Thursday, August 12, 2010

માણસવેડા – શીતલ દેસાઈ

૧૧.૦૮.૨૦૧૦


આજે ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં પુરસ્કૃત કૃતિ .....માણસવેડા .....શીતલ દેસાઈ
Friday, August 21, 2009 • પ્રકાર : ટૂંકી વાર્તા • સાહિત્યકાર : શીતલ દેસાઈ • [નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ વાર્તાના લેખિકા શ્રીમતી શીતલબેન દેસાઈને (વડોદરા) ખૂબ ખૂબ અભિનંદન. 45 વર્ષીય શીતલબેન અભ્યાસે એમ.ફિલ (અંગ્રેજી) છે અને હાલમાં તેઓ વિદ્યાનગરની વી.પી. સાયન્સ કૉલેજ ખાતે લેકચરરની ફરજ બજાવી રહ્યા છે. તેમના ઘણા લેખો ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘વિચારવલોણું’, ‘સંદેશ’ જેવા અખબાર અને સામાયિકોમાં સ્થાન પામ્યા છે. તેમણે અનુવાદક્ષેત્રે પણ સુંદર કામ કર્યું છે. તેમની પ્રસ્તુતવાર્તા સૌ વાચકોને વલસાડથી અમદાવાદ જતી ‘ગુજરાત ક્વીન’ ટ્રેનની સફર કરાવે છે અને સાથે પ્રવાસીઓના વિચારો, આસપાસનું વાતાવરણ અને ટ્રેનની ગતિ સાથે ભળતી જીવનની ગતિનું એક તાદશ્ય ચિત્ર ઊભું કરે છે. આપ તેમનો આ નંબર પર +91 9825959446 અથવા આ સરનામે shitalabhay@hotmail.com સંપર્ક કરી શકો છો.]
 
 
 
બહુ મોટું છે મારું નામ અને વટ પણ એટલો જ. જાણો છો મારું નામ ? મારું નામ છે ‘ગુજરાત ક્વીન’. મારા જેવી બીજી કોઈ ટ્રેન નહીં. દરરોજ વહેલી સવારે વલસાડથી મારી યાત્રા શરૂ કરું અને ઓફિસ ટાઈમ થતાં સુધીમાં તો અમદાવાદ ભેગા ! પછી આખો દિવસ અમદાવાદથી યાત્રા શરૂ થાય અને રાત સુધી ચાલે. તેમાં ક્યાંયે મીન-મેખ નહીં. ગતિ તો મારી જ. મારી યાત્રામાં કંઈ કેટલીયે લોકલ ટ્રેનોને પાછળ મૂકી રાણીની અદાથી નીકળી જાઉં. ખાતરી ન થતી હોય તો પૂછો રોજ અપ-ડાઉન કરતા મુસાફરોને ! લોકો બીજી ગાડીને છોડી મારી રાહ જોતા ઊભા રહે છે.

હું સાવ નિર્લેપ ભાવે મુસાફરોને લઈ જાઉં છું. કેટલાંયે લોકો મારા વખાણ કરતાં થાકતા નથી. તો ક્યારેક વહેલા-મોડું થાય કે કોઈ ટેકનિકલ ખામી સર્જાય, તો લોકો મને ગાળો પણ આપે છે પણ મને તેની કોઈ અસર થતી નથી. એ રીતે જોવા જાવ તો ગીતામાં વર્ણવેલા ‘સ્થિતપ્રજ્ઞ’નાં લક્ષણો મારામાં છે, તેમ કહેવાય. ટાઢ-તડકો-વરસાદ-પવન આ બધું મને અડે છે, પણ સ્પર્શતું નથી. મૂશળધાર વરસાદમાં સાવ ગણીગાંઠી સાથી ટ્રેનો સાથે ગણ્યા ગાઠ્યાં મુસાફરોને લઈ મારી યાત્રા ચાલુ રહે છે.
વેકેશનની ઉભરતી ભીડનો ભાર સહન કરીને પણ આ યાત્રા ચાલુ રહે છે. ઘણા ઝઘડાઓ પણ જોયા છે અને ઘણા ઈલુ-ઈલુ પણ નિહાળ્યા છે. સંવેદનાથી સભર લાગણી નીતરતું મનુષ્યત્વ પણ નીરખ્યું છે અને સાવ જડભરતને પણ વેંઢાર્યા છે. મારા હૃદય સુધી કોઈ બાબત પહોંચતી નથી. આખરે તો હું મશીનને ? હકીકતે માણસની કેટલીયે વાતો મને સમજાતી નથી, નવાઈ પમાડે છે અને ક્યારેક અકળાવે છે. આ માણસ માણસવેડા કર્યા વિના મારી જેમ તટસ્થ, નિર્લેપ, દ્રષ્ટા ક્યારે બનશે ? હજી હમણાં જ MST ડબ્બામાં મારામારી થઈ. કોઈ મુસાફરને રોજનાં પાસઘારક સાથે જગ્યા માટે ઝઘડો થયો.
‘હે….ય ત્યાં ન બેસશો. અમારી સીટ છે.’
‘તે નામ લખ્યું છે ?’
‘એમ જ માનો. ઊઠો.’
‘ના થવાય. થાય તે કરી લો.’
અવાજ ઊંચા થઈ ગયા અને શાબ્દિક યુદ્ધ શારીરિક પ્રહાર સુધી પહોંચી ગયું. આ માણસ શા માટે નાની વાતે ઝઘડતો હશે ?
ઘણી વાર હજુ તો મારો સ્ટેશન પર પ્રવેશ થયો ન થયો કે લોકો બારીની સળિયા પકડી દોડવા માંડે છે. સામાનની અફડાતફડી અને બૂમ-બરાડા ચાલુ થઈ જાય. જે ધક્કો મારવામાં માહિર તે જંગ જીતે. બારીમાંથી છાપુ-રૂમાલ આપી જગ્યા રાખનારાનાં ડોકિયા શરૂ થઈ જાય. ડબ્બામાં અંદર જઈ ‘મારો રૂમાલ છે, મારી જગ્યા છે’ એમ કહી જગા લેનારા પણ મળે અને રૂમાલનાં રૂમાલો ગુમ કરાવી નાંખી જગ્યા મેળવવાવાળા પણ મળી આવે. ‘હે…ઈ… ચડો, ચડો સંગલી, આઈ જા… તારા પપ્પા ક્યાં ?’ અને ચપાતી, દબાતી સંગલીનો જવાબ કોને સંભળાય ? આટલું ઓછું હોય તેમ ઉતરનારાની સાથે ચડવા મથતા મુસાફરો કે ફેરિયાવાળાની ઝપાઝપી ઓછી રંજક નથી. આ બધી અથડામણમાં ક્યાંક કોઈનું પાકીટ તફડાયું તો ક્યાંક ચેઈન જાય. આમ જ પલકારામાં ચેઈન ગુમાવનારા એક બેન તો ત્યાં જ ફસડાઈ પડ્યા. તેમણે મોટેથી રડવાનું શરૂ કર્યું :
‘મારી ચાર તોલાની ચેઈન…..’
‘હશે, ચિંતા ન કરશો, પોલીસ ફરિયાદ કરીશું….’ સાથે રહેલ બેન સમજાવતા હતા. બાજુમાં ઊભા રહેલ ત્રીજા અજાણ્યા બેને તેમને પાણી આપ્યું અને હાયકારો ઠાલવ્યો.
‘બિચારી કેવી રોવે છે !’
ત્યાં તો સાથીદાર બોલી : ‘હવે શું ? સોનું પહેરીને ના નીકળ્યા હોત તો ?’ પછી ધીમે રહી ઉમેર્યું, ‘અક્કલ જ નહીં.’
‘હું તો મુસાફરી વખતે ખોટું જ પહેરું.’ બીજીએ સ્વયં બુદ્ધિશાળી હોવાનું પ્રતિપાદિત કર્યું. પણ આ રોક્કળ, સમજાવટ કે વ્યંગ બધુ જ મને સાવ વ્યર્થ લાગે છે. માણસની રીત જ એવી !
વડોદરા સ્ટેશન હજી તો આવ્યું નથી ત્યાં જ પેસેજમાં ભીડ થઈ જાય છે. વળી પાછળથી કોઈ આવે,
‘જવા દો….’
‘મારે પણ ઉતરવાનું જ છે.’
‘ક્યાં ? મારે તો પહેલી સીડીએ. મને જવા દે.’
‘ઓ પહેલી એ નહીં, બીજી એ જજે. સ્પીડ ઘણી હોય છે.’
‘આપણ ને તો પ્રેક્ટિસ…..’
અને આ ભાઈ; ના કોઈ જુવાન તરવરિયો છોકરો નહીં, પણ પ્રૌઢ જે કુટુંબ ને પાળવા સવારથી રાત સુધી ઘર બહાર રહી, ગામ બહાર જઈ નોકરી કરે છે, જેનાં હૈયામાં સાહસ કરવાના ધખારા આથમી ચૂક્યા છે, જેણે જિંદગીને જોઈ છે, તે પ્રેક્ટિસનાં વિશ્વાસે ઉતર્યા પણ આજે તેમની પ્રેક્ટિસમાં પંકચર પડ્યું. પગ લથડ્યો અને ગબડ્યા. તરત જ ચેઈન-પુલીંગ થયું. મિત્રો સારવાર અર્થે લઈ જતાં હતાં, ત્યાં રસ્તામાં જ તેમના રામ રમી ગયા. પછીનો સીન હું તો વર્ણવી શકીશ પણ તમે એ નહીં સાંભળી શકો. આખરે તમે માણસ ખરા ને ?
કેટલાક લોકોની જગ્યા છેલ્લા કોચમાં ઉપરની પાટલીએ ફિક્સ જ છે.
‘એ…ઈ… પાઠક… રોજ કેમ ઉપર ચડી બેસે છે ? જરા નીચેની દુનિયા તો જો….’
‘ના ભાઈ, આપણે તો અહીં જ સારા… તમારી કચ-કચ ન જોઈએ.’
‘એલા પંદર વર્ષ સુધી કંપની હતી, હવે રિટાયર થવાનો થયો એટલે કચ-કચ થઈ ગઈ એમ ને ?’
‘એમ કંઈ હોય ?’ પાઠક જેવા સિન્સીયરને એક્સ્ટેશન મળવાનું છે….’
‘ના રે, મારે નહીં જોઈએ….’ પાઠકે કહ્યું, ‘દીકરાએ ભણી લીધું છે. હવે આપણે ધક્કા નથી ખાવા, સવારે-સાંજે શૅર રિક્ષા માટે દોડો અને ગાડીમાં ધક્કા ખાવ….’
‘કેમ તું તો મોટર સાઈકલ ચલાવે છે ને ? સ્ટેશને રાખતો હોય તો ?’
‘ના હવે હમણા છોકરાને જરૂર પડે એટલે ઘેર રાખું છું.’
ત્યાં જ અવાજ આવ્યો, ‘શીંગ ગરમા ગરમ શીંગ… તાજી ને મીઠી…. ગરમાગરમ શીંગ….’ હૈયે હૈયા દળાય તેવી ભીડમાંથી પણ રસ્તો કાઢી શીંગવાળો પસાર થતો હતો.
‘કેમ હમણાં બે દિવસ ન દેખાયો ?’
‘જવા દો ને સાહેબ…. રોજની રામાયણ… હપ્તો દેતાં યે મન પડે ત્યારે પકડી જાય…. માંડ છૂટકારો થયો. કમાવાનું ઓછું ને બીજાઓને ખવડાવવાનું ઘણું’ તેની વાણી શીંગ જેવી વરાળભરી હતી. અને પૂછ્યા વિના જ તેણે સાહેબને પડીકું આપ્યું અને સાહેબે પૈસા. આ કદાચ તેમનો નિત્યક્રમ હતો.
ત્યાં બીજી બાજુ પોટલા લઈને આવેલા બીજા બહેનોને માળા ને ઝીણી બુટ્ટી ને બંગડી એવું બધું બતાવતા હતા. કૉલેજની છોકરીઓ વીંટીનું આખું કપડું લઈ જોતી હતી. કઈ વીંટી સારી તે નક્કી ન થતું હોય ત્યારે બહેનપણીને પૂછતી હતી.
‘આ પાટલાનું શું ?’
‘પચાસ….’
‘અરે ઓછા કરો, આટલા ન હોય.’
‘નહીં ચાલે બેન, નથી પોષાતું. સવારના વહેલા પરવારી દોડું છું તે સાંજ સુધી દોડું, ત્યારે બે પૈસા મળે.’
‘ના, તે તો વધારે છે ચાલીસ રાખો.’
પફ-પાવડર-લીપસ્ટીકથી શોભતા બેને ચીપી ચીપીને કહ્યું અને પછી પોતાની મિત્ર સાથે ફરી અંગ્રેજીમાં વાર્તાલાપ કરવા બેસી ગયા. પાંચ-છ છોકરીઓએ ઝીણી બુટ્ટી ને વીંટી લીધી. બે-એક બહેનોએ ગળાની ચેઈન પસંદ કરી. ત્યાં જ કોઈએ આ સામાન વેચતા બેનને કહ્યું : ‘માસી કાલે માથામાં નાંખવાનાં બોરીયા લાવજો. આ મીનલને જોઈએ છે….’ અને બધા ખડખડાટ હસી પડ્યા. મીનલને બોયકટ હતા ! એક સીટ પર પાંચ-છ જણા બેસી પ્રવાસ કરી રહ્યા હતા. છતાં સહુ હસતા હતા.
પેલી બાજુ ફર્સ્ટ કલાસમાં પણ કેટલાક લોકો ઊભા હતા. ફરક એટલો કે તેઓ થોડું સારી રીતે ઊભા રહી શકે. ટી.સી.નું આગમન થતાં જ કોઈએ બૂમ પાડી :
‘ક્યા તિવારી સા’બ… જગા હી નહી રખતે…. એ.સી. મે ચલા જાઉં ?’
ટી.સી.એ ખાલી સ્મિત આપ્યું અને અજાણ્યા લાગતા ચહેરાઓ પાસે ટિકિટ માંગવા લાગ્યો. તેથી સાથે એક બીજો ટી.સી. પણ હતો. કદાચ તે નવો હતો. તેથી કામ શીખવા જ તિવારી સાથે નીકળ્યો હતો. તે એક ગ્રુપ પાસે અટક્યો. એક-બે બેનો ને એકાદ ભાઈનું ગ્રુપ મસ્તીથી નાસ્તો કરતું હતું. નવા ટી.સી.એ ટિકિટ માંગી. બેનો ડબ્બા સાઈડમાં ગોઠવી, પર્સ શોધવા લાગ્યા. ત્યાં જ તિવારી આવ્યો :
‘અરે યાર, ચલ ઉનકો નાસ્તા કરને દે… યે રોજ કે પાસવાલે હૈ….’ અને આમ જ યાત્રા ચાલુ રહેતી હતી, સતત અને અવિરત. પોતાનું સ્ટેશન આવતાં સહુ ઉતરી પડતા હતા. વડોદરાથી ઘણું મોટું ગ્રુપ રોજ ચડતું હતું.. વાસદ આવતાં જ કેટલાંક સીટધારી પેસેન્જર ઊભા થઈ, પોતપોતાના મિત્રોને બેસવાની જગ્યા કરી આપતા અને ખુદ ઊભા રહેતા હતા. આ એક વણલખેલો શાસ્ત્રોક્ત નિયમ હતો, જેનું ચુસ્તપણે પાલન થતું હતું.
શ્રાવણ મહિનો આવતાં જ કથા માટેનો દિવસ નક્કી થતો. કેટલાંક ઉત્સાહી સમગ્ર આયોજનની જવાબદારી સંભાળી લેતા. દરેક પાસેથી ફાળો ઉઘરાવાતો. કોઈ એક સોમવાર કે અગિયારસ કે પૂનમ ના દિવસે સાક્ષાત ગોરમહારાજ હાજર થતા. કોઈ જુવાન તે દિવસે સપત્નીક પૂજા કરતાં. તે દિવસે તેની પત્ની પણ પ્રવાસ કરતી અને તેને પણ ખબર પડતી કે રોજ-રોજ કેવી રીતે પ્રવાસ થાય છે ! કેટલાક બહેનો ઘરનાં માંડવે પ્રસંગ હોય એમ સરસ તૈયાર થઈ આવતાં. ઉત્સાહી આયોજકો રેશમી ઝભ્ભા ચડાવી ફરતા. તેઓ ઘણીવાર વહેલા ઊઠી સવારે આગલા સ્ટેશન જઈ, ત્યાંથી કોચની બહાર અને અંદર સુશોભન કરતા. શીરાનો પ્રસાદ કોચમાં જ નહીં, આસપાસ કોચમાં પણ વહેંચાતો. ક્યારેક પ્રવાસ કરનારા લોકો કંઈક આશ્ચર્ય અને અહોભાવથી આ સમગ્ર ઘટના નિહાળી રહેતા તો કેટલાંક સોફિસ્ટીકેટેડ મુસાફરો તો આ સઘળું નિહાળી બઘવાઈ જતાં.
લોકોની વાતો સાંભળવાની મજા કંઈક ઓર જ છે ! બેંકનાં કર્મચારીઓ તેમના પગાર વધારાની અને ન થાય તો હડતાલની વાતો કરતા હતા. ઈન્સ્યોરન્સ કંપનીનાં ગ્રુપને તેમનો બિઝનેસ લાવવાની ચિંતા હતી, તો શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓને તેમના પ્રશ્નો હતા. દરેકની વાતમાં એક બાબત સર્વસામાન્ય હતી. તેમનો ‘બોસ’ જે ખુદ અક્કલ વગરનો છે છતાં દમ મારવામાંથી ઊંચો આવતો નથી ! આ બોસ નામના પ્રાણી સાથે કઈ રીતે ‘ટેકલ’ કરવું તેના વિવિધ નુસખાઓ વિચારતા અને તેની આપ-લે થતી…..
‘તમારે તો સારું, બેંકમાં પગાર સારો તેથી વાંધો ન આવે.’
‘અરે લાગે…. કેશની જવાબદારી કેટલી ? કોઈવાર ન મળે ત્યારે આંખે અંધારા આવી જાય….’
ત્યાં વળી કોઈ કહેશે : ‘અમારી ઑફિસ તો એટલી ગં…દી છે, કોણ જાણે ક્યારે સુધરશે.’
‘બધે એમ જ હોય. કાગડા ક્યાંય ધોળા હોતા હશે ?’
ત્રીજા થોડા પ્રૌઢ પણ જાજરમાન જણાતા બેને કહ્યું : ‘તે એવું જ હોય. માણસો પણ એવા જ હોય અને તેમાં જ આપણે કામ કરવાનું છે. એ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ.’ આ કદાચ અનુભવનો નિચોડ બોલતો હતો.
‘ઓહો… મનીષાબેન, કેટલા વખતે ? શું બીમાર પડી ગયા હતા ?’
‘આ પગની જ તકલીફ છે.’ તેમના પગ થાંભલા જેવા હતા. તેમનાથી માંડ માંડ ચલાતું હતું છતાં નોકરી છોડાય તેવી પરિસ્થિતિ ન હતી. પતિની નાનકડી દુકાન હતી. બે છોકરાઓ એક દસમામાં, બીજો આઠમામાં. સવારના આઠ પહેલા રસોઈ બનાવીને નીકળવાનું અને રાતે સાડાઆઠ પછી ઘેર પહોંચી રસોઈ કરી પરવારવાનું રહેતું. ઉગતા છોકરાઓની સંભાળ લેતા લેતા, સમય સાથે દોડતા દોડતા કામ કરે જતા હતા. શરીર પાસેથી ઘણું કામ ખેંચ્યું હતું. પણ હવે તે સાથ આપવા ના પાડતું હતું. પેલી નીનાને પણ રોજ સાંજે છ જણાની રસોઈ કરવી પડતી. પોતે ચાર અને સાસુ-સસરા. તેનો દીકરો હજી નાનો હતો. દીકરી પહેલા ધોરણમાં ભણતી હતી. તે કહેતી :
‘સાસુ આખો દિવસ છોકરાં રાખે એટલે રાતે તો મારે કરવું જ પડે ને ? ને ભેગી છોકરાની ફરિયાદો યે સાંભળવી પડે….’ થોડા એક સારું કમાતા બહેનો રસોઈ માટે બાઈ રાખી શકતા હતા. પણ ટ્રેનમાંથી તેમની સૂચનાઓ ફોન પર ચાલુ રહેતી : ‘સવારનું શું પડ્યું છે ? હા તો વઘારેલો ભાત, કઢી ને થોડીક ભાખરી બનાવી નાંખો…’
મોટાભાગના પુરુષો એ રીતે સુખી હતા. તેમના ઘરનાં વ્યવહારો અન્ય લોકો સંભાળી લેતા હતા. છતાંયે કેટલીયે વાર તેમને પણ કેટલાંક બેંકમાં કામ માટે, સગાસંબંધીની બિમારી કે મૃત્યુ અંગે કે પછી કૌટુંબિક માંગલિક પ્રસંગે વહેલા મોડા નોકરી પર જવાનું થતું ત્યારે તેમનાથી બોલાઈ જતું : ‘કાલે કલાક વહેલો નીકળ્યો તેમાં તો સાહેબ બગડ્યો છે, શું કરવું ?’ આ સનાતન પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. દરેક પોતપોતાની પદ્ધતિને અનુરૂપ માર્ગ કરી લે છે. કોઈ ચમચાગીરી કરે છે, ત્યાં કોઈ દાદાગીરી કરે. કેટલાંક વળી નજર ચૂકાવીને ભાગી જાય છે, તો કેટલાંક બિન્દાસ એક કાને સાંભળી, બીજા કાને કાઢી નાંખે છે. હું દરેકની વાતો સાંભળું છું. હું તેઓનો અભિનય નિહાળું છું. તેમના પ્રેમ ને તેમનો રોષ, તેમની પ્રશંસા ને તેમનો ગુસ્સો, કાવા-દાવા, કાનાફસી, રડારોળ, હસાહસ – આ સઘળાની હું સાક્ષી છું પણ માત્ર સાક્ષી જ છું. રોજ આ વાતો સાંભળવામાં મારો સમય ક્યાં પસાર થઈ જાય છે, તેની મને ખબર નથી. જો કે આ બધું મને ક્યારેય સમજાતું નથી અને સમજાવાનું પણ નથી. જો કે મારે શા માટે સમજવું પણ જોઈએ ? મારું કામ જ નથી. હું તો માત્ર વાહક છું. મારા માટે માણસ સમજવો એ પહોંચ બહારનું કામ છે. આપણા રામ તો બસ જોયા કરે છે, સાંભળ્યા કરે છે અને પોતાનું કામ કર્યા કરે છે.
ત્યાં બીજા એક દિવસે પેલા લેડીઝ કોચમાં કલબલાટ થાય છે અને નાસ્તાના ડબ્બા એક હાથમાંથી બીજા હાથમાં પસાર થાય છે. ઘરનાં કામમાંથી નાસ્તા બનાવવા માટે પણ સમય કાઢી, સ્વયં ખાતા અને બીજાને ખવડાવતા, થોડીક મોકળાશ મળે તો શાકભાજી સમારતા, ભીડમાં ઊભા ઊભા મુસાફરી કરવા છતાં કુટુંબની સેવામાં ખડે પગે રહેનાર આ બહેનો ભાઈઓ કરતા યે મજબૂત છે અને બહાદુર છે.
‘તારો હાંડવો બહુ સરસ છે.’
કે પછી
‘નિશા ! તારે માટે સાબુદાણાની ખીચડી લાવી છું.’
‘વાહ ! ખીચડી તો તારા હાથની જ. કહેવું પડે !’
કે પછી
‘ચાલો કાલે ભેળ બનાવીએ…..’ આ સંવાદો તો રોજના છે પણ આજે કંઈક જુદો જ માહોલ દેખાય છે. રોજનાં ચણામમરાના સ્થાને કંઈક શાહી ઠાઠ દેખાય છે. દાળમૂઠ અને સમોસાની સોડમ ફેલાઈ ગઈ છે. ઉપરથી પાછા ગુલાબજાંબુ સહુ પ્રેમથી ખાય છે, પણ આજે સહુનો પ્રેમ આ રંજનીબેન પર ઉભરાયો છે.
‘ના, ના લેવું જ પડશે. પછી અમે ક્યાં આવવાના છીએ ?’
‘તે આવજો ને… નોકરીમાં ટ્રાન્સફર થઈ છે, પણ રહેવાની તો ગામમાં જ ને ?’
એમ વાત છે, તો આ ફેરવેલ પાર્ટી છે. તેમાં સહુએ રંજનીને ગીફટ પણ આપી અને રંજનીએ બધાને ફાઈવસ્ટારથી મીઠું મોં કરાવ્યું. હા…હા…હી…હી…માં અમદાવાદ આવી ગયું અને અચાનક સોપો પડી ગયો. કોઈક કહેતું હતું : ‘યાદ રાખજે, ક્યારેક ફોન તો કરજે…’ તો કોઈને ગળે ડૂમો બાઝ્યો હતો. રંજનીબેન આમ તો ખુશ હતા અને છતાંયે રોવા જેવા થઈ ગયા હતા. માંડ માંડ બોલ્યાં :
‘તમારી કંપની – અને આ મઝા – હવે ક્યાં મળશે ?’
આમ તો બધા ખુશ છે, છતાંય બધા દુ:ખી ? આમ કેમ ? એ ખરેખર મારા માટે કોયડો છે.
રોજ મારી યાત્રામાં મહી નદીને પસાર કરું છું. કેટલાંયે લોકો નદી આવતાં જ ખાવા-ગાવા-બોલવા-વાંચવાનું છોડીને તરત નમન કરે છે. કેટલાયે પૈસા ફેંકે છે-સોરી પધરાવે છે. બહુ લોકો દેવને ચડાવેલ પુષ્પો થેલીમાં ભરી લાવી નદીમાં પધરાવે છે. આમાંથી કેટલું પ્રવાહ સાથે ભળ્યું તે ખબર નથી. કેટલાંક અણઘડ, ઉતાવળિયા હજી તો નદીનો પટ શરૂ થયો ન થયો ત્યાં તો જોરથી પૈસા ફેંકે છે. નદીની પૂજા થઈ કે ન થઈ, બ્રીજ નીચે રમતા ટેણિયાઓને જલસા પડી જાય છે. આ બધાનો અર્થ શું તે હું નહીં પૂછું, કારણ ધાર્મિક આસ્થા જેવા વિષય પર મૌન જ સારું. અમાસનાં દિવસે નાના જૂથમાં પૂજા કરતા લોકો નજરે પડે છે. કોઈ વ્રતની પૂર્ણાહૂતિમાં સમગ્ર તટ સુંદર મઝાની મૂર્તિઓ અને ભાવુકોથી ઊભરાય છે. દૂર દૂરનાં ગામમાંથી ચાલતાં, બસમાં કે ટ્રેનમાં, મૂર્તિને સાચવી સાચવીને પધરાવવા માટે નદી સુધી લઈ આવતા ભાવિકોની લાગણી મને ક્યાંથી સમજાય ?
ચોમાસામાં બે કાંઠે મહી વહી રહી હોય છે. આસપાસનો સમગ્ર વિસ્તાર લીલીછમ વનરાજીથી છવાઈ જાય છે. લીલા પર્ણ પર મોતી બિંદુ સમાન વરસાદી જળ ઓપી રહ્યા હોય. ક્યારેક આકાશ ગોરંભાયેલું હોય ત્યારે તો એકદમ અંઘારુ છવાઈ જાય છે. તો ક્યાંક વાદળાની પેલી પાર રૂપેરી કોર દેખાય છે. આ બધા વચ્ચે છૂક….છૂક… કરતી યાત્રા ચાલતી રહે છે. ક્યાંકથી કોઈ બોલી ઊઠે છે :
‘અરે, જુઓ જુઓ સામે મોર છે….’
‘હા હવે બરાબર. તું કાયમ મોરનું બહુ ધ્યાન રાખે છે.’
‘હા જોજે આટલામાં ઢેલ પણ હશે…’
‘મોર તો સાચે જ કળા કરીને એવી રીતે ઊભો હતો જાણે કોઈ તેનો ફોટો પાડી રહ્યું ન હોય !’ મોર શોધનાર ભાઈની નજર હજી બહાર જ હતી. બીજા મોરની દિશામાં નજર ઘૂમી રહી હતી. બહાર જ નજર રાખી તેમણે કહ્યું : ‘હવે તો નીલગાય ઓછી દેખાય છે. બાકી તો અહીંથી પસાર થતાં કેટલાંયે મોર અને કેટલીયે નીલગાય જોવા મળતી.’
‘હા ભઈ, અપ-ડાઉનની આ જ તો મજા છે. બાકી શહેરનાં સિમેન્ટ-કોન્ક્રિટનાં જંગલમાં શું જોવા મળે ? આપણા છોકરાઓએ તો મોરનું ચિત્ર જ જોયું છે.’
‘સાચી વાત છે, બહુ બહુ ઝૂમાં લઈ જઈએ તો થોડાંક પશુ-પંખી તેને જોવા મળે.’
‘અરે પણ આ છોકરાંને ઘરની બહાર ફરવા આવવું ક્યાં ગમે છે ? આખો દિવસ કાર્ટૂન ચેનલ જોવાની કે પછી કમ્પ્યુટર પર ગેમ રમવાની ઘેલછા છે.’
‘અને હા, આપણી જેમ વેકેશનમાં કાકા-મામાને ઘેર જઈ રહેવાનું તો ગમતું જ નથી. આપણે જવું હોય તો પણ બંધન થાય.’
‘તેમાં વાંક આપણો પણ ખરો ને !’
આ ગહન ચર્ચા હજી આગળ ચાલત, ત્યાં જ મોર શોધતા ભાઈએ કહ્યું : ‘અરે ચર્ચા કર્યા વિના બારી બહાર જુઓ ને ! જુઓ આ મહી નો બ્રીજ આવી ગયો…. અહાહા ! પાણી તો જુઓ ! હા, ભાઈ, મહીસાગર કંઈ અમસ્તા કહ્યું છે ?’
ચોમાસામાં ભરપુર વહેતી મહી જોઈ ખુશ થનાર, કોઈ ઉનાળુ સાંજે બોલી ઊઠે છે :
‘જો તો કેટલું ઓછું પાણી છે ?’
‘કાલ કરતાં ઘટ્યું.’
નદીનાં આ બંને રૂપ હું જોતી રહું છું અને મારું કામ કરે જાઉં છું… એ જ અચલતાથી અને એ જ નિસ્પૃહતાથી. મે મહિનાની એક ભીડભરી સવારે આમ જ હું સંભાળીને પુલ વટાવી રહી હતી, ત્યાં મારા કાને કોઈ અવાજ અથડાયો.
‘અરે જો તો, આમાં પાણી જ નથી.’
‘ઉનાળો ને ?’
‘ના આ ડેમ બાંધ્યો ત્યારથી બધું પાણી એમાં જાય છે. હવે નદીનું નૂર જતું રહ્યું છે. આમ જ રહેશે.’ અનાયાસે જ મારી નજર નદી તરફ મંડાઈ આ મહી ? ક્યાં અષાઢનાં પ્રથમ ભીના ચુંબને કાંઠા તોડી જતી યૌવના સમી મહી ? ક્યાં શિયાળુ સાંજે પ્રગલ્લભ ગૃહિણી સમી શાંત-સહજ-સરલ મહી ? ક્યાં ગયું મહીસાગરનું એ અપ્રતિમ ઘૂઘવાતું રૂપ ?
પણ આ શું ? હું કંઈ સમજું કે વિચારું તે પહેલાં જ અચાનક મારા પગ જાણે ખીલા ઠોક્યાં હોય તેમ જડાઈ ગયા. મારી આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યું. કેમ ? તે તો માણસ જાણે.

No comments: