૧૧.૦૯.૨૦૧૦
આજે માણીએ શ્રી કરસનદાસ માણેક ની અત્યંત સુંદર રચના
જ્યોતિધામ – કરસનદાસ માણેક
(મંદાક્રાન્તા છંદ)
મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં,
ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;
અંધારામાં દ્યુતિકિરણ એકાર્ધ યે પામવાને,
મંદિરોનાં પથ્થર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;
સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં;
એકાન્તોના મશહુર ધનાગાર ઉઘાડી જોયાં;
ઊંડે ઊંડે નિજમહિં સર્યો તેજકણ કામવાને,
વિશ્વે વન્દ્યા, પણ સકલ ભન્ડાર મેં ખોલી જોયાં !
ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં
વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયુષધારા;
તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ,
ન્હોતો તેમાં અવગણનનાં દુ:ખનો લેશ ભાસ;
જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ :
મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ !
No comments:
Post a Comment