Wednesday, February 20, 2013

બાળક નો વિશ્વાસ



૨૦.૦૨.૨૦૧૩....આજે બાળક નો વિશ્વાસ .......

ગામમાં દુકાળ પડયો. બીજા વર્ષે ય વરસાદ વરસવાનાં કોઈ એંધાણ ન વર્તાયાં એટલે ગામલોકો ગભરાયા. ગઈ સાલ તો જેમ તેમ ચલાવ્યું પણ ઓણ સાલે ય મેઘરાજા નહીં રિઝે તો છોકરાવને શું ખવરાવશું?

મંદિરના મહારાજે મેઘરાજાને રિઝવવા માટે ખાસ પ્રાર્થનાસભાની ઘોષણા કરી. ગામમાં દાંડી પીટાઈ કે કાલ સવારે ગામના નાના-મોટા સૌએ મંદિરમાં આવવું. વરસાદના દેવને પ્રસન્ન કરવા. સામૂહિક પ્રાર્થનામાં તમામ ગ્રામજનોએ જોડાવાનું છે.

બીજે દિવસે સવારે નહાઈ-ધોઈને સૌ કોઈ મંદિરે જવા નીકળી પડયા. આ બધા વચ્ચે એક નાનકડો છોકરો ય ચાલતો હતો... તેણે હાથમાં નાનકડી છત્રી રાખી હતી. ગામના કોઈકે ટીખળ કરી કે અલ્યા બબલુ, આ કોરાધાકોર આકાશમાં એકેય વાદળ નથી ને તું છત્રી લઈને કેમ ચાલ્યો આવ્યો છે?”

નાનકડા બબલુએ પેલા ટીખળ કરનાર સામે જોયું, એ કુમળી વયના નાનકાને તો પેલાએ કરેલા કટાક્ષનો જરાયે ખ્યાલ ન આવ્યો,એણે નિર્દોષ ભાવે જવાબ આપ્યો. કાકા, આપણે બધા મંદિરમાં મેઘરાજાને રિઝવવાની પ્રાર્થના માટે તો જઈએ છીએ, પ્રાર્થના પછી ભગવાન ખુશ થશે એટલે વરસાદ પડશે તે વખતે ઘરે પાછા આવતી વેળા પલળી ન જવાય એટલા માટે મેં છત્રી લીધી છે!

જિસસે પણ બાઇબલમાં કહ્યું છે, “જો તમને ભગવાનમાં પાક્કો વિશ્વાસ હશે તો પ્રાર્થનામાં તમે જે કાંઈ માગશો તે તમને મળશે જ.

તમારી પ્રાર્થના ફળે એવી પ્રાર્થના સાથે.. અસ્તુ.


No comments: