Thursday, August 24, 2017

(૮૦)-“રાઈ જેવડું દુ: ખ – રીના મહેતા”

૨૪/૦૮/૨૦૧૭..(૮૦)..રાઈ જેવડું દુ: રીના મહેતા
[‘ખરી પડે છે પીંછુંપુસ્તકમાંથી સાભાર.]
ઘરમાં લગભગ સતત ચાલ્યા કરતા માંદગીના ચક્કરથી કંટાળી હું એક જ્યોતિષ મિત્રની ઑફિસમાં જાઉં છું. પ્રતીક્ષા ખંડમાં હું મારો વારો આવવાની પ્રતીક્ષા કરતી બેઠી હોઉં છું, ત્યાં જ બારણું ખૂલે છે. અંદરથી એક પંદર-સોળ વર્ષની છોકરી બહાર આવે છે, બલ્કે એને બહાર લાવવામાં આવે છે, એ જરાતરા ડગ ભરે છે. બાકી તો એને એની માતા અને અન્ય સંબંધી ઝાઝી-ઝાલીને દસ-પંદર ડગલાં ભરાવે છે. છોકરીને ખુરશી ઉપર બેસાડવામાં આવે છે. એનું માથું, ખભો બધું નીચે ઢળ્યાં કરે છે. મહાપરાણે એ એનું માથું સહેજ ઊંચકી બધાંને જોઈ શકે છે. એની માતા સતત એને ખભેથી ઝાલી રાખે છે.
માતાની ઉંમર પણ ઝાઝી નથી. એ આશ્ચર્યકારક રીતે હસમુખી અને આનંદી છે ! છોકરીને કારની ચાવી પકડવા માટે કહે છે. છોકરી જેમતેમ એક વેંત જેટલો હાથ લંબાવી ચાવી પકડે છે. માતા ખુશખુશાલ થઈ જાય છે. ચાવી તારી છે? કાર તારી છે ?’ જેવાં પ્રશ્નો માતા પાંચ-સાત વાર પૂછે ત્યારે છોકરીના મગજ સુધી પહોંચે છે. જો છોકરી સાચો જવાબ આપે તો માતા રાજી થઈ જાય છે. કદીક છોકરી માથું હલાવી હા કે ના કહે છે. કદીક તે તેની માતા જ સમજી શકે તેવા ધીમા અવાજે બોલે છે. ભાઈ ક્યાં છે? ભાઈ શું ભણે છે ? ભાઈ મોટો કે તું ? તું કેટલું ભણી છે ?’ ડોકું ઢળી જતું જતું, મોઢું લાળ ટપકતું ટપકતું, ‘હા-નામાં કે હોઠના ફફડાટથી ઉત્તર આપ્યા કરે છે. માતા કહે છે, ‘થોડા મહિનાથી જ એને આવું છે. એ તો એસ.એસ.સી. પાસ થઈ તે પછી કદીક કદીક ચક્કર આવતા પડી જતી. છેલ્લે એને ખેંચ આવી પછી આવી થઈ ગઈ ! અમે મુંબઈમાં રહીએ છીએ. ડૉક્ટરો કહે છે : મગજ ડૅમેજ થાય છે.
મારા હૃદયમાં ચિરાડો પડી જાય છે. એસ.એસ.સી. સુધી ભણેલી, હસતી-રમતી ખીલતી કળી જેવી છોકરી અચાનક એક-બે વર્ષની બાળકી જેવી થઈ જાય ! અને હૃદય ઉપર પથ્થર મૂકી સતત હસતી આ માતા એની બાળકીને જાણે ફરી નવેસરથી ઉછેરી રહી છે. એને મન એ ફરી નાની, સાવ નાની બાળકી છે. ફક્ત એનું શારીરિક કદ જ મોટું છે. થોડી મિનિટો પછી માતા-પિતા-છોકરી ધીમે ધીમે દાદર ઊતરતા ચાલ્યા જાય છે. અહીં એમને આશાનું કોઈ કિરણ લાધ્યું કે કેમ ખબર નહીં, પણ મને થયું કે કેબિનમાં ગયા વિના જ હું પાછી ફરી જાઉં. હું અહીં શા માટે આવી ? મારા રાઈ જેવડાં દુ:ખના ઈલાજ માટે ?

બીજાનું મોટું દુ:ખ જોઈએ ત્યારે આપણને આપણું દુ:ખ હળવું લાગે છે, એ વાત મેં વારંવાર સાંભળી છે. માતૃત્વ અને દુ:ખ એ બંને સ્થિતિ ધીરજ, સહનશક્તિ, ઉદારતા, વિશાળતા, સમર્પણ માગે છે. માતા ધરતી જેવી છે. એ બળબળતા તાપમાં બળી શકે છે. બર્ફીલી ઠંડીમાં થીજી શકે છે. વરસાદમાં ઓગળી શકે છે. એને વહાલના ઝીણાં-ઝીણાં ફણગા ફૂટે છે. એ વૃક્ષ બની બધું આપ્યા કરે છે. ન અપાય ત્યારે કુહાડીથી પોતાની જ શાખાઓ કાપ્યા કરે છે. બાળક માતાની મોટી નબળાઈ છે. બાળક સમક્ષ એ સૌથી શક્તિવાન અને સૌથી લાચાર છે. બાળક માટે એ પર્વત જેવી કઠણ અને રૂ જેવી પોચી બની શકે છે. બાળકને એ કદીક વઢે છે, મારે છે ત્યારેય એના ક્રોધની પાછળ પ્રેમ રહેલો છે. ઘણીવાર એ પોતાના બાળક માટે આળી થઈ જાય છે. બાળકની નાની નિષ્ફળતા અણઆવડત એ ખમી શકતી નથી. ત્યારે કોઈ અપંગ, વિકલાંગ મંદ બુદ્ધિના બાળકની માતા તેના બાળકના જતન-સંવર્ધન પાછળ આટલી બધી અખૂટ ધીરજ, સહનશીલતા, કઈ રીતે એકત્રિત કરીને ટકાવી રાખતી હશે એવો પ્રશ્ન થાય.
માતૃત્વની પ્રાપ્તિ પીડા વિના, અસહ્ય દુ:ખ વિના શક્ય નથી. પીડાની વેણની ચરમ સીમાએ જ માતૃત્વની પ્રાપ્તિ છે. માતા બન્યા પછી સ્ત્રી પૂર્ણત્વ પામતી હોવાનું અમથું કહ્યું ન હોય. એમાં માત્ર સ્થૂળ શારીરિક માતૃત્વની વાત નથી. એવું માતૃત્વ મેળવ્યા વિના પણ સ્ત્રીનું હૃદય માતૃત્વ અનુભવી શકે. માતૃત્વ પામ્યા પછી સ્ત્રી બાળકના દુ:ખે દુ:ખી રહે છે. બાળક મોટું થાય, એનાથી અલગ હોય તે છતાંય તે એના દુ:ખે દુ:ખી થતી રહે છે. બલકે તેની પીડા જ તેને માતૃત્વની સજલ અનુભૂતિ કરાવતી રહે છે. તેમાંય બાળક જો વિકલાંગ હોય તો માતા આજન્મ તેને છાંયડો આપતી ઊભી રહે છે. વિકલાંગ બાળકની માતાનું આખું અસ્તિત્વ જ બદલાઈ જાય છે.
અમારી એક સંબંધી સ્ત્રી, યુવાન, આધુનિક મહાનગરમાં રહે. પ્રેમલગ્ન કરેલાં બે દીકરા. મોટો નૉર્મલ અને નાનો મંદ બુદ્ધિનો. જે આજે ચાર વર્ષનો થયો. ચાલે-દોડે છે, પણ બીજો ઝાઝો વિકાસ નહિ. નાનાના જન્મ પછી સ્ત્રીના જીવનનું કેન્દ્રબિંદુ જ બદલાઈ ગયું. ઘરમાં બધા પ્રકારે સુખ-સમૃદ્ધિ. સ્ત્રી બાળકને લઈ કિલનિકોમાં જાય. કસરતો કરાવે. એને સાવ નજીવી વાત શીખવાડવા થાક્યા વિના મથ્યા કરે. રાત-દિવસ નેપી બદલે. લાળવાળું મોં લૂછે. અમે બે દિવસ એને ત્યાં રહ્યા. રાતે મારો દીકરો શરદી-ઉધરસને કારણે ખૂબ રડવા લાગ્યો. આખું ઘર ઊંઘે, પણ પેલી સ્ત્રી ? જે અત્યાર સુધી મને અતડી, અતિ આધુનિક લાગતી તે વારંવાર આવી ખબર જોઈ જાય. દવા પીવડાવી જાય. પછી કહે : હું આમ તો રાતે જાગતી જ હોઉં. નાનો આવ્યો પછી મને આવું થઈ ગયું છે. આ મોટા બિલ્ડિંગમાં કોઈનુંયે બચ્ચું મધરાતે રડે તો હું વૉચમૅનને પૂછું છું કે કોણ રડે છે ? કેમ રડે છે ? કોઈપણ બાળકના રડવાથી મને કંઈ કંઈ થઈ જાય છે !વૈયક્તિક માતૃત્વ એને વૈશ્વિક માતૃત્વ તરફ લઈ જાય છે.
એક દિવસ એક નાની બાળકી રમતી-રમતી અમારે ઘેર આવી ચઢી. હું જાણું કે એને મા નથી. એ માસીને ઘેર ઊછરે. ખૂબ તંદુરસ્ત, પરાણે વહાલી લાગે એવું મીઠું બોલબોલ કર્યા કરે. તમે એને લપ ગણી ઘરે વિદાય કરવા ચાહો તોય કરી ન શકો. થોડીવાર રમી એ મારી પાસે હીંચકે બેઠી. મેં એને પૂછ્યું : તારી મમ્મીનું નામ શું ?’ એણે એની માસીનું નામ કહ્યું, ‘તારા ગામમાં કોણ રહે છે ?’, ‘મારા પપ્પા. મારા નાના ભાઈને મારા કાકી રાખે. મારી મમ્મી તો મરી ગઈ !’ – માના મરી જવાની વાત એણે એટલી સહજતાથી કહી કે એની અબુધતા પર મારી આંખ ભરાઈ ગઈ. અરે ! આટલી નાની છોકરીની મા નથી ? મા નથી એ શબ્દો જ કેટલા ભયંકર છે. પરંતુ એ નાનકીને તો એની કંઈ જ અનુભૂતિ નથી જણાતી. એ તો હસતી-કૂદતી-રમતી રહે છે. જ્યાં જાય ત્યાં આનંદ મેળવે છે અને આપે છે. ઈશ્વરે મા ન હોવાની ખાલી જગ્યામાં આનંદનું ઝરણું મૂકી દીધું છે. મારા પુત્ર વેદાંગને મને ચૂમી ભરતા જોઈને એ કહે છે : મને પણ કરો ને !હું એના માથે હાથ ફેરવું છું. આ બાળકી કોઈ પણ સ્ત્રીને એના માતૃત્વનાં મૂળ યાદ કરાવી શકતી હતી.
ઘરમાં હું સૌથી નાની, તેથી મને કોઈ બાળક રમાડવા ન મળેલું. અઢારેક વર્ષની હતી ત્યારે ભત્રીજો અદ્વૈત જન્મ્યો. એને જોઈ મને અદ્દભુત આનંદ થતો, વિસ્મય થતું. બે મહિનાનો હતો ત્યારે એકવાર એની માતા એને મારા ખોળામાં સુવાડી કોઈ કામ માટે ગઈ. મારા ખોળામાં કોઈ નવજાત શિશુ, લોહીની સગાઈ ધરાવતું, આંખ મીંચીને પ્રથમવાર એકલું સૂતું હતું. હું કલાક સુધી એમ જ બેસી રહી. ઝાઝું હાલી-ચાલી પણ નહિ. રખેને એ જાગી જાય ને રડે તો ? થોડી વારે એની માતા પાછી આવી. હજી શિશુને આમ જ ખોળામાં સુવાડેલું જોઈ આશ્ચર્યપામી બોલી : નીચે સુવાડી દેવો તો ને ? નહિ જાગતે.મારાં પગેય ખાલી ચઢી ગઈ હતી પણ એ એક કલાક હું નવજાત બાળક સાથે પ્રથમવાર એકલી હતી. મારા હૃદયમાં મુગ્ધ માતૃત્વની પ્રથમ સરવાણી ફૂટી હતી ને હું એમાં તરબતર થતી બેસી જ રહી હતી.

માતૃત્વની કોમળતા હવે તો બાળકોને વઢવા કે કદીક મારી બેસવાની કઠોરતા સુધી ચાલી ગઈ છે. બાળક્ને કદી મારવા ન જોઈએ, એને ગમતું કામ કરવા દેવું જોઈએ વગેરે જોશભેર ચાલતી ચર્ચામાં હુંય કદીક ઝંપલાવું છું. પણ, વાસ્તવમાં કદીક એનાથી વિપરીત આચરણ મારાથી થઈ જાય છે. કલાકો ટી.વી. જોતાં, ન ભણતા બાળક પ્રત્યે મને પારાવાર ગુસ્સો આવે છે. એ ચિત્રકળાને નામે આખા ઘરમાં કલર, પેન્સિલ વેરવિખેર કરે, કાતર વડે કાગળની ડિઝાઈનો બનાવી અસંખ્ય કાપલીઓ અસંખ્યવાર ચારે તરફે વેરે ત્યારે હું મારી સ્વભાવગત બધી જ ધીરજ ગુમાવી જોરથી ઘાંટા પાડી વઢું છું. બે હળવી થપ્પડ મારી દઉં છું. બાળક એની લાંબી પાતળી-સુંદર આંગળીથી જે કાતર વડે ડિઝાઈન કાપે છે એ જ કાતર વડે તારી આંગળી કાપી નાંખીશજેવા હિંસક શબ્દોય બોલી ઊઠું છું ! ત્યારે અચાનક મને પેલી છોકરીની હસમુખી માતા, રાતભર જાગ્યા કરતી પેલી સ્ત્રી, પેલી નમાઈ છોકરીની પ્રેમાળ માસી યાદ આવે છે. એ સાથે જ હું મનમાં ક્ષોભ અનુભવું છું. ત્યારે તેમની પહાડ જેવી ધીરજ-સહનશીલતા ઉપરથી મારું રાઈ જેવડું દુ:ખ દડદડ દડી જાય છે !
સંકલિત

No comments: