૨૪.૦૨.૨૦૧૧
આજે માણીએ ગિરનાર ઉપર શ્રી નીતિનભાઈ વડગામા નું સુંદર કાવ્ય.........
ગિરનારમાં - નીતિન વડગામા
સાંજ થાતાં ઝાલરોનો નાદ ઝીણો ઝણઝણે,
ભાવભીનો શંખ પણ ફૂંકાય છે ગિરનારમાં.
ત્રાડ સાવજની વછૂટે છે અચાનક આભમાં,કૈંક ટહુકા એમ થીજી જાય છે ગિરનારમાં. ધૂપ-દીવા સાથ મીઠી મ્હેક છે લોબાનની, ભેદ ચપટીમાં બધા ભૂંસાય છે ગિરનારમાં.
પથ્થરોમાંથી કથાઓ સામટી સામી મળે,
સંત, શૂરા ને સતીનાં થાનકો ટોળે વળે,આપણો ઈતિહાસ ઊભો થાય છે ગિરનારમાં. જીવતો ભૂતકાળ એ સચવાય છે ગિરનારમાં. શ્વાસ આપોઆપ સઘળા થાય છે કેવા સભર! વેદની ઋચા બધી વંચાય છે ગિરનારમાં.
જીવ શું છે? શું જગત છે? એ બધાયે પ્રશ્નનો-
અર્થ સાચો આખરે સમજાય છે ગિરનારમાં |