Monday, June 16, 2014

જુઠ્ઠાણા નું માર્કેટીગ

૧૬.૦૬.૨૦૧૪...
આજે  જુઠ્ઠાણા નું માર્કેટીગ 


ભારતની તમામ અદાલતો પર 'સત્યમેવ જયતે'નું સૂત્ર લગાડેલું હોય છે. સત્યનો હંમેશાં વિજય થાય છે. સત્ય એલાર્મ નથી કે આપણે તેને સમય પ્રમાણે સેટ કરી શકીએ. સત્યનું એલાર્મ તો પળેપળ વાગતું જ હોય છે. જેમ હવા બધે છે, આપણા શ્વાસમાં પણ અવર-જવર કરે છે, તેમ સત્ય પણ બધે હોય છે. માત્ર આપણે તેને તારવવાની ક્ષમતા કેળવવાની હોય છે. સત્ય કેવું હોય અને કયું હોય એ જાણવું ખૂબ જ મુશ્કેલ છે. કદાચ અશક્ય જેવું! કેમ કે એક માણસ માટે જે સત્ય છે, એ બીજા માટે સત્ય ન હોઈ શકે. વ્યક્તિ પ્રમાણે સત્ય અલગ અલગ હોય છે. દરેક વ્યક્તિએ પોતાનું સત્ય પોતાની રીતે જ શોધવાનું છે. ભગવાન બુદ્ધે કહ્યું છે ને કે, 'અપ્પ દીપો ભવઃ'એમ આપણે જ આપણો દીવો થવાનું છે. એક જ ઘરમાં રહેતી બે વ્યક્તિનાં સત્ય પણ અલગ અલગ હોય છે. પિતાનું જે સત્ય હોય તે દીકરાનું ન હોઈ શકે. માતાના મતે જે સત્ય સત્ય હોય તે દીકરીના મતે ન પણ હોઈ શકે.
સત્યને ચાળણીમાં ચાળી શકાતું હોત તો અત્યારે આપણા દેશમાં કોર્ટમાં જેટલા કેસ પેન્ડિંગ પડયા છે, તે ન પડયા હોત. જેમ ઘઉંને ચાળીને કાંકરા, ફોતરાં, કસ્તર અને ઘઉં અલગ કરવામાં આવે છે, તેવું જિંદગીમાં નથી થઈ શકતું. જિંદગીમાં સત્ય, અસત્ય, કટુસત્ય, મિથ્યાસત્ય જેવાં કેટલાંય પરિમાણો એક સાથે ચાલતાં હોય છે. સત્યને ચાંચ નથી હોતી કે જેમાં તે તરણાં લઈને માળો બાંધી શકે. અસત્ય ઉતાવળિયું છે. તે વાયુવેગે બધે પ્રસરી વળે છે. અફવા પોતાની પાંખો ફેલાવી ઝડપથી બધે પહોંચી જાય છે, એટલે ઝડપથી તે હાંફી પણ જાય છે. સત્યને ઝડપી ચાલવાની ટેવ નથી. એટલા માટે જ તે લાંબી સફર કાપે છે. સત્ય હજી તો પોતાનાં પગરખાં પહેરે ત્યાં સુધીમાં તો જુઠ્ઠાણું આખી દુનિયામાં ફરી વળે છે. હિટલરનો સેનાપતિ ગોબેલ્સ કહ્યા કરતો કે, 'એક જુઠ્ઠાણું સો વાર બોલાય તો એ સત્ય થઈ જાય છે.'સત્ય કે અસત્ય શબ્દોમાં નથી હોતું. તે તો વ્યવહારમાં હોય છે, દગામાં હોય છે, પ્રામાણિકતામાં હોય છે. વ્યક્તિનાં વાણી અને વર્તનમાં હોય છે. બાકી ચૂપ રહીને પણ જુઠ્ઠું બોલી શકાય છે.
કોઈ શાયરનો એક અદ્ભુત શેર છેઃ
દો પહર તક બીક ગયા બાજાર કા હર એક જૂઠ,
ઔર મૈં એક સચ લેકર શામ તક બૈઠા રહા.
જૂઠનો ચહેરો રૃપાળો હોય છે. સત્યનો એની કરતાં પણ વધારે રૃપાળો હોય છે, પરંતુ તેનું રૃપ આપણને જલદી પરખાતું નથી. એટલે આપણે જૂઠ સાથે જલદી ભળી જઈએ છીએ. જુઠ્ઠાણું માર્કેટમાં આવતી તમતમતી તીખી વેફરના સ્વાદ જેવું હોય છે, તે આપણને જલદી ગમે છે, તરત ભાવે છે. પણ પછી તે આપણું પેટ બગાડે છે. અપચો કરાવે છે. સત્ય આપણને પહેલી દૃષ્ટિએ થોડું વરવું લાગે છે. પણ તે લાંબે ગાળે આપણા મનને વધારે મજબૂત અને સ્વસ્થ રાખે છે. સત્ય હોય એટલે તે સારું હોય જ એવું પણ નથી. આપણે આપણા સત્યને પ્રિય રીતે રજૂ કરવું પડે છે. સંસ્કૃતના એક શ્લોકમાં કહ્યું છે ઃ 'સત્ય બ્રુયાત, પ્રિયં બ્રુયાત'. પ્રિય સત્ય બોલો. પ્રિય હોય તેવું સત્ય બોલો. પણ એ પ્રિય સત્ય પણ પાછું હિતકારી હોવું જોઈએ. અને અહિતકારી હોય તોય તેને એટલી નમ્રતાથી રજૂ કરવું જોઈએ કે સામેવાળી વ્યક્તિને તે સત્યનો ભાર ન લાગે. તમે કાપો તોય લોહી ન નીકળે તેવું સત્ય બોલો તો તમારી શી વલે થાય તે તમે સમજી શકો છો.
આમ પણ આપણને હકીકતો કરતાં કલ્પના અને અફવાઓની વાતમાં વધારે વિશ્વાસ બેસતો હોય છે. અસત્યને હંમેશાં ઊહાપોહ મચાવવાની ટેવ હોય છે. સત્ય શાંત પગલે આવે છે. પણ એની શાંતિમાં દૃઢતા હોય છે. એક વાર બાદશાહે બીરબલને પૂછયું કે સત્ય અને અસત્યમાં કેટલું અંતર છે. તો બીરબલે જવાબ આપ્યો ઃ હુજૂર, ચાર ઇંચ જેટલું. બાદશાહને સમજાયું નહીં એટલે ફરી પૂછયું. બીરબલે કહ્યું ઃ 'જેટલો આંખ અને કાનમાં હોય છે. જે વાત આપણી આંખ દ્વારા જોવામાં આવે તે સત્ય છે. પણ કાનથી સાંભળેલી વાત અસત્ય હોઈ શકે છે. માટે સત્ય અને અસત્ય વચ્ચે ચાર ઇંચ જેટલું અંતર છે.' જોકે અત્યારે ક્યારેક આંખે જોયેલી વાત પણ અસત્ય હોઈ શકે છે. સત્ય કે અસત્યને વ્યાખ્યાયિત કરવાં ખૂબ જ મુશ્કેલ છે.
('સંદેશ', સંસ્કાર પૂર્તિ, તા. 18 મે, 2014. રવિવાર. 'મનની મોસમ' કોલમ)

No comments: