Sunday, August 10, 2014

રક્ષા બંધન.....

૧૦.૦૮.૨૦૧૪......આજે રક્ષા બંધન નો પવિત્ર તહેવાર.....

સર્વ ને રક્ષા બંધ ની શુભકામનાઓ.......




હોરાઈઝન - ભવેન કચ્છી
બેલ્ટ કરતાં મજબૂત કાચા તાંતણાનો ધાગો
- ભગવાન શ્રીકૃષ્ણ હોય કે ''એલેકઝાંડર ધ ગ્રેટ'' સંકટ સમયે બહેનની રાખડીએ જ ઉગાર્યા
- કાંડા પર નાડાછડી કે રક્ષા પોટલી બાંધવાની સંસ્કૃતિના મૂળમાં શુભ સંકલ્પની તાકાતનો મહીમા છે
- હવે પુરુષે એક કરતા વધુ ભૂમિકા ભજવવાની છે પ્રેમિકા, પત્ની પણ કહી શકે ''તુમ્હી હો બંધુ, સખા તુમ્હી હો''
- રક્ષા બંધનની રાખડીની ગાંઠ બાંધવા સાથે મનની ગાંઠો ઉકેલાઇ જાય તે જ તહેવારનું સામર્થ્ય હોઇ શકે.


''કેટલીક  વખત એવું લાગે કે સુપર હીરો બનવા કરતા ભાઇ બનવાનું ગૌરવ વધારે હોઇ શકે.''
''
મેં મારા આત્માને જોવાનો પ્રયત્ન કર્યો પણ તેને જોવામાં હું સફળ ના નીવડી. મેં ભગવાનનાં સાક્ષાત દર્શન કરવાનો પણ પ્રયાસ કર્યો, તેમાં પણ કામયાબ ના થઇ. મેં મારા ભાઇને યાદ કર્યો.. અને તે નજર સામે જ હાજર હતો.''
''
જો કોઇ સારા અને રોમાચિંત સમાચારને સૌથી પહેલા કહેવા માટે તમારે બહેન ના હોય તો તમારા તે સમાચાર ક્યારેય સારા હોવાનો તમને સાચો અનુભવ જ ના થઇ શકે.''
''
તમે ગમે તેટલા મોટા માણસ બનો પણ માતા અને બહેન સામે તમે બાળક બનીને જ નજર મિલાવજો.''
''
ઈટ ટેક્સ ટુ મેન ટુ મેક વન બ્રધર.''
''
બહેનનું વર્તન ઘણી વખત તમને ગુસ્સો જન્માવે, તે તમારા અંગત જીવનમાં ચંચૂપાત કરે તેવું પણ લાગે, તે રીસાઇ જાય, કંઇક બોલી પણ નાંખે, કોઇ વખત આર્થિક મદદ પણ માંગે, તેની અંગત દુનિયાની ફરિયાદ લઇને પણ આવે, આંસુ પાડે, તમારી જગાએ બાથરૃમમાં પહેલા નહાવા ચાલી જાય તેવી તમામ પ્રાથમિકતા મેળવી લે. પણ જો તમારા પર કોઇ આફત સવાર થશે ત્યારે તમારી બાજુમાં ઘણી વખત ભાઇ નહીં પણ બહેન ઊભી હશે.'' (પામ બ્રાઉન)
''
કોઇને કંઇક કહી શકાય, કોઇની સામે બાળક બનીને હળવા થઇ શકાય, કોઇક તો છે એવો આત્મવિશ્વાસ કેળવી શકાય. આપણે બે જ સમજીએ તેવો દિલાસો આપી શકાય... આવું ભાઇ-બહેનના સબંધમાં જ શક્ય બને.''
ગયા રવિવારે ''ફ્રેન્ડશીપ ડે'' નિમિત્તે લગાવેલા બેલ્ટ હજુ કાંડા પર જ છે ત્યારે આજે ભાઇઓના કાંડા પર બહેન એક પાતળી દોરી સાથેની રાખડી  પ્રમાણમાં તગડા લાગતા એક કરતા વધુ બેલ્ટ વચ્ચે તેની જગા બનાવી લેશે.
'
વિષ્ણુ પૂરાણ'માં રાખડી બાંધવાના મહીમાનો ઉલ્લેખ છે તે જોતા આપણા પૂર્વજોને સલામ લગાવવાનું મન થઇ જાય. કેમ કે ફ્રેન્ડશીપ બેલ્ટ કે અન્ય એસેસરીઝની જે ફેશન છે તે પ્રથા તો આપણે ત્યાં હજારો વર્ષ પૂર્વેથી પ્રચલિત હતી.
હા, આપણે ફ્રેન્ડશીપ કે અન્ય ડે જરૃર ઉજવીએ. પણ, એક પ્રશ્ન હંમેશા થવો જોઇએ કે પશ્ચિમના દેશોની નવી પેઢીને આપણે કેમ રક્ષા બંધન જેવો તહેવાર ઉજવવા પ્રેરિત કરવામાં સફળ નથી થઇ શકતા?
ઉદાહરણ તરીકે ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર ફ્રેન્ડશીપ ડે અને બીજા રવિવારે વિદેશીઓ પણ આપણી જેમ તેમના ભાઇને ઘેર જઇને દોરી કે બેલ્ટ બાંધે અને સાથે ભોજન લે. ના તેઓ એવું નહીં જ કરે. એમ તો આપણે પિત્ઝાની લૂત્ફ ઉઠાવીએ છીએ તેમ તેઓને આપણે બાજરાના રોટલા ખાતા કરી શકીએ ખરા? ''વિશ્વ આખુ કુટુંબ છે'' તેવી ભાવના કેળવવાના આપણે જ પ્રણેતા છીએ ને?
એની વે... આપણે રક્ષા બંધનની વાત કરીએ. એવું કહેવાય છે કે સરી નામના ભારે તાકતવર રાક્ષસી રાજા સામે યુધ્ધ કરવા દરમ્યાન ભગવાન શ્રીકૃષ્ણની આંગળીઓ અને કાંડા પર લોહી વહી જતું હતું. યુધ્ધ વિરામ વખતે કોઇ જ પહેચાન નહીં હોવા છતાં દ્રૌપદીએ તેના પર તેની સાડીને ચીરીને ફરતો પાટો બાંધ્યો હતો અને 'ખમ્મા મારા વીરા' જેવા આશિર્વાદ આપ્યા હતા. વર્ષો પછી જ્યારે ભરદરબારમાં કૌરવો દ્રૌપદીના ચિર ખેંચતા હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેનું ઋણ ચૂકવતા ચિર તો પૂર્યા જ પણ અધર્મી એવા કૌરવોને પરાસ્ત કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણ - દ્રૌપદી એકબીજાને ભાઇ-બહેન માનતા હતા. પૂરાણના ઉલ્લેખ પરથી એવું પણ ફલીત થાય છે કે રક્ષા બંધન માત્ર ભાઇ-બહેન પૂરતું જ સીમીત નહોતું.
માતા યશોદાએ બાળશ્રીકૃષ્ણની તમામ ભગવાનો કઇ કઇ રીતે રક્ષા કરે તેનું એક બાળભજન બનાવ્યું હતું. શ્રીકૃષ્ણના કાંડા પર દોરી બાંધીને તે સંકલ્પ કરતા હતા. બાલી નામનો અસૂર રાજા ભગવાન વિષ્ણુનો કટ્ટો દુશ્મન હતો. વિષ્ણુના પત્ની લક્ષ્મીએ બાલીનું હૃદય પરિવર્તન કરતા તેને રાખડી બાંધી હતી. ત્યાર પછી બાલીએ ભગવાન વિષ્ણુની સામે ક્યારેય બાથ ભીડવાનો મનસુબો નહોતો કેળવ્યો.
એમ તો ઈતિહાસમાં એવો પણ ઉલ્લેખ છે કે 'એલેકઝાંડર ધ ગ્રેટ' ભારતમાં ઈ.સ. પૂર્વે ૩૨૬માં આક્રમણ કર્યું ત્યારે તેની પત્ની રોકસાના રક્ષા બંધનના તહેવારથી પ્રભાવીત થયા હતા. આ વખતે રાજા પોરસના બાહુબળની પણ એટલી જ ધાક હતી. રોકસાનાએ પોરસને રાખડી મોકલીને સંદેશો પાઠવ્યો હતો કે તેના પતિ પર હૂમલો ના કરે. મારા સુહાગની રક્ષા કરજે. યુધ્ધભૂમિ પર પોરસ એલેકઝાંડર પર આખરી મરણતોલ ફટકો મારવા જતો હોય છે ત્યાં જ તેની નજર જે હાથમાં તલવાર પકડી હોય છે તેના કાંડા પરની રાખડી પર જાય છે અને તે એલેકઝાંડરને મોતને ઘાટ નથી ઉતારતો.
આપણે ત્યાં કથા, હવન અને શુભ પ્રસંગોએ યજમાનના તમામ કુટુંબીઓને વિધિ કરાવનાર પંડીતો પ્રગતિ અને રક્ષાના સંકલ્પ સાથેના ખાસ મંત્રોચ્ચાર સાથે કાંડા પર નાડાછડી બાંધવાની પરંપરા છે જ ને. તેવી જ રીતે મહારાજ સાહેબો જૈનધર્મી શ્રધ્ધાળુઓને કાંડા પર રક્ષા પોટલી પહેરાવે છે.
હવન વગેરેની વિધિમાં બેસનાર યજમાનને ખાસ ઘાસની દોરી (ગર્દ) કાંડા પર પહેરાવાય છે. અમે કિશોરવયના હતા ત્યારે અમારા વડીલો ઘરના કબાટ કે રાચરચીલા કે પછી રક્ષણ કરી શકે તેવી જગાઓ કે વસ્તુ પર ઈશ્વરનું સ્મરણ કરીને રાખડી બાંધતા. કુટુંબના ગોર કે પંડીત ઘેર શાસ્ત્રીય મંત્રોચ્ચાર સાથે વારાફરતી ઘરના તમામ સભ્યોને પાતળી રેશમની દોરી રક્ષા બંધનના પર્વે બાંધી જતા અને તેઓને દક્ષિણા અપાતી. જનોઇ બદલવાનો મહિમા પણ આ જ દિવસે હોય છે.
રક્ષા બંધનમાં ''રક્ષા'' શબ્દ જ કેન્દ્રસ્થાને છે. ભારતમાં સદીઓથી નારી શોષણનો ભોગ બનતી આવી છે. પિતા વૃધ્ધ કે અશક્તિમાન હોય, વખત જતા હયાત પણ ના હોય, પતિ કે સાસરિયામાં જોડે રહીને બહેનને એવી લાગણી હોવી જરૃરી છે કે તેનું પોતીકુ લોહીની સગાઇ ધરાવનાર પણ પડખે છે તે માટે ભાઇને સતત તેના જીવનપથમાં રાખવો તે પૂર્વજોને જરૃરી લાગ્યું, તો બીજી તરફ બહેનના આશીર્વાદ અને સંકલ્પ એક જનની તેમજ માતાજીના સ્વરૃપો કરતા સ્હેજ પણ કમ નથી હોતા તે રીતે પણ ભાઇ માટે રક્ષા કવચની ગરજ સારે છે. અરસપરસનું પવિત્ર પ્રેમબંધન ભાઇ-બહેનને આજીવન જોડી રાખે છે. ભાઇ-બહેને એકબીજાને અસાધ્ય રોગ વખતે અંગોના દાન કર્યા હોવાના ઉદાહરણો છે જ ને? અંગત જીવનમાં ઝંઝાવાતની વેળાએ ભાઇએ બહેનને કે બહેને ભાઇને ઉગારી લીધા હોય તેવા હજારો કિસ્સાઓ છે. બહેન જે પણ કરે ત્યારે જીજાજી એટલે કે બનેવીને પણ સલામ કરવાનું ના ભૂલતા કેમ કે આખરે તો તેની સંમતિથી જ બહેન ભાઇની વહારે આવી શકતી હોય છે. તેવી જ રીતે ભાઇ કંઇક કરે ત્યારે બહેને તેના ભાઇની પત્નીને પણ બિરદાવવી જ રહી. ઘણી વખત તમારા ભાઇને સારૃ કરવા ભાભી પણ પ્રેરણા આપતા જ હોય છે. જે કુટુંબીઓને જશ નથી મળતો તેને એટલો સંકેત પણ આપણે આ તહેવારના દિવસોમાં પાઠવી શકીએ કે ''અમે તમારા સૌજન્યને પણ જાણીએ છીએ હોં'' તો સમાજ અને આવા તહેવારો દીપી ઊઠશે.
ભાઇને ઈમરજન્સીમાં જરૃર પડે ત્યારે બહેન અને જીજાજી માનસિક અને આર્થિક રીતે ગેરંટેડ સહાય માટે ઊભા રહ્યાના ઉદાહરણો છે. તો બહેનની મુસીબત પામી જઇને ભાઇ બનતી સહાય કરે છે. કોઇ બહેનને એવું જીવનમાં બને જ નહીં તેવી ઇશ્વરને પ્રાર્થના પણ, બહેનને એવું ગળા સુધીનું આશ્વાસન હોવું જોઇએ કે મારૃ આખરી આશ્રય સ્થાન મારા ભાઇનું ઘર છે.
પણ... જરા... થોભો... બદલાતા જમાના સાથે રક્ષા બંધન કે ભાઇ-બહેનના સંબંધો પર પણ કળીયુગની અસર આવી ગઇ હોય તેવું વાતાવરણ પણ જોવા મળે છે. બહેનને ભરપૂર પ્રેમ વરસાવતો ભાઇ પણ પારકો લાગે અને હૃદયની જગાએ ભરપૂર બુધ્ધિ અને ચાલાકીથી જ તેનું વર્તન થઇ જાય તેવું બને. તેવી જ રીતે ભાઇ તેનો નૈસર્ગિક પ્રેમ તો ગૂમાવે જ પણ બહેન પ્રત્યેનું કર્તવ્ય જ અદા કરવાનો વિવેક પણ ના બતાવે તેવું બનતું જ હોય છે. માત્ર વખતોવખત સાથે ભોજન કરવા કે પ્રસંગોપાત હંસી મજાક કરતા મળીને છૂટા પડવાથી પણ આગળ એક દુનિયા છે. કોઇ અપેક્ષા કે ફરજ ના પણ નીભાવવાની આવે તો પણ કોઇના કોઇપણ વાંક ગૂના વગર પૂર્વગ્રહ પીડીત અભાવ થઇ જવો તે પણ એક પ્રશ્ન છે. ભાઇ અને બહેને પ્રત્યેક રક્ષા બંધને તેઓ વચ્ચેના સબંધોમાં વર્ષોત્તર ઉષ્મા અને લાગણીમાં ઘટાડો થયો હોય તો તેના કારણો અંગે ચિંતન કરવું જોઇએ. જો બાહ્ય કારણો હોય તો કયા હોઇ શકે તેનું વિશ્લેષણ જરૃરી છે.
રક્ષા બંધનની રાખડીની ગાંઠ બાંધવા સાથે મનની ગાંઠો ઉકેલાઇ જાય તે જ તહેવારનું સામર્થ્ય હોઇ શકે.
રક્ષા બંધનને જુદા પરીપ્રેક્ષ્યમાં પણ જોવાનો સમય આવ્યો છે. પતિએ કે પ્રેમીએ પત્ની-પ્રેમિકાને તમામ સંજોગોમાં સુરક્ષા અને આત્મ સન્માન આપવાનું છે. તેઓએ એવી રીતે સહજીવન વીતાવવાનું છે કે પત્નીને તેના ભાઇની જરૃર પડે કે ખોટ સાલે તેવી વેળા જ ના આવે. પતિએ પત્નીના પિતા અને ભાઇની પણ ભૂમિકા ભજવવી પડે. મિત્ર તો ખરો જ. યંગ વર્લ્ડને આવી દુનિયા જ પસંદ છે. એક તરફ ''ભૈયા મેરે રાખી કે બંધન કો નીભાના'' ગીત ભલે વાગતું પણ પત્ની ''તુમ્હી હો બંધુ સખા તુમ્હી'' ગીત ગણગણતી હોય તો બાત બને.



No comments: