૦૭.૦૧.૨૦૧૨
હવે ધીરે ધીરે મકર સંક્રાંતિ/ઉતરાયણ નો માહોલ જામતો જશે...........આવતા શનિવારે/રવિવારે.......આ આનંદ ચરમસીમાએ પહોચી જશે.આકાશ રંગબેરંગી પતંગો થી છવાઈ જશે.ઢીલ અને પેચ ની પરાકાષ્ઠા ,કાપ્યો છે,કાપ્યો છે ના ગગનભેદી નારા,ટેપ/વિડીઓં પરનું સંગીત ધાબાને જીવંત કરી મુકશે.....તલસાંકળી/મમરા નાં લાડુ/ઊંધિયું/ગરમ વેજીટેબલ સૂપ ખાણીપીણી અને બસ મોઝ-મજા....... ...આનંદ...આનંદ ...અને ...આનંદ ...જ
પરંતુ મિત્રો આપણો આનંદ કોઈ પણ જીવ માટે દુ:ખ નું પીડાનું/મોતનું કારણ નાં બને તે જોવાની આપણી ફરજ ખરી કે નહિ?..........જોજો નિર્દોષ અવકાશી જીવો ને પીડા ના થાય તેનો ખ્યાલ રાખજો......હેપી ઉતરાયણ સહ.......એક લેખ......એક બ્લોગ માંથી સાભાર.........
એક અપંગ શાંતિદૂતની આજીજી…
ખુલ્લા વિશાળ ગગનમાં વિહરવાની,હવાની લહેરકીઓ પર સવારી કરવાની,અને ઊંચેથી ધરતીમાતા નિહાળવાની રોજનીશી એજ પક્ષીમાત્રનો જીવનધર્મ.હું મારા આખાયે મિત્ર મંડળમાં સૌથી વધૂ કુશળતાથી ઉડનારો.મારો પરિવાર એટલે મારી જીવનસંગિની અને નાનાં-નાનાં ત્રણ ભૂલકાં,દૂર-દૂર શહેરમાં ઊડીને મારા બચ્ચાઓ માટે ચણ ભેગું કરતો.સુરતમાં વિશ્વશાંતિના દૂત એવા જવાહરલાલ ઉદ્યાન એટલે કે ચોપાટીમાં મારો માળો.મારા બચ્ચાને નવાં નવાં પીંછા આવ્યા ત્યારે મારો આનંદ છુપાવી શકાય તેમ ન હતો.આખો દિવસ વારા-ફરતી અમે બન્ને માતા-પિતા ચણ લાવી ખવડાવામાં વિતાવી દેતા.અને જ્યારે બચ્ચાઓએ પહેલી વાર પાંખ ફેલાવીને ફફડાવી ત્યાંરેતો મારી આંખો આનંદથી ભીની થઈ ગઈ !
આ અવસરને ઉજવવા મેં શહેરમાં જ્યાં પેલા દાદાજી રોજ સવારે તેમની અગાશી જુવારથી ભરી દે છે ત્યાં જઈ ખૂબ દાણા ભેગા કરી આવવાનું મન બનાવ્યું.વહેલી સવારની પહેલી સૂર્ય કિરણે જ્યાંરે મારા ઘરને આશિર્વાદ આપ્યા,ત્યાંરે હું મારા ત્રણેય ભૂલકાંને હેતથી ભેટ્યો અને ‘હું આ ગયો અને આ આવ્યો’ એમ કહી ઊમંગ ભરી ઉડાન લીધી અને શહેર તરફ નિકળ્યો. “આંખમાં આશા અને પાંખમાં ઉત્સાહ” ભરી મેં તાપીમાતાને કાંઠે -કાંઠે થઈ ખુલ્લી વાટ પકડી.
મેં જોયું કે આજે કંઇક અલગ જ માહોલ હતો.અજવાળું હજી માંડ થયું હતું અને શહેરમાં જ્યાં જુઓ ત્યાં લોકો અગાશી પર દેખાવા લાગ્યાં ! હું વિસ્મયમાં પડ્યો,કારણ રોજ તો આ સૂની અગાશીઓ ઉપર તો અમારુ એટલે કે પંખીઓનું જ રાજ હોય !હું શહેરમાં ગોપીપુરા પાસે હજી પહોંચું ત્યાં તો આખાય પરિવાર સહિત લોકો અગાશીમાં ખાવાનો સામાન અને વાજીંત્રો લઈ કબજો કરી બેઠા.તેમનાં શોર-બકોર અને ગીત-સંગીતના ઘોંઘાટથી તો અમારા પક્ષીજગતમાં જાણે કોલાહલ મચી ગયો ! અચાનક જ જાણે રણનાદો કરતું કોઇક સૈન્ય અમારી ભૂમિ પર ઘસી આવ્યું હોય તેવો ભાસ થવા માંડ્યો.
અને તેવામાં અચાનક જ ધ્રાસકો પડે તેવા હથિયારો વડે આ સૈન્યએ અમારી ઉપર હુમલો બોલાવ્યો.ધારધાર એવા કાંચ જડેલા દોરા તલવારની જેમ અહીં-તહીં વીંઝવા માંડ્યા.પાંખ વગરના રંગબેરંગી પતંગોથી આકાશ છાવાઈ ગયું .મારા અનેક મિત્રો આ દોરાની અડફેટે આવવા લાગ્યાં.ચારે તરફ અવાજ ભયાનાક દૃશ્ય.દોરાની ધાર એટલી તેજ હતી કે મારી સાથેના એક મિત્રપંખીની તો આંખી પાંખ જ ધડથી જુદી થઈ ગઈ.એક ઝાટકામાં !તેનું લોહી-લુહાણ શરીર નીચે જમીન તરફ ફંગોળાયું અને જમીન પર પટકાતાની સાથે જ નિષ્પ્રાણ થઈ પડ્યું !
હું અને મારી સાથેના બધા જ પારેવાઓ ભયથી ધ્રુજી ઊઠ્યાં.ડરના માર્યા વેર-વિખેર થઈ ઉડ્યાં..પણ જ્યાં જુઓ ત્યાં આજ કાતિલ દોરા ! અહીં કત્લેઆમ શરૂ થયો અને તેવામાં અગાશી પરથી લોકો ચીચીયારીઓ કરતા અવાજો કરવા લાગ્યાં.જાણે કોઇ તિરંદાજે આબાદ નિશાન પાડ્યું હોય તેમ પંખી કપાવા લાગ્યાં અને ‘કાપ્યો છે !’ એવા નાદો ઉઠવા માંડ્યા.
મેં મારી બધી હિંમત ભેગી કરી મનમાં મારા માળાનું દૃશ્ય સ્મરણ કર્યું,અને પ્રભુનું નામ લઈ પરત જવા ઉડ્યો.અસંખ્ય કાતિલ દોરાઓથી બચતો બચાવતો હું ફરી તાપીમાતાને કિનારે પહોચ્યોં,અને થોડો રાહતનો શ્વાશ લીધો,ત્યાં તો નીચે જોઇ હું હેબતાઇ જ ગયો ! નદીના કાંઠે અસંખ્ય બગલાઓના શ્વેત શરીર લોહીથી લાલચોળ થઈ પડ્યા હતા અને તાપીમાતાના પાણીમાં મારા ભાઈ-બહેનોની હત્યાનો લાલ લીસોટો જાણે ચાલી નિકળ્યો.હું કંપી ઉઠ્યો બસ ! હવે તો બાકીનું અંતર હેમખેમ કાપી માળા સુધી પહોંચી જાવ એજ જીવન લક્ષ્ય બની ગયું ! અને સાવચેતીથી ઉડતા ઉડતા મારી નજર નહેરૂચાચાના નામથી જાણીતા ઉદ્યાનના હરિયાળા પટ્ટા ઉપર પડી એટલે મારી પાંખોમાં બમણું જોર આવ્યું.
મેં સાવચેતીથી મારા માળા તરફ વળાંક લીધો અને પેલા ગુલમહોર અને નીલગીરીના વૃક્ષોની વચ્ચે થઈ મારા માળા તરફ વધ્યો,ત્યાંજ મારા પગમાં કઈક ભેરવાયું અને મને જબરજસ્ત આંચકો લાગ્યોં.જોયું તો સોનેરી રંગનો ચમકતો દોરો.ગભરાઈને વધૂ જોરથી પાંખો વીંઝીં કે દોરાને તોડીને ઉડી જાઉં,ત્યાં તો દોરો મારા પગને જકડી વળ્યો.મારૂ આખું શરીર ઊંધૂ થઈ દોરા વડે નીલગીરીના વૃક્ષની એક ટોચની ડાળ સાથે જઈને પછડાયું.
દોરો કાઢવાની કોશીષમાં દોરો પાંખમાં ભેરવાયો .મારૂ બધૂ જ જોર લગાવી મેં દોરો ખેંચ્યો ત્યાં દોરો જાણે લાંબો થતો હોય તેમ વધ્યો અને ફરી મારી પાંખને વૃક્ષ તરફ ખેંચી ગયો,અને ‘ખચ્ચ્’ કરી મારા ખભામાં ચીરો કરી ઊંડે ઉતરી ગયો.મારા જ લોહીની પિચકારીથી મારું શરીર તર થઈ ગયું.મારૂં જોર ખૂટ્યું અને સામેની જ અભરાઈએ આવેલા મારા માળાથી માત્ર થોડી જ દૂર નીલગીરીના વૃક્ષની ટોચ પર હું ઊંધે માથે લોહી નિકળતી હાલતમાં નિસહાય થઈ લટકી પડ્યોં.મારી આંખોમાંથી તેજ ઓછું થવા લાગ્યું અને હું બેહોશ થઈ ગયો.
આંખ ખુલી ત્યાંરે હું હોસ્પિટલમાં હતો.મારી પાંખો આખા શરીર ફરતે વિટાળેલા સફેદ પાટામાં દબાયેલી હતી અને ખભા પરથી લોહી નિકળીને ગંઠાઈ ગયું હતું.દર્દ તો અસહ્ય એટલું કે જાણે હું બેહોશ થઈ જઈશ એમ લાગ્યું.હું રડી ઉઠ્યો.મારા પરિવારજનો યાદ આવ્યા, પણ અફસોસ હું ઉડવાને અસમર્થ હતો.
ત્યાંજ બે માણસો મારી નજીક આવ્યા.મેં એમને કહેતા સાંભળ્યા કે …આ પારેવું ચોપાટીના પેલા નીલગીરીના ઊંચા વૃક્ષ પર ‘નાયલોન’ દોરામાં લટકી પડ્યું હતું.રોજ સવારે મોર્નિંગવૉક કરવા આવતા પેલા દાદાજીઓને નજરે ચડ્યું અને તેમણે ‘પ્રયાસ’ સંસ્થાની હેલ્પલાઈન પર ફોન કર્યો. ‘પ્રયાસ’ના સ્વયંસેવકો ફાયરબ્રિગેડના જવાનો સાથે ઊંચી સીડી લઈને ઘસી ગયા અને મહામહેનતે આને બચાવ્યું છે. પણ તેની જમણી પાંખના ખભાનું હાડકું કપાઈ ગયું છે. ઘા રૂઝાતા બે મહિના તો થઈ જશે પણ હવે આ ક્યાંરેય ઉડી નહીં શકે.
મારૂં જીવન જાણે નર્ક થઈ ગયું.મારા વગર વિલખતા મારા પરિવારજનો ,મારા નાના ભૂલકા અને મારી જીવનસંગિની બધા જ મને ખૂબ યાદ આવે છે.હું કેવી રીતે આ માણસોને સમજું ? એક કાપે અને બીજો બચાવે ? અને હું કેવી રીતે આ માણસોને સમજાવવું ? કે પંખીની તો પાંખ જ તેનું જીવન.
હું સુનમુન ઉદાસ હોસ્પિટલની ઓરડીમાં રહેવા માંડ્યો.મને જરૂરી સારવાર તથા ખવાપીવા મળવા માંડ્યું એટલે પાંખનો ઘા તો રૂઝાઈ ગયો,પણ મારી ઉડાન છીનવાય જવાથી હ્રદય પરનો ઘા કેવી રીતે ભરાય ! અને વળી મારા પરિવારજનોથી વિખૂટા પડવાનો આઘાત , છે કોઈ દવા ?
‘પ્રયાસ’ના સ્વયંસેવકોને ફરીથી આ પંખીઓના કતલના દિવસ ‘ઉત્તરાયણ’ માં હજારો પંખીઓને બચાવવાની તડામાર તૈયારીઓ જોઈ મનમાંથી એક જ આજીજી ઊઠે છે…
જો ફરી ચોપાટી માંથી કૉલ આવે તો જરા પેલા નીલગીરીની વૃક્ષની સામેના મકાનની અભરાઈ પર નજર કરશો ? મારી જીવનસંગિની અને મારા નાનાં ભૂલકાં..!
««««««««««««««««««««««««««««««««««««««««««««»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»»
આ પ્રતિજ્ઞા અવશ્ય કરો :
· પતંગ ચગાવી કોઇ નિર્દોષ વ્યક્તિ કે પંખીના મોતનું કારણ નહીં બનીશ.
· કાચવાળો દોરો નહીં વાપરીશ.
· ચાયનીઝ (નાયલોન) દોરો નહીં વાપરીશ.
· ઉત્તરાયણ પછી ઘરની અગાશી તેમજ આસપાસના વૃક્ષો પરથી પતંગના દોરા ખેંચી લઈ સફાઈ કરીશ.
ઉત્તરાયણમાં દોરાથી ઘાયલ અથવા લટકતું પક્ષી દેખાય તો સંપર્ક કરો :
હેલ્પલાઈન નંબર :- ૯૮૨૫૧ ૧૯૦૮૧
(પ્રયાસ) વેબસાઈટ :- www.prayas-india.org