Tuesday, September 16, 2014

કર્તવ્યનિષ્ઠ કલાકાર

૧૬.૦૯.૨૦૧૪

આજે જગત ના બ્લોગ "વિચાર જગત માંથી......


કર્તવ્યનિષ્ઠ કલાકાર

  
‘આનંદ’ પિક્ચર ના પેલા ડાયલોગના અંશો યાદ છે ને “”बाबूमोसाई! ज़िंदगी और मौत ऊपर वाले के हाथ है” અને “हम सब तो रंगमंच की कठपुतलियाँ है” આમ તો જીવન ની રંગભૂમિ પર રોજ આપણે નિતનવા નાટકો ભજવતા હોઈએ છીએ.
પણ આજે તા. 15-સપ્ટેમ્બર-2014ના રોજ વડોદરાના ગાંધીનગર ગૃહ રંગમંચ ખાતે એક સુંદર નાટક જોવાનો લહાવો મળ્યો.નાટક નું નામ ‘થોડું લોજીક,થોડું મેજિક’. (સ્નેહા(બેન) દેસાઈની કલમે લખાયેલ વધુ એક માણવાલાયક નાટક). આ નાટકની ટિકિટ બેક સ્ટેજ પર થી એક અંગત પાસેથી કલેક્ટ કરવાની હતી એટલે સમય કરતા સહેજ વહેલા પહોચી ગયા.લગભગ અડધા કલાક સુધી સ્ટેજ સેટીંગની ઝીણવટભરી કામગીરી જોવાનો મોકો પણ મળ્યો.
DSC_0141
નાટક કલાકારો મેકઅપ અને અન્ય તૈયારીઓને અંતિમ ઓપ આપી રહ્યા હતા.ત્યા જ નાટક ના મુખ્ય કલાકાર શ્રી ટીકૂ ભાઈ તલસાણીયા પસાર થયા અને તેમણે ખૂબ જ ટૂંકુ છતાં ખૂબ જ સહજતાથી અમારા પાંચ જણનું અભિવાદન કર્યું.200 થી પણ વધૂ ફિલ્મો અને સીરીયલો માં કામ કરી ચૂકેલા ટીકૂ ભાઈ એ પરિચય ના મોહતાજ નથી જ અને રંગભૂમિ ક્ષેત્રે જેને નિર્વિવાદ અગ્રીમ હરોળ માં સ્થાન આપી શકાય એવા ગૌરવવંતા ગુજરાતી છે.
With Mr.Tiku Talsania
રાષ્ટ્રગાન પૂરું થયું અને નાટકની શરૂઆત થઇ.આખેઆખું નાટક એટલે ગઈકાલની અને આજની generation વચ્ચે ચાલતા સંવાદો નું ભાવવાહી નિરૂપણ.બધા જ કલાકારો ની ઉતમ અદાકારી નજરે ચઢતી હતી.આખાય નાટકમાં ટીકૂ ભાઈ એ હાસ્ય,વ્યંગ,વ્યથા,આક્રોશ,અનુકંપા,પ્રેમ ને ખૂબ જ સહજતા થી વ્યક્ત કર્યા.
આ નાટક પૂર્ણ થયા પછી ઉદ્ઘોષક એક વાત કરે છે – “ટીકૂ ભાઈ ના બહેનનું આજે દુખદ અવસાન થયું છે – આ છતાં તેઓ શ્રી મુબઈ થી આપણી વચ્ચે આવ્યા છે એ બદલ આભાર”
નાટક પૂર્ણ થયા બાદ હું મારી જાત ને રોકી ન શક્યો અને ટીકૂ ભાઈ ને મળવા દોડી ગયો. સાહેબ ! ખૂબ જ સહજતાથી આખેઆખું નાટક ભજવી ગયેલો માણસ બધ ઓરડામાં ડૂસકા ભરતો હતો !
” જગત ના માનવીની એ જ સિદ્ધિ દાદ માંગે છે,
ભીતરમાં વેદનાઓ હોય ચેહરે સ્વસ્થતા લાગે છે…”
ટીકૂભાઈ,
મને ‘આભાર’ શબ્દ ઘણો વામણો લાગે છે. આપની કર્તવ્યનિષ્ઠાને શત શત સલામ. જ્યાં સુધી મારી ગુજરાતી રંગભૂમિ પાસે આપના જેવા કર્તવ્યપરાયણ કલાકારો છે ત્યાં સુધી હું માનું છું કે ગુજરાતી ભાષા ને અને તેની અભિવ્યક્તિને કોઈ જ ખતરો નથી.
પરમતત્વને પ્રાર્થના સહ…
જગત નિરુપમ
(તા. 16-09-2014 । સમય : 02-40 AM)
(વિચાર જગત માંથી સભર.....)