખો ને બગાડશો નહિ. મારી આંખો ને .... આંખો માં સમાય નહિ .... એવા સપનાઓ આપજો. ભારત નિર્માણ નું સ્વપ્ન. 

નીચે પડવાનો ડર ...મને બતાવશો નહિ. મને ફક્ત આકાશ બતાવજો. મારે ઉડવું છે. મને તમારી ઝીંદગી ની નિરાશાઓ ના vibrations ભૂલે ચુકે પણ આપતા નહિ. મારે positivity જોઈએ છે.

tooth paste
ની tube માં થી બહાર નીકળેલી tooth pasteને .... ફરી પાછી .....અંદર નાખવી હોય તો એ વાત અશક્ય કેહવાય. મારે એવું શીખવું નથી. 10 cc ની syringe માં ભરી .... એ બહાર નીકળેલી tooth paste ને .... ફરી પાછી અંદર નાંખી જ શકાય .... મારે એવું શીખવું છે. અશકય હોય એવી એક પણ શક્યતા ને મારે ઓળખવી નથી. મારે વ્યસ્ત રહેવું છે .... ભારત નિર્માણ માં. 
શિક્ષકો .... તમે મને કરેલી સારી કે ખરાબ દરેક વાત ... મને આજીવન યાદ રહેશે. મારી માંના ચેહરા પછી હું સતત કોઈ નો ચેહરો જોતો હોવ તો એ શિક્ષક નો છે. તમારી વાતો .... મારું વર્તન નક્કી કરશે. તમારો અભિગમ .... મારો પણ અભિગમ બનશે. 

પ્રાર્થના કરું છું ..... મારા મમ્મી-પપ્પા એ મને સોંપ્યો છે તમને ....એવી ઉંમર માં .... જયારે હું વળી શકું છું.... કોઈ પણ દિશા માં ..........ઢળી શકું છું ... કોઈ પણ આકાર માં. 
પ્રિય શિક્ષકો .... તમે માળી છો .... ઈશ્વરે ઉગાડેલા બગીચા ની તમે કાળજી રાખો છો. એક પણ કળી મુરઝાય નહિ ..... એનું ધ્યાન રાખશો ને ? ચંપો , ચમેલી , પારિજાતક અને આ બગીચા માં રહેલા દરેક ફૂલ વતી હું એક ગુલાબ આપને વિનંતી કરું છું. 

મને શિક્ષણ નો માર કે દફતર નો ભાર આપશો નહિ. મને દંભીપણાનું આવરણ આપશો નહિ. મને વાતાવરણ આપજો કે જેમાં હું ખીલી શકું. 

સત્ય બોલવું સૌથી સહેલું છે. મને એ જ ગમશે. ભારત ના સ્વાસ્થ્ય માટે પણ એ જ સારું છે. 
મારી આંખો માં આંસુ આવે તો મને ફક્ત રૂમાલ ન આપશો ..... એ આંસુઓ શું કામ આવ્યા છે ? એનું કારણ પણ શોધવાનો પ્રયત્ન કરશો. 

મેં સાંભળ્યું છે .... શિક્ષક ના શર્ટ ને ક્યારેય કોલર નથી હોતા. શિક્ષક ના પેન્ટ ને ખિસ્સા પણ નથી હોતા જેમાં કશુંક મૂકી શકાય. Tuition કરી ને શિક્ષક પોતાનું ઘર ચલાવી શકે .... સમાજ નહિ. 

શિક્ષક ની મુઠ્ઠી ક્યારેય બંધ નથી હોતી કારણકે શિક્ષકે કશું જ લેવાનું નથી હોતું . ફક્ત આપવાનું હોય છે. ખુલ્લી હથેળીઓ વાળો હાથ જ શિક્ષક નો હોઈ શકે. નિ:સ્વાર્થ પરોપકાર ની ભાવના લઇ ને જનમ્યા હશો , અને ખરેખર ભાગ્ય શાળી હશો ...... તો જ મારા શિક્ષક હશો ...... કારણ કે એક વિધાર્થી માટે એક શિક્ષક ઈશ્વર છે. ઈશ્વર પોતાની પદવી બહુ આસાની થી કોઈ ને આપતો નથી. શિક્ષક બન્યા છો તો નક્કી ભાગ્યશાળી જ હશો. 

શિક્ષક ના ચોક ની તાકાત સંવિધાન બદલી શકે છે. દેશ ની સરહદ પર રહેલો જવાન દેશ બચાવે છે ..... અને શિક્ષક દેશ બનાવે છે. 

પ્રિય શિક્ષકો ..... તમે દેશ નું સૌથી મોટું investment છો. કાળા પાટિયા પર સફેદ ચોક થી લખતાં હાથ આ દેશ નો ઇતિહાસ ફક્ત સમજાવી જ નહિ ...... બનાવી પણ શકે છે. 
સમાજ વિદ્યા માં આવતો ઇતિહાસ બદલી શકાય છે ..... વિધાર્થીઓ તૈયાર છે .... ઇતિહાસ બદલવા. શિક્ષકો તૈયાર છે ? 

-
ડો.નિમિત ( મારા માં રહેલી શ્રી દક્ષિણા મૂર્તિ માં થી )

No comments: