Monday, June 2, 2014

મોદીજી ને એક પત્ર



૦૨.૦૬.૨૦૧૪
મોદીજી ને એક પત્ર 


phoolchhab newspaper > 26-05-2014 > narendramodi sp. poorti.

પ્રિય અને આદરણીય મોદીભાઈ,

સૌ પ્રથમ તો આપને, સંઘને, ભારતીય જનતા પાર્ટીને અને આપનામાં અખૂટ વિશ્વાસ મૂકીને આપને પ્રેમપૂર્વક - વિશ્વાસપૂર્વક વિજેતા બનાવનાર - ભારતની લોકશાહીમાં શ્રધ્ધા રાખનારા - રખોપા કરનારા મતદારોને જેટલાં અભિનંદન આપું એટલાં ઓછા ઘટે છે. આવો ભવ્યાતિભવ્ય પર્વ મારા જીવનમાં મેં પ્રથમ વાર નિહાળ્યો છે. આ આંખો, કાન, ડાબા હાથની તર્જનીના નખ પરનું કાળું ટપકું.. આ ઐતિહાસિક ચૂંટણીની ભાગીદાર બની એ ઘટના અમારી પેઢી દર પેઢી યાદ કરશે એવો વિશ્વાસ છે.

તમે તો મારા અમદાવાદના જ રહેવાસી. છેલ્લાં કેટલાય વખતથી અમદાવાદ - ગુજરાતનો વિકાસ જોતી આવી છું અને એ વિકાસ પાછળનો આપનો પુરુષાર્થ પણ જાણીતો જ છે. આપની કામ કરવાની એ અનોખી સ્ટાઈલની ચાહક છું. જોકે રાજકારણ શબ્દના અનેકો નેગેટીવ સમાનાર્થીઓ સાંભળતી - જોતી આવી હોવાથી આ શબ્દ પ્રત્યે મને પહેલેથી જ સૂગ હતી. રાજકારણ નામથી જ હું ભડકતી. અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મને કોઇ ખાસ રસ નહતો પડતો. ચોર નો ભાઈ ઘંટી ચોર જ હોય, દરેક નેતા પોતાના ખિસ્સા ભરવાની પેરવીમાં જ હોય. પોતાના અને પોતાના સગા સંબંધીઓના ખિસ્સાં ભર્યા પછી વધેલું ઘટેલું - પ્રજા પાસેથી જ વસૂલેલું પ્રજાને પાલતૂ કૂતરાની જેમ ભીખમાં વહેંચવાની ગણત્રી કરતા રાજકારણીઓ ઉપર મને બહુ નફરત. સરકારની પોતાના ફાયદા માટે કોમવાદને ઉત્તેજન આપવાની વૃતિઓના પરિણામરુપ એવા અનેકો તોફાનો અને કરફ્યુનો ત્રાસ અમે નાનપણથી સહન કરતા આવેલા ને બધું જાણે કે કોઠે જ પડી ગયેલું - અજાણતાં કદાચ એ સ્થિતીનો સ્વીકાર પણ કરાઈ ગયેલો. આ બધાના પ્રતાપે 'રાજકારણ' શબ્દ મારા માટે એક ગાળ - ત્રાસ સમાન જ હતો, પણ તમે આવ્યા અને બધું અચાનક બદલાઈ ગયું. લેટેસ્ટ ટેકનોલોજીનો સુવ્યવસ્થિત ઉપયોગ, મક્કમ મનોબળ, મજબૂત આત્મવિશ્વાસ અને લોકો પાસેથી કામ કરાવાની સુંદર સૂઝ બૂઝ સાથે પ્રજાનું યેન કેન પ્રકારેણ ભલું કરવાની તમારી નિઃસ્વાર્થ ભાવના... આ બધાથી તમે મારી નજરમાં એક અસામાન્ય - આ દુનિયાની બહારના માનવી જ બની ગયેલા. મારી રાજકારણની વ્યાખ્યામાં તમારી રીતભાત - સ્વભાવ તો સહેજ પણ સેટ નહતો થતો...આમ કેમ ? મને આ બધું બહુ નવાઈનું લાગતું.

ધીમે ધીમે અમદાવાદ, ગુજરાતનો અસીમ વિકાસ જોઇને મનમાં એક ગુજરાતી હોવાનો ગર્વ પોરસાવા લાગ્યો હતો. વિદેશના લોકો ય , 'ઓહ તમે ગુજરાતના એમ ? મોદીવાળા ગુજરાતના જ ને ? ' અહાહા..કયા શબ્દોમાં લખું એ વાત ? ગર્વની એ લાગણી માટે મેં તમને મોઢામોઢ તો ક્યારેય કહ્યું નથી પણ મનોમન બહુ આભાર માનેલો છે. દિલના એક ખૂણે એવી ઇચ્છા પણ થઈ આવતી કે - ' કાશ આવો જ માનવી આપણા દેશનો વડાપ્રધાન બને તો...ગુજરાતની જેમ જ ભારત દેશનો પણ ઉદ્ધાર થઈ જાય. આપણી લાગણીશીલ અને ભોળી પ્રજા જેને હકદાર છે એવું જીવન જીવી શકે, પ્રજાના પૈસે તાગડધિન્ના અને કૌભાંડોમાં રચી પચી રહેતી સરકાર નેસ્તનાબૂદ થઈ જાય, રોજગારીની અઢળક તકો વધે અને એવી વધે કે વિદેશના લોકો- ' હું ભારત શિફટ થાઉં છું' કહીને ગૌરવ અનુભવી શકે અને એના સંતાનો પણ ભારત છોડીને પાછા પોતાના દેશ જવાનું વિચાર સુધ્ધાં ના કરે.' આમે આપણે તો મહેમાનગતિમાં માનનારી પ્રજા. સાલ્લું, બેકારી -વિકાસના નામે ભણેલાં ગણેલાં - મહેનતુ -ટેલેન્ટેડ લોકો ભારત - પોતાનું ફેમિલી છોડીને બીજા દેશોમાં વસે છે ને ત્યારે સાચું કહું...બહુ દુઃખ થાય છે. વાત થોડી અલગ પાટે જતી રહી. હા તો મારા મનમાં આવો વિચાર આવી જતો કે તમે આ દેશના વડાપ્રધાન બનો તો મજા મજા આવી જાય. મજાના મૂળ શોધવાની જરુર ક્યાં છે કારણો તો દેખીતા જ છે ને !

અને...અચાનક જાદુ થયો હોય એમ મારા મનની વાત સાચી પડી - તમે પી.એમ. બની ગયા. વાહ..!

પી.એમ. સુધીની તમારી સફર બહુ અઘરી રહી છે જાણું છું. અહીં સુધી પહોંચવા પાછ્ળ બહુ બધી વાતો છે. જેમ કે તમે બહુ બધા વિરોધો અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે, દૂરંદેશી એવી અનેકો વ્યૂહરચનાઓ ઘડી છે અને હા મુખ્ય વાત તો માનવી હોય કે ટેકનોલોજી કોનો ક્યાં અને કેવો ઉપયોગ કરવો, કેવી રીતે સાચવવા એ વાત તો કોઇ તમારી પાસેથી શીખે ! આ વખતે તો દેશનો એક એક નાગરિક પોતાની ફરજ સમજીને ઠેર ઠેર તમારા વતી પ્રચાર કરતો હતો. સોશિયલ મીડિઆ, ટ્વીટર, યુ ટ્યુબ ..દરેક જગ્યાએ મોદી..મોદી..મોદી ! તમે પણ લોકોના દિલ સુધી પહોંચવા તમારાથી શક્ય હોય એના કરતાં ય વધુ મહેનત કરી છે, વળી એ અનેકો થકવી દેનારા પ્રવાસો, આરોપો , શારિરીક થાક, માનસિક યાતનાઓ - આ બધાંની તમારી સ્વસ્થતા / નિર્ણયશક્તિ પર ક્યારેય કોઇ જ અસર વર્તાઈ નથી.. ૬૨ વર્ષનો માનવી આવો મજબૂત ! એક અહોભાવથી જ મારું હ્રદય છ્લકાઈ જતું. ઘણીવાર તમારી પાસેથી તમારો આ ગુણ શીખવા આવવાનું મન થઈ જતું પછી થતું કે આમ તો આ બધી બહુ લાંબી પ્રક્રિયાઓ છે અને એમાં ય મૂળ તો જ્ન્મજાત ગુણ પણ અસર કરતા હોય. દરેક માનવી 'મોદીજી' ના બની શકે. આમે ભારતના વિકાસ માટે અમથા ય એક જ મોદીજી કાફી છે ને ! જરુર છે તો એમને પૂરતો સમય અને સાથ સહકાર આપવાની. પ્રામાણિક્પણે અને ડંકાની ચોટ પર જીતવા માટે તમે લોકોને વોટ કરવાની અપીલો પણ કરી , વોટીંગનું સાચું મહત્વ વારંવાર સમજાવ્યું જેનાથી પ્રેરાઈને આ વખતે અધધ...ધ લોકો ઘરની બહાર નીકળ્યાં. વોટીંગ માટેના વોટરકાર્ડ સમયસર મેળવીને, વોટીંગ બૂથ સુધી લઈ જનારા વાહનની ઐસી તૈસી કરીને ઉત્સાહભેર વોટીંગ કરવા ગયાં.

મારા જેવી નાગરિક કે જે વોટીંગને સાવ અર્થહીન પ્રકિયા જ સમજતી હતી એને પણ આ વખતે વોટીંગ કરીને એક જાદુ થઈ જશે એવો વિશ્વાસ આવી ગયેલો ને સાથે બીજા વીસ ત્રીસ નાગરિકોને ય એ વિશ્વાસમાં જોડી દીધેલાં. કોણ જાણે કેમ પણ મનમાં આ કાર્યથી દેશભક્તિની લાગણી ઉભી થતી હતી ! ( જો કે વોટીંગ એક જવાબદારી છે એ વાત તો પહેલેથી સારી રીતે જાણતી હતી પણ એ જવાબદારી પૂરી કરવાને જરુરી આકર્ષણો સૌપ્રથમ આ વખતે જ જોયા ) પરિવર્તનની આટલી મોટી પ્રક્રિયા !! ભર તડકામાં લાઈનમાં ઉભા રહીને પોતાના નંબરની રાહ જોઇને ઉભી રહેતી વખતે પણ મનમાં સહેજ પણ અકળામણ નહતી થતી. વળી દર વખતે તો મતદાન એક ગુપ્ત દાન સમજીને કોઇ ચર્ચાઓ જ ના કરનારા પણ વોટીંગ કરીને 'મોદી જ..' કહીને હળ્વું સ્માઈલ કરી લેતા જોયાં. આ વખતની ચૂંટણી ખરેખર એક અદભુત પ્રક્રિયા રહી. બહુ બધા રેકોર્ડ તૂટ્યાં ને નવા નવા ગજબના રેકોર્ડ બન્યાં. અમારા જેવા કરોડો લોકો રાજકારણમાં રસ લેતાં ને જવાબદારીપૂર્વક જવાબદારી પૂર્ણ કરવાને કટિબધ્ધ થયાં. ક્યારેય એક વાર પણ મોદીજી પીએમ નહીં બને તો ? એવા શબ્દો સુધ્ધાં નથી સાંભળ્યાં કે નથી ચર્ચામાં - વિચારમાં આવ્યાં. 'અબ કી બાર - મોદી સરકાર' તો નાના નાના ટાબરિયાંઓના મોઢે પણ રમતું થઈ ગયેલું. તમારી પર લગાડાયેલા અનેકો આરોપો પણ તમારી તંદુરસ્ત છબીને લેશમાત્ર ખરડાવી ના શક્યાં.
મતગણત્રીના દિવસે તો જાણે સ્વયંભૂ બંધ. એક એક મિનીટ મૂલ્યવાન ! જાણે પ્રજા પોતે જ પરીક્ષામાં બેઠી હતી એવી સ્થિતી અનુભવાતી હતી અને પરિણામ તો ધારેલું જ હતું એ જ આવ્યું. ખુશીને શ્રધ્ધાનો અનોખો ઢોળ ચડેલો દેખાતો હતો. ગુજરાતના લોકો તો તમારી કાર્યશૈલીના આશિક જ - ગુજરાતની બધી ય બધી - ૨૬ સીટો તમને સપ્રેમ અર્પણ કરી દીધી. પ્રજા એ રીતે ઉત્સાહભેર આપનો વિજય વધાવતી હતી જાણે એમનો ખુદનો વિજય ના થયો હોય...બીજા બધાંનું તો અત્યારે ખ્યાલ નથી પણ કંજૂસ ગણાતી (ગણાતી જ હોંકે ) અમદાવાદની પ્રજા પોતાના પૈસે દારુખાનું ફોડીને, લાડવાઓ વહેંચીને આ પ્રસંગને મહાપર્વ બનાવીને હષોલ્લાસ સાથે મનાવતી હતી. આ દ્રશ્ય લખ્યાં કરતાં અનુભવવાનું વધારે છે, જેણે આની મજા માણી હોય એને જ આનો સાચો ખ્યાલ આવે.
વ્હાલાં મોદીજી , હું લખી શકી એના કરતાં ક્યાંય વધુ ક્ડવા -ખારાં -તીખાં અનુભવોમાંથી તમે પસાર થયા છો એની જાણ છે. આમે તમને થોડાથી ક્યાં ચાલે છે ? પણ મારા આ થોડાક લખાયેલ વાક્યોને ઘણું સમજીને વાંચજો કારણ..તમે એક મજબૂત નેતાની સાથે સાથે એક કવિ -લેખક -સંવેદનશીલ જીવ પણ છો, સંવેદનોની વાત તમે બખૂબી સમજી શકો છો એ મેં નજરો નજર જોયું - વાંચ્યું - અનુભવ્યું છે.

હા તો નરેન્દ્રભાઈ, મેઈન પિકચર હવે જ ચાલુ થાય છે. થિયેટરોના પિકચરમાં તો હીરો વડાપ્રધાન બની જાય એટલે સંઘર્ષનો અંત અને પિકચર પૂરું. પણ રીઅલ લાઈફમાં એવું થોડી હોય ? તમે ય આ હકીકત સારી રીતે જાણો છો. આટલા બધાં ભારતીયોએ તમારામાં અઢળક વિશ્વાસ રેડ્યો છે. તમે તમારી સ્પીચમાં કહેલું એમ પ્રજા હવે એક્ઝોસ્ટેડ થઈ ગઈ છે, સરકાર નામ સાથે કોઇ સુખ દુખની લાગણી જ નહતી ઉદભવતી એ બધી ય જડ સંવેદનાઓ હવે અચાનક ચેતનવંતી, આશાવંત બની ગઈ છે. લોકોના શાંતિથી -સુખેથી જીવી શકવાના સપનાઓમાં પ્રાણ રેડાયા છે. ક્યાંક વાંચેલું કે ભગવાન ઉપર અનેકો ભક્તની શ્રધ્ધાનો ભાર હોય છે એ ખમી શકે એ કારણથી જ એની મૂર્તિ પથ્થરની બનાવાય છે પણ તમારા કેસમાં તો એ ય શક્ય નથી. તમને તો હાડમાંસ ને સંવેદનોથી ભરપૂર કરીને ખુદ ઇશ્વરે જ આ ધરતી પર મોકલ્યાં છે ! આ કેસમાં તમે સમજો છો ને હું શું કહેવા માંગું છું...ઓફકોર્સ, તમે બહુ ઇન્ટેલીજન્ટ છો, સરજી - તમારે ભગવાનથી ય એક કદમ આગળ ચાલવું પડશે. સવાસો કરોડ સપનાંઓનો બોજ કંઈ ઓછો તો નથી જ હોતો ! વળી તમે લોકોના સપનાંઓમાં ઉમેરો કર્યે જ જાઓ છો, જાણી જોઇને તમે ખુદની જ જવાબદારી વધારો છો ! આ જુઓ હમણાં જ મને 'વોટ્સ એપ ' પર એક મેસેજ મળ્યો,

To

The Prime mInister of India Mr. Narender Modi
Hope this message reached you in the state of good health.

We Citizens of India voted for the good and bright future of our country. We have believed you and have many expectations from you as given below :

We want corruption free Indian and

1. Uninterrupted 24 hrs electricity
2. Pure drinking water from tap
3. Pakki sadak which connects all villages of India.
4. Speed trains and our railways should be best in the world.
5. Single tax system without harassment.
6. free education, free hospitals for aam aadmi of India.
7. Home loan @6% PA.
8. Business Loan @8% PA.
9. All India best governance like Gujarat.
10. No FDI in retail.
11. Equal rights and benefits based on earnings not caste.
12. Single law for each and every citizen of India.
13. Dollar prices u have to bring down to rs. 35 in next 5 years which automatically reduced prices of Gold, Gas and petrol etc.
14. Black money which was deposited in Swiss Bank must bring to India.
15. Police should be citizen friendly.
16. 6 months maximum to close highest crime cases.

We Citizen of India have faith and believe that in next 60n months you must change the fate of India.

This time you have asked abki baar modi sarkar but we will say baar baar...lagataar modi sarkar.

અમારી શુભેચ્છાઓ, શ્રધ્ધા તો કાયમ આપની સાથે જ છે. તમે બોલેલું કરી બતાવનારા માણસ છો એટલે જ અમને તમારા પર માન છે અને એટલે જ અમારી અપેક્ષાઓ આપ જેવા સમર્થ નેતા પાસેથી વધતી જાય છે. અમુક વખત તમે સાવ મૌન થઈ જાઓ છો તો અમુક વખતે આગ ઝરતી વાણીથી સામેવાળાને ઉભેઉભો ચીરી કાઢવાની તાકાત પણ ધરાવો છો. તમારી દરેક કાર્યવાહી અચૂકપણે ગાઢ સમજણ અને દૂરંદેશીથી ભરપૂર હોય છે. પ્રજા એટલે જ તમને આટલો બધો પ્રેમ કરે છે, ચાહે છે. તમે આજે ભારતના વિકાસના મુદ્દે વિપક્ષોને પણ સાથે લઈને ચાલવાની વાત કરી એ વાત પર તો દિલ ખુશ થઈ ગયું. તમે તો રાજકારણની વ્યાખ્યા જ બદલી કાઢી. રાજકારણમાં ભાઈચારો, દોસ્તી સાથે વિકાસની યોજનાઓ શક્ય છે એવી આશા જગાડી અને તમે ખોટી આશા નથી જ જગાડતા એ અમે બરાબર જાણીએ છીએ. રાજકારણ મારો વિષય જ નથી અને એના ઉપર આજે આટ્લું લખવા બેઠી, સવારથી કામકાજ ભૂલીને ટીવીની સામે ને સામે જ બેસી રહી એનાથી વધુ તો શું કહુ હવે !
થોડામાં બધું સમજી જા જો બાપલાં. અમે તો ગુજરાતની જેમ સમગ્ર ભારતનો વિકાસ થાય એ માટે બહુ મોટું બલિદાન આપ્યું છે, તમને દેશને સુપર્દ કરી દીધા છે પણ અમારી તકલીફોના સમયે તમે ચોક્કસ અમારી પડખે હશો એવો વિશ્વાસ જ છે.
પ્રભુ તમને તમારા વિકાસ અને નિષ્પક્ષ ઇરાદાઓમાં સફળ બનાવે , તમે બીજા ઘણાં વર્ષો આપણાં ભારતના વડાપ્રધાન પદે બિરાજમાન રહો અને આપણાં દેશને ખૂબ ખૂબ આગળ લઈ જાઓ. ઘણા લોકો એવું વિચારે છે કે મોદીજીએ એમની ગુજરાતની જેમ કામ કરવાની સ્ટાઈલ છોડવી પડશે, હવે એમનાથી એમ ના વર્તાય, એવી રીતથી કામ ના થાય . પણ હું તો એમ જ કહીશ કે તમતમારે પ્રેમથી જે યોગ્ય લાગે એ સ્ટાઈલ અપનાવજો બસ જે કાર્ય હાથમાં લો એને કાયમની જેમ સફળ બનાવજો. અમે હંમેશા તમારી સાથે જ છીએ.

અન્યોન્ય લાગણી ને વિશ્વાસનો ખૂબ ખૂબ વિકાસ થાય એવી આશા.
ભારત દેશની એક સામાન્ય નાગરિક - સ્નેહા પટેલ.
,


No comments: