Wednesday, September 6, 2017

(૮૮)..સંતોષનું સ્મિત..ડો.હાર્દિક યાજ્ઞિક.

૦૬/૦૯/૨૦૧૭..(૮૮)..સંતોષનું સ્મિત...ડો.હાર્દિક યાજ્ઞિક


સ્ટ્રેચર પરથી ઊંચકીને પથારી પર સુવાડતા જ્યોતિ બોલી-લ્યો, આ તમારો દીકરો આવી ગયો.
રમણિકલાલના હૃદયમાં ઊંડે ઊંડે પડઘા પડવા લાગ્યા કે દીકરો આવી ગયોમાંડ માંડ આંખો ઉંચકવાનો નિરર્થક પ્રયત્ન પણ તે ઊડું ઊડું થતા ખોળિયાએ કરી જોયો. હાથ થોડા ઘણા ફરક્યાં. આવેલા દીકરાએ પણ હાથમાંની બેગ બાજુમાં મૂકીને બેઉ હાથ વડે ખૂબ જ હેતથી રમણિકલાલના હાથ પકડી લીધા.
જ્યોતિ સિસ્ટરે ડોકું ધીમેથી હલાવીને હવે વધુ સમય નથી…’ નો મૌન સંદેશો દીકરા સુધી વગર શબ્દે પહોંચાડ્યો. રમણિકલાલના મોં પર આજે દસ દિવસે કંઈક નવો સંતોષ હતો.
લગભગ બે કલાક સુધી આમ ને આમ દીકરા અને બાપ વચ્ચે એક પણ શબ્દ વગરની ઘણી બધી ચર્ચા થઈ. બંનેમાંથી કોઈ હાલ્યું નહીં. હવે રાતના અગિયાર થયા હતા. વોર્ડમાં છૂટાછવાયા ઉંહકારા અને ઉધરસ સિવાય શાંતિ હતી. ઘણા સમયથી પિતાનો હાથ પકડીને બેઠેલા દીકરાને જોઈને સિસ્ટરે દીકરાને બહાર બાંકડે જઈને આરામ કરવાની સલાહ આપી. દીકરાએ ફક્ત ડોકું ધુણાવ્યું અને ફરીથી એક હાથે પકડેલા પિતાના હાથને બીજા હાથે પ્રેમથી પંપાળતો રહ્યો.
લગભગ બે કલાક બાદ અચાનક જ એક નાનકડો પરંતુ કંઈક જુદો જ અવાજ સંભળાયો અને દીકરાના હાથમાં પકડેલ બાપનો હાથ નિર્જીવ બની ગયો.
દીકરાએ નર્સને બોલાવી. બધાને આ સમય આવવાનો છે તેની જાણ હતી. કંપાઉન્ડરો યંત્રવત રીતે રમણિકલાલના અચેત શરીર પરથી ઑક્સિજન માસ્ક અને બીજા યંત્રો દૂર કરવા માંડ્યા. જ્યોતિ સિસ્ટરે માનવતા બતાવતા દીકરાના ખભે હાથ મૂકીને કહ્યું :
ઈશ્વર જે કરે છે તે ભલા માટે જ કરે છે. ઘણા વખતથી બિચારા એકલા એકલા રિબાતા હતા. ભગવાન એમના આત્માને શાંતિ આપે. આમ તો ઘણા સારા માણસ હતા….’
તે પાછળ ફરીને બોલ્યો : હા, લાગ્યું જ કે કોઈ સારા માણસ હતા. પરંતુ તેઓ કોણ હતા?
સિસ્ટર આશ્ચર્યમાં પડી ગયા અને બોલ્યાં : અરે ! શું વાત કરો છો ? હોશમાં તો છો ને ? આ તમારા પિતા હતા.
ખૂબ સ્વસ્થતાથી તેણે જવાબ આપ્યો : ના, હું એમનો દીકરો નથી. મારા પિતાજી તો મારી ઘરે છે. હા, કદાચ હું આ કાકાના દીકરા જેવો થોડો દેખાતો હોઈશ. હું તો અહીં હોસ્પિટલના ઑપરેશન થિયેટરનું જનરેટર ઈમરજન્સીમાં ઠીક કરવા માટે રાત્રે આવ્યો હતો. હું કામ પતાવીને રિસેપ્શન પર આવ્યો અને મારું નામ કહ્યું તો આપ મને અહીં લઈ આવ્યા. પહેલાં તો મને લાગ્યું કે આપ મને ચેક અપાવવા માટે ડૉકટર સાહેબ પાસે લઈ જાઓ છો. પરંતુ તમે તો મારી ઓળખાણ આ કાકાના દીકરા તરીકે કરાવી ! ખબર નહીં કેમ, પરંતુ મને થયું કે મને જેટલી ચેકની જરૂર છે તે કરતાં આ કાકાને મારી વધારે જરૂર છે. ઉંમર અને માંદગીના સમન્વયે કદાચ એમણે મને પોતાનો દીકરો માની લીધો. તમે નહીં માનો સિસ્ટર, પણ છેલ્લા ચાર-પાંચ કલાકમાં મેં એમની સાથે કંઈ કેટલીયે વાતો મૌનથી કરી. ચાલો, કંઈ નહીં તો મરનાર વ્યક્તિના ચહેરા પર રમતા સંતોષના છેલ્લા સ્મિત બનવાનું સદભાગ્ય તો ઈશ્વરે મને આપ્યું. ડૉકટર સાહેબને કહેજો કે મારો ચેક ન બનાવે અને બની શકે તો તેમાંથી આ કાકાનું બિલ ભરી દે.
આમ કહીને બે હાથ જોડીને રમણિકલાલના શબને પ્રણામ કરી તે યુવાન ચાલતો થયો.
એક અજબ આશ્ચર્ય સાથે જ્યોતિ સિસ્ટર એને રોકવા જાય ત્યાં તેની નજર રમણિકલાલના નિર્જીવ શરીર પર પડી. ત્યાં બધું જ મૃત્યુ પામેલું હતું. ફક્ત જીવંત હતું તો પેલું સંતોષનું સ્મિત.
ખમૈયા કરો...
લોકો ખોટું કરતી વખતે; ડાબે - જમણેઆગળ - પાછળ જોઈ લેતા હોય છે.બસ, ઉપર જોવાનું ભુલી જાય છે.
અને છેલ્લે...
કશું નાં પામી  શક્યા તો શું થયું,
તમારા જેવાની દોસ્તી મળી તે
ઓછી છે?
નાની અમથી  જગ્યા પામી છે,
તમારા હૈયામાં,

શું તે તાજમહલથી ઓછી છે.
સંકલિત....

No comments: