Wednesday, October 4, 2017

.(૧૧૨)..અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ !!

૦૪/૧૦/૨૦૧૭...(૧૧૨)..અદભૂત શિક્ષિકાઅદભૂત લિસ્ટ !!
Written by જયશ્રી on. Posted in ટૂંકીવાર્તા
           અદભૂત શિક્ષિકા, અદભૂત લિસ્ટ !!
 
એક દિવસ એક શિક્ષિકા બહેને નાવમાં ધોરણના વિદ્યાર્થીઓને બે મોટા કાગળમાં પોતાના ક્લાસના વિદ્યાર્થીઓના નામ લખવા કહ્યું. દરેક નામની સામે તેમ જ નીચે બે લીટી ખાલી રાખવાનું કહ્યું. વિદ્યાર્થીઓને નવાઈ લાગી. થોડીક ઇન્તેજારી પણ થઇ કે બહેન શું કરવા માંગે છે ?
શિક્ષિકા બહેને ત્યારબાદ દરેક વિદ્યાર્થીના નામની સામે જે તે વિદ્યાર્થીના  સૌથી સારા ગુણો વિષે બધાને યાદ આવે તેટલું લખવાનું કહ્યું. દરેકે દરેક વિદ્યાર્થીના સદગુણને યાદ કરીને લખવામાં બધા વિદ્યાર્થીઓને ખાસ્સી વાર લાગી. આવા નવતર પ્રયોગનો આનંદ પણ આવ્યો. ક્લાસનો બાકીનો સમય પણ આજ કામમાં પૂરો થયો. શાળા છૂટ્યા બાદ દરેકે પોતાનું લખાણ શિક્ષિકા બહેનને સુપરત કરીને  વિદાય લીધી.
અઠવાડિયાના અંતે શિક્ષિકાબહેને દરેક વિદ્યાર્થીના નામવાળો એક એક કાગળ તૈયાર કર્યો. પછી તેના પર દરેક  વિદ્યાર્થીએ તેના વિષે શું સરસ લખ્યું છે તેની યાદી તૈયાર કરી. સોમવારે ફરીથી ક્લાસ મળ્યો ત્યારે તેમણે દરેકને પોતાના નામવાળું લિસ્ટ આપ્યું. દરેક વિદ્યાર્થી આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયો. દરેકના મોઢેથી આનંદના ઉદગારો સરી પડ્યા.
અરે ! ભગવાન ! બધા મારા વિષે આટલું સરસ વિચારે છે ?……
દરેકના હૃદયમાં મારા માટે આટલું બધું સન્માન હશે ? આવું તો મેં ક્યારેય સપને પણ વિચારેલું નહીં !…..
બધા મને આટલું ચાહતા હશે તેની કલ્પના પણ મેં ક્યારેય નહોતી કરી…….!!
આંખમાં આંસુ સાથે દરેક વિદ્યાર્થી આવા ઉદગારો વ્યક્ત કરતો ગયો. પોતાનું મહત્વ બીજાને મન આટલું બધું હશે એ કોઈના માનવામાં જ નહોતું આવતું ! એ દિવસ પૂરો થયો. ત્યારબાદ બધા જ વિદ્યાર્થીઓ એકબીજા સાથે હળીમળીને જ રહ્યા. કોણે કોના વિષે શું લખ્યું હતું તે કોઈ જાણતું ન હતું. એટલે બાકીના વર્ષો દરેક જણે બીજાની  લાગણી ન દુભાય તેનો બરાબર ખ્યાલ રાખ્યો. મહીનાઓ વીતી ગયા. આ વાત પણ ભુલાઈ ગઈ.
ઘણા વર્ષો પછી એ જ શહેરનો એક વિદ્યાર્થી વિયેટનામની લડાઈમાં માર્યો ગયો. એનું નામ માર્ક. એનું શબ ગામમાં લાવવામાં આવ્યું. દેશને ખાતર ખપી જનાર જવાંમર્દને શ્રદ્ધાંજલિ આપવા લોકો ઉમટી પડ્યા. પેલાં શિક્ષિકા બહેન પણ તેમાં સામેલ હતા. જયારે તેમણે અશ્રુભરી આંખે મારા વ્હાલા વિદ્યાર્થી ! એમ કહીને કોફીન ઉપર ફૂલો વેર્યા ત્યારે બાજુમાં ઉભેલ એક અન્ય સૈનિક નજીક આવ્યો.
ધીમેથી તેમણે કહ્યું શું તમે જ માર્કના નવમાં ધોરણના ક્લાસટીચર છો મેડમ ?
હા, કેમ ? – શિક્ષિકા બહેન ને આશ્ચર્ય થયું.
ના, કંઈ નહીં. માર્ક તમારા વિષે હંમેશા ખૂબ જ કહેતો રહેતો. તમને એ હંમેશા અતિ આદરથી યાદ કરતો.
ત્યારપછી ત્યાં હાજર રહેલા સમુદાયમાં થોડીક ગુસપુસ શરુ થઇ ગઈ.
અંતિમ ક્રિયા પતી ગયા પછી પ્રાર્થના માટે બધા એકઠા થયા. ત્યારે એક સજ્જન પેલાં શિક્ષિકા બહેનની પાસે આવ્યા અને અત્યંત માનપૂર્વક બોલ્યા નમસ્તે ! તમે જ માર્કના નવમાં ધોરણના કલાસ ટીચર છોને ?
જુઓ, માર્ક મરાયો ત્યારે એના ખિસ્સામાંથી અ કાગળ મળેલો. એના પર માર્કે  પોતાના હાથે લખેલું છે કે નવમાં ધોરણના અતિઆદરણીય કલાસ ટીચર તરફથી મળેલી સર્વોત્તમ ભેટ.
સેલોટેપ વડે ઠેકઠેકાણેથી ચોંટાડેલો એ કાગળ કેટલી બધી વખત ખોલેલો અને ફરીથી ગડી વળાયેલો હશે એ એની સ્થિતિ પરથી સ્પષ્ટ દેખાઈ આવતું હતું. કાગળ જોઇને શિક્ષિકા બહેન ગળગળા થઇ ગયા. એ પેલો જ કાગળ હતો જે એક દિવસ એમણે ક્લાસના દરેક વિદ્યાર્થીને એમના અંગે બીજા વિદ્યાર્થીઓ શું સરસ વિચારે છે તે નોંધીને આપેલો.
બહેન !….. માર્કની જ બેરેકમાં સાથે રહેલો અન્ય એક સૈનિક બોલ્યો. માર્ક હંમેશા કહેતો કે આ કાગળ એના જીવનની સૌથી અમૂલ્ય ભેટ હતી.
એ જ સમયે એક અન્ય યુવતી ત્યાં આવી. બોલી. હા બહેન ! મારા પતિએ પણ એમનો આવો જ કાગળ મઢાવીને ફ્રેમ કરાવીને ઘરમાં રાખ્યો છે !
અરે મારા પતિએ તો અમારા લગ્નના આલબમમાં સૌથી પ્રથમ પાને આવો જ કાગળ લગાવ્યો છે !
અને હું તો હંમેશા માર્કની જેમ જ આ કાગળ મારા ગજવામાં જ રાખું છું. મારી જિંદગીની પણ એ એક કિંમતી  ભેટ છે !
અન્ય એક યુવકે પોતાના ખિસ્સામાંથી એવો જ એક કાગળ કાઢીને બધાને બતાવ્યો.
વાતાવરણમાં અહોભાવથી ભરેલી શાંતિ છવાઈ ગઈ. આંખમાં આંસુ અને આદરથી ત્યાં ઉપસ્થિત દરેક વ્યક્તિ પેલાં શિક્ષિકા બહેનને જોઈ રહી. હવે રડવાનો વારો શિક્ષિકા બહેનનો હતો. દરેક વિદ્યાર્થીના માથે હાથ મૂકીને એ ખૂબ જ રડ્યા.
-અનુ. ડો. આઈ. કે. વીજળીવાળા
 એક નાનકડો પ્રસંગ જીવનને કેવો વળાંક આપી શકે ? બીજા લોકોએ આપણા માટે કહેલા થોડાક સરસ શબ્દો આપણી જિંદગીને સુંદર ઘાટ આપી દેતા હોય છે. આપણે હંમેશા બીજા અંગે વાત કરતા કે બોલતા આટલો જ ખ્યાલ રાખીએ તો ખાતરીથી એ લોકો એ શબ્દોને મઢાવીને જ રાખવાના……!
આપણે આપણા મિત્રો, સ્નેહીઓ તેમ જ સગાવહાલાઓને કહીએ કે આપણે એમને કેટલા ચાહિયે છીએ, આપણા માટે એ લોકો ખૂબ જ મહત્વના છે, આપણે એમને ખૂબ જ આદરથી જોઈએ છીએ, એ લોકોના ક્યાં સદગુણો આપણને પ્રેરણા આપે છે અને મુશ્કેલીના સમયમાં માર્ગદર્શન પણ આપે છે…….
ચાલો, ખૂબ મોડું થાય તે પહેલાં દુનિયાને કહી દઈએ કે અમે તને ખૂબ જ ચાહીએ છીએ…….!!!











 સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ  

1 comment:

Online Journalist said...

Beautiful blog with brilliant posts. Happy that I found it.