Saturday, August 12, 2017

(૭૫).ગૃહપ્રવેશ – ડૉ. રેણુકા એચ. પટેલ

૧૨/૦૮/૨૦૧૭...(૭૫)..ગૃહપ્રવેશ ડૉ. રેણુકા એચ. પટેલ

સિદ્ધાંત, બેલાની કોઈ બીજી વ્યવસ્થા ન થાય?નંદિતાએ ધડકતે દિલે પૂછેલું. ઉત્તર ખબર હતી છતાંય કદાચ કોઈ ચમત્કાર થાય ને સિદ્ધાંતનો જવાબ બદલાઈ જાય.
શી વ્યવસ્થા થાય? તું જ કહે. બીજી કોઈ વ્યવસ્થા ન થાય. મા હતી ત્યાં સુધી તો તે પાલનપુર રહેતી હતી જ ને !સિદ્ધાંતે છાપામાંથી મોઢું બહાર કાઢી ચશ્મા હાથમાં લીધા. સવાર સરસ હતી. સિદ્ધાંત અને નંદિતા રોજ સવારે આમ જ ગાર્ડનમાં બેસીને છાપાં વાંચતા અને ચ્હા પીતા. અગત્યની વાતોની ચર્ચા આ સમય દરમિયાન જ થતી.
નંદુ, એમ પૈસાથી બધી જ વ્યવસ્થા થઈ જાય તો કેટલું સારું! પણ એમ થતું નથી. આપણે એના સગા ભાઈ-ભાભી થઈને થોડા રૂપિયા આપીને એની જવાબદારીમાંથી છટકવાનું વિચારીએ તો કાકા શા માટે જવાબદારી લે ? અને એય તે જુવાન જોધ છોકરીની ? પાલનપુર ગામમાં ? અરે હું આ અઠવાડિયે લેવા નહીં જાઉં તો એ જાતે જ આવીને મૂકી જશે. બેલાને હવે અહીં લાવવી જ પડશે.સિદ્ધાંતે ફરી ચશ્મા પહેર્યાં.
ઓ ગાંડા! તું સમજતો નથી હું એ ગાંડી છોકરી સાથે એક છત નીચે ચોવીસ કલાક કેમની રહું ? મને તો બીક જ લાગે છે. વળી મારી કીટીઝ, સોશિયલ ફંકશન્સ, કલબ, મિટિંગ્સ એ બધાનું શું ? હું એના માટે મારી પ્રાયોરીટીઝ ન બદલી શકું.
અભણ માણસ જેવી વાત ન કર. પહેલી વાત તો એ કે બેલા ગાંડી નથી. શી ઈઝ મેન્ટલી રીટાર્ડેડ ચાઈલ્ડ માનસિક રીતે અપરિપક્વ છોકરી છે. બસ. અને બીજી વાત કે તું તેની સંભાળ માટે કોઈ બાઈ શોધી કાઢ ને ! તારે ક્યાં એને પકડીને બેસી રહેવાનું છે ? જ્યાં જવું હોય ત્યાં તને છૂટ છે. બસ.સિદ્ધાંતે ફરી છાપામાં મોઢું ખોસી દીધું.


સિદ્ધાંત કાંઈ સમજતો નથી. આખો દિવસ એ ગાંડી છોકરી નંદિતા ઘરમાં ગોળ-ગોળ ફરશે. ધૂળવાળા પગ લઈ સોફા પર બેસશે, ડાઈનિંગ-ટેબલ પર પાણી ઢોળશે, કિંમતી ગાલીચો ગંદો કરશે. આજે લગ્નના દસ વર્ષ પછી ઘરમાં એના અને સિદ્ધાંત સિવાય પણ કોઈની હાજરી…. અને એ ય કોણ ગાંડી, ગામડિયણ છોકરી ! ઑ ગોડ, કેમનું સહેવાશે ? અને એની ફ્રેન્ડઝ ! એ લોકો જ્યારે આવશે અને બેલાને જોશે તો એ શું કહેશે ? નંદિતા શી ઓળખાણ આપશે ? ‘જુઓ, આ મારા પતિની નાની બહેન…. મારી નણંદ?સિદ્ધાંત કશું જ સમજતો નથી. પેલી ઈલા તો એને જોઈને જ હસી પડશે અને સુનંદા તો નંદિતાની પીઠ પાછળ જે વાતો કરશે માત્ર નંદિતા જ જાણે છે. સિદ્ધાંતને શી ખબર ? બોલ્યો બેલાને લાવવી જ પડશે.અત્યાર સુધીની હાઈ સોસાયટીમાં ઊભી કરેલી બધી જ આબરૂ ધૂળમાંએ ઊભી થઈને પગ પછાડતી અંદર જતી રહી.
આખો દિવસ નંદિતાને બેલા જ યાદ આવતી રહી. છેલ્લે મા ગુજરી ગયાં ત્યારે મહિના પહેલાં નંદિતા પાલનપુર ગયેલી ત્યારે બેલાને જોયેલી. મોટી કાળી સુંદર આંખોવાળી છોકરી. નંદિતાએ ત્યારે જો કે પોતાની જાતને બેલાથી દૂર જ રાખેલી. આમેય નંદિતાને ખાસ પાલનપુર જવું ગમતું નહીં. કંઈ કામ હોય તો સિદ્ધાંત જ જઈ આવતો. મા પણ અહીં આવે ત્યારે બેલાને કાકાને ત્યાં જ મૂકીને આવતાં અને સાંજે તો જતા રહેતાં. નંદિતાના બેલા પ્રત્યેના અણગમાને તેઓ ઓળખી ગયા હતાં. એટલે દીકરાના સંસારથી બેલાને દૂર જ રાખતાં. લગ્નના દસ વર્ષ પછી પણ બેલા અને નંદિતા એકબીજાથી અપરિચિત જ રહ્યાં. નંદિતાને સંતાન તો હતું નહીં. થાય એવા કોઈ સંજોગો પણ ન હતાં. પોતે માતૃત્વ ધારણ કરી શકે એ સ્થિતિમાં નથી એ હકીકત સ્વીકારીને તેણે પોતાની જાતને બીજી ઘણી પ્રવૃત્તિમાં ઢાળી દીધી હતી, પણ હવે આ બેલાના આવવાથી તે બધામાં વિક્ષેપ પડશે તો ?
બીજે દિવસે જ સવારે સિદ્ધાંત પાલનપુર ગયો અને સાંજે તો બેલા આવી ગઈ. સત્તર-અઢાર વર્ષની અબુધ છોકરી. માની મમતાની છત્રછાયા હમણાં જ તેણે ગુમાવી હતી. તેની કાળી મોટી આંખોથી ચકળવકળ ચારેબાજુ જાણે કંઈક શોધ્યા કરતી. નંદિતાની કલ્પના મુજબ એ કંઈ ધૂળભરેલા પગવાળી કે ગંદી મેલીઘેલી છોકરી ન હતી પણ તેના સુઘડ અને સ્વચ્છરૂપથી નંદિતા ય કંઈ અંજાઈ નહીં. તેણે તો બેલાના આવતાં જ તેને મંગુબાના હવાલે કરી દીધી. મંગુબાને તેણે ઘણી સૂચનાઓ આપી રાખેલી. જેમ કે, કોઈ મહેમાન આવે ત્યારે બેલા ભૂલેચૂકેય ડ્રોઈંગરૂમમાં ન આવી જાય. નંદિતા અને સિદ્ધાંત સવારે ગાર્ડનમાં બેસી છાપું વાંચતા હોય તો બેલા ગમે તેટલી જીદ કરે તેને ગાર્ડનના હિંચકા પર બેસવા લાવવી જ નહીં. જમવાના સમયે તેને નંદિતા અને સિદ્ધાંત જમવા બેસે તેના પહેલાં જ જમાડી દેવી.. વગેરેવગેરેબધાં જ સૂચનોનું મંગુબા અક્ષરશ: પાલન કરતાં. આ સૂચનોમાં બેલા સાથે પ્રેમથી વર્તવાની કે તેની મમતાભરી સંભાળ રાખવાની શરતો ક્યાંય સામેલ ન હતી તેથી બેલા નંદિતા માટે અણગમતી વ્યક્તિ છે તેવું સમજતાં મંગુબાને ઝાઝી વાર લાગી નહીં. તેમણે બેલા માટે એક અદશ્ય જેલની રચના કરી દીધી.
બેલાના આવવાથી નંદિતાની દિનચર્યામાં કોઈ ખાસ ફેર પડ્યો નહીં. એ તો પહેલાંની જેમ જ આજે કીટી પાર્ટી તો કાલે કલબ મિટિંગમાં બિઝી રહેતી. તેના મિત્રો પણ ઘેર આવતાં પણ એમની નજરોથી બેલાને દૂર રાખવામાં તે સફળ રહી હતી. એટલે હાઈસોસાયટીમાં તેની આબરૂ હજી અકબંધ હતી. સિદ્ધાંત ક્યારેક ઑફિસેથી આવીને બેલા પાસે બેસતો, તેની સાથે વાતો કરતો, તેની વાતો સાંભળવા પ્રયત્ન પણ કરતો. ક્યારેક બેલા માટે કોઈ ચીજવસ્તુ લઈ આવતો પણ બેલા સાથે કઈ રીતે સંવાદ સાધવો એ માટે તદ્દન અજાણ હતો. નાનું બાળક પણ રડીને, હસીને, જીદ કરીને પોતાના ગમા-અણગમા, લાગણીઓ પોતાનાં માતા-પિતા સુધી પહોંચાડે છે પણ બેલાને તો પોતાના ગમા-અણગમા વિશે પણ ખાસ ખબર પડતી નહીં. સિદ્ધાંત સાથે વાતો કરવી તેને ગમતી પણ, સિદ્ધાંત શું બોલતો, તે તેને સમજાતું નહીં. વળી સિદ્ધાંત પણ બેલા સાથે હોય ત્યારે બેલા સાથે ઓછી પણ મોબાઈલ ફોન પર વધુ વાતો કરતો. આમ, ભાઈ-બહેન વચ્ચે લાગણીનો, પ્રેમનો, વિશ્વાસનો કે મમતાનો સેતુ રચાયો જ નહીં.
અને બેલા ? આ મોટા મહાલય જેવા ઘરની અદશ્ય કેદમાં તેને તો તેના પાલનપુરનું નાનું ઘર અને નાનું આંગણું જ યાદ આવતા. માએ આંગણામાં લીમડો, ગુલમહોર જેવા વૃક્ષો અને નાના-નાના ફૂલના છોડ પણ વાવેલા. લીમડાની ડાળીએ માએ એક હીંચકો બાંધી દીધેલો. બેલા કલાકો સુધી ત્યાં હીંચ્યા કરતી. બેલાને રંગોળી પૂરવી પણ બહુ ગમતી. માએ જ શીખવાડેલી. રોજ સવારે મા આંગણું વાળી-ઝૂડી સાફ કરી દેતી અને આંગણામાં પાણી છાંટી દેતી. બેલા જુદા-જુદા રંગો લઈ રંગોળી પૂરવા બેસી જતી. બેલાની સવાર ત્યાં જ પસાર થઈ જતી. મા કદી બેલાને મૂકીને જમતી નહીં. બન્ને એક જ ભાણામાં જમવા બેસતાં. મા એક કોળિયો પોતે ખાતી અને બીજો બેલાને ખવડાવતી. કોઈવાર બેલા જીદ કરે તો તેને જાતે ય ખાવા દેતી અને બેલા ખોળામાં જમવાનું પાડે કે પાણી ઢોળે તો સહેજેય ગુસ્સે થતી નહીં, મીઠું હસી દેતી. જ્યારે આ મંગુબા ? ક્યારેય જમાડતાં નથી. બેલાએ જાતે જ ખાવાનું. વળી સહેજ પણ ઢોળાય કે કપડાં બગડે તો તરત ડોળા તતડાવે છે. બેલાને મંગુબાના ડોળાની બહુ બીક લાગે છે એટલે હવે થોડુંક ખાઈને જ ઊભી થઈ જાય છે. પાલનપુરમાં તો બેલાની સાંજ પણ ઘણી સરસ જતી. મા ફળિયાના બધાં છોકરાંને ત્યાં ભેગા કરતી ને ચોકલેટ, બિસ્કીટ, મમરા, ચવાણું, ઘાણી એવું કંઈક આપતી. બધાં છોકરાં બેલા સાથે ત્યાં જ રમતા. પકડદાવ, થપ્પો, લંગડી એવું કંઈ કેટલુંય. અરે ! આંધળી-ખિસકોલી રમવા તો ક્યારેક મા પણ ઊતરી પડતી. બધાં એને એવું દોડાવતાં…. અને ખૂબ હસતાં અને આ મંગુબા ? એ તો આખો દિવસ એને પાસે બેસાડી ટી.વી જોયા કરે છે. એમાં શું આવે છે ને બધાં શું કરે છે ?….. બેલાને કશું સમજાતું નથી. એ તો આખી સાંજ પોતાના રૂમની બારી પાસે બેસીને શૂન્યમાં કંઈક તાક્યા કરે છે. ઘણા પ્રશ્નો તેને પજવતા રહે છે. મા ક્યાં ગઈ ? પેલું હસતું-રમતું પાલનપુરનું આંગણું ક્યાં ગયું ? આ મંગુબા કોણ છે ? તેના જીવનમાં આ શી ઉથલ-પાથલ થઈ ગઈ છે ? તેને તો ઊડીને ફરી પેલા નાના ઘરમાં જવું છે પણ ઉડવા માટે તેનું ગભરું મન જેટલું વધુ પાંખો ફફડાવે છે તેટલું જ આ માયાજાળમાં વધુ ફસાતું જાય છે.
કોઈ હોંશિયાર અને સમજદાર વ્યક્તિ પણ જ્યારે અણધારી, અકલ્પનીય પરિસ્થિતિમાં આવી પડે છે ત્યારે તેની સમજશક્તિ જવાબ દઈ દે છે. સમજદાર માણસો પણ ઘણીવાર પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે. તેમનું મગજ બહેર મારી જાય છે. તો આ તો એક અબુધ કિશોરી હતી. તેનું શું ગજું ? તદ્દન પ્રતિકૂળ પરિસ્થિતિ સાથે બાથ ભીડતાં ભીડતાં આખરે તેણે હથિયાર હેઠાં મૂકી દીધાં. રેશમનો કીડો જેમ પોતાની જાતે જ પોતે વણેલી કેદમાં પૂરાઈ જાય છે તેમ તેણે પોતાની જાતને એકલતાની કેદમાં કેદ કરી લીધી. મુક્ત પતંગિયાની જેમ ઉડાઉડ કરતા પોતાના મનને જાણે દાબડીમાં બંધ કરી દીધું. બેલા હવે પોતાના રૂમની બહાર નીકળતી નહીં. ઝાઝું બોલતી નહીં. કલાકો સુધી પેલી બારી પાસે બેસી રહેતી અને મૂગી આંખે કંઈક જોયા કરતી.
એક દિવસ આમ જ એ બારી પાસે બેઠી હતી ત્યાં તેને દૂરથી આવતી મા દેખાઈ. તેની મુગી આંખોમાં એક ચમક આવી ગઈ. મા ધીમે-ધીમે પાસે આવી. તદ્દન બારી પાસે. એ જ ચશ્માવાળું ગોરું મોં અને એ જ સફેદ ટીપકાવાળો સાદો સાડલો. બેલા તો નાચી જ ઊઠી. તેણે અને માએ ઘણી વાતો કરી. મા ઘણી ખબર લાવી હતી પાલનપુરના પેલા રમેશ, કાળિયા, મંતુડી અને સવિતાની. બેલાએ પણ ઘણી ફરિયાદ કરી મંગુબાની, નંદિતાની અને સિદ્ધાંતની. ખૂબ ખૂબ વાતો કરીને મા ગઈ. બેલાને પણ મજા પડી ગઈ. હવે તો એને રોજનું થયું. રોજ એ બારી પાસે બેસતી જ. રોજ મા આવતી, રોજ બન્ને વાતો કરતાં અને મા જતી રહેતી. બેલાને તો આનંદ આનંદ થઈ ગયો. કલ્પનાની આ સૃષ્ટિ બેલાને ખૂબ વહાલી હતી. અહીં ન તો મંગુબાના છણકા હતાં કે ન તો નંદિતાની કરડી આંખોનો ડર હતો. બેલા કલાકો સુધી બારી પાસે શું કરે છે, એકલી એકલી શું બબડ્યા કરે છે તેવું જોવા કે વિચારવાનો તો ઘરમાં સમય જ કોની પાસે હતો ?
આજ-કાલ નંદિતાને ઘેર આવવામાં મોડું થતું. તેની લેડિઝ કલબમાં દિવાળી નિમિત્તે જાતજાતના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. બધા કાર્યક્રમોના રિહર્સલ, સમારંભની તૈયારીઓ વગેરે મોડે સુધી ચાલતું. ઘણીવાર તો એમ પણ થાય કે એ આવે ત્યારે સિદ્ધાંત આવી ગયો હોય અને જમવા માટે તેની રાહ જોઈ બેસી રહ્યો હોય. આજે પણ નંદિતા આવી ત્યારે મોડું જ થઈ ગયેલું પણ સિદ્ધાંત હજી આવ્યો ન હતો. સિદ્ધાંતને આજે ધાર્યા કરતાં વધુ મોડું થયું હતું. તે ડ્રોઈંગરૂમમાં કોઈ બકવાસ કાર્યક્રમ જોતાં જોતાં સિદ્ધાંતની રાહ જોઈ રહી. તેણે બે-ત્રણ વાર ફોન પણ ટ્રાય કર્યો પણ સેલફોન ઑફ હતો ને ઑફિસમાં તો અત્યારે કોણ હોય ? અકળાયેલી અશાંત નંદિતાને દાઝ ચઢવા લાગી, ‘બેદરકારીની ય હદ હોય ને ? એક ફોન ન કરી શકે ?’
ટી.વી પર પણ બધું ભલીવાર વિનાનું આવી રહ્યું હતું. ન્યુઝ પણ. તેને ગુસ્સો આવી ગયો, ત્યાં જ તેને બેલા દેખાઈ. કદાચ કાચી ઊંઘમાંથી ઊઠીને ટી.વીનો અવાજ સાંભળી આ તરફ આવી ગઈ હતી. ઊંઘ ભરેલી આંખોથી તેણે પણ નંદિતાને જોઈ. અર્ધજાગૃત અવસ્થામાં તેને નંદિતામાં પોતાની મા દેખાઈ. મા અહીં ક્યાંથી? રોજ તો બારી બહાર મળે છે, આજે ઘરમાં આવી ગઈ ?’ બેલાએ આંખો ચોળી. મા ત્યાં જ બેઠી હતી. સોફા ઉપર. બેલા ઘેનમાં સીધી સોફા પાસે આવી અને નંદિતાના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ. નંદિતા બે ક્ષણ માટે તો હેબતાઈ ગઈ. બેલા આવી હિંમત કરે તે તો તેની કલ્પના બહારનું હતું. તેણે બેલા તરફ નજર કરી. આજે કદાચ પહેલી વાર તેણે બેલાને ધ્યાનથી જોઈ. બાળપણની નિર્દોષતાથી છલકતું, યુવાનીને ઈજન આપતું તેનું ભોળું મોં ખરેખર સુંદર હતું. પોતે માના ખોળામાં સુરક્ષિત છે તે અહેસાસની બેફિકરાઈ પણ મોઢા પર સ્પષ્ટ દેખાતી હતી. આ નિર્દોષ છોકરી અને માનસિક વિકાસને વળી શો સંબંધ છે?તેને થયું. હજી સુધી ગાંડી ગાંડી કહીને પોતે બેલાને અન્યાય નથી કર્યો?નિ:સંતાન હોવાની ગ્રંથીને લીધે વર્ષો સુધી જે મમતા તેણે હૃદયના પેટાળમાં ધરબી દીધી હતી, તે મમતામાં અચાનક જ ચેતનાનો સંચાર થયો. તેને બેલા પર વહાલ ઉભરાયું.અરેરે! માતાની છત્રછાયા ગુમાવી બેઠેલી આ અબુધ છોકરી કેટલે દૂરથી પ્રેમ અને મમતાની આશાએ અહીં સુધી હાથ ફેલાવીને આવી અને મેં એને કેટલી નિર્દયતાથી તરછોડી ! મારું સ્ત્રીહૃદય કેમ મમતાવિહોણું બની ગયું ? ઈશ્વરે કદાચ એટલે જ મને સંતાનહીન રાખી. હું માતૃત્વને લાયક જ નથી.આત્મગ્લાનીની લાગણીઓથી તેનું હૃદય ઉભરાઈ ગયું. તેની નજર સમક્ષ બેલાની બાળસહજ ચેષ્ટાઓ અને અત્યાર સુધીની નાની-નાની નિર્દોષ રમતો સિનેમાની પટ્ટીની જેમ ફરી ગઈ. બુદ્ધિ અને હૃદયના દ્વંદ્વમાં આખરે હૃદય જીત્યું. આધુનિકતાની પ્રપંચી પાળને અણબોટી મમતાના ગોપાયેલા દરિયાની ભરતીએ તોડી નાંખી. એ દરિયાની પ્રચંડ ભરતીમાં સઘળું તણાઈ ગયું, કલબ, કીટી, ફ્રેન્ડઝ, મિટિંગ, સુપરમોલ, શોપિંગ સઘળુંય….
રાત્રે સિદ્ધાંત ઘરે આવ્યો ત્યારે એક વાગવા આવ્યો હતો. લેચ-કીથી તે બારણું ખોલી અંદર આવ્યો. ઘર તો અંધકારમાં ડૂબેલું હતું. નંદિતા સૂઈ ગઈ હતી. તે પોતાના બેડરૂમમાં આવ્યો અને લાઈટની સ્વીચ ઑન કરી. પોતાના પલંગ પરનું દશ્ય જોઈ એ બે ઘડી ડઘાઈ ગયો. નંદિતા બેલાને બાથમાં લઈ સૂઈ ગઈ હતી. બેલા પણ નાના બાળકની જેમ પોતાનો એક પગ નંદિતાના પેટ પર મૂકીને સૂતી હતી. બંન્ને ગાઢ નિદ્રામાં હતાં. સિદ્ધાંત ત્યાં જ પાસેની ખુરશી પર બેસી પડ્યો. તેની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યાં.
Complied By—Mrs Kiran Avashia for Manasi
19.11.2009



No comments: