06.12.2010
કાનજી તારી મા કે’શે -નરસિંહ મહેતા
કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે !
એટલું કે’તા નહીં માનો તો ગોકુળ મે’લી દેશું રે. કાનજી તારી o
માખણ ખાતાં નો’તું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે !
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠું રે. કાનજી તારી o
ઝુલણી પે’રતાં નો’તું આવડતું અમે તે દિ’ પે’રાવતાં રે !
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે. કાનજી તારી o
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે !
કર્મ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે. કાનજી તારી o
ઘૂંટણીયાભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે !
ભલે મળ્યા મે’તા નરસૈંના સ્વામી પ્રેમભક્તિમાં રે’લું રે. કાનજી તારી o
નટખટ કનૈયાનાં નખરાંઓ વિશે તો આપણે જાણીએ જ છીએ… પરંતુ અહીં ગીતમાં એ નટખટ-નખરાળાની સામે જ ગોપ-ગોપીઓએ કરેલાં નખરાં ખૂબ જ મજાનાં લાગે છે. કૃષ્ણનું કાલુંઘેલું બોલવું જ તો એમને ઘેલું ઘેલું કરે છે પણ તોય ‘અમને કંઈ પડી નથી’ ના નખરાં કરે છે. વ્યક્તિનાં નામની પાછળ ‘જી’ લગાડતા જ એ વ્યક્તિ સાથેનાં સંબંધમાં એક આમન્યા અને મર્યાદા આવી જાય છે, જે અહીં ગોપ-ગોપીઓને બિલકુલ મંજૂર નથી. એમણે તો કૃષ્ણને ‘કાનુડો’ જ કહેવું છે, પછી ભલે ને એ નંદરાજાનો કુંવર કેમ ન હોય ! કારણ કે ‘કાનુડો’ શબ્દ સખત્વથી ભરપૂર છે અને આમન્યા એમને કૃષ્ણનાં સખત્વથી દૂર રાખે છે. આવી મર્યાદા રાખીને એમણે કૃષ્ણથી એટલા પણ દૂર નથી રહેવું. એમણે તો કૃષ્ણને પોતાનાં જેવા જ બનાવીને હારોહાર રાખવાં છે, અડોઅડ રાખવા છે. આપણે ય આવી જ રીતે ઘણીવાર આપણા પ્રિય મિત્રોને એમનું નામ ‘બગાડીને’ જ બોલાવતા હોઈએ છીએ ને… અને સાચું કહેજો, એવા ‘બગાડેલાં નામ’થી બોલાવવાની મજા પણ સાવ અનેરી હોય છે કે નઈં…?! (તમે જો કદી એમ કર્યું ના હોય મિત્રો, તો હવે પછી જરૂર કરી જો જો અને જો એમ કરવાથી તમને અનેરો આનંદ ન મળે, તો મને કહેજો…
|
Monday, December 6, 2010
કાનજી તારી મા કે’શે -નરસિંહ મહેતા
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
મુરબ્બીશ્રી નીરુપમભાઈ,
આપનો વાત્સલ્ય બ્લોગ સુંદર છે ... આજે પહેલીવાર મુલાકાત લેવાનું બન્યું ... આપે 11 september ના રોજ મારા બ્લોગ "પિયુની નો પમરાટ" ની મુલાકાત લીધી હતી અને comment પણ આપી હતી આપનો ખુબ ખુબ આભાર ... હવેથી નિયમિત મળતા રહીશું ... આપ પણ "પિયુની નો પમરાટ" માણવા આવતા રહેશો .
પારૂ કૃષ્ણકાંત "પિયુની"
http://piyuninopamrat.wordpress.com/
Post a Comment