Wednesday, May 17, 2017

બોધ-કથા-૦૫...સંત જ્ઞાનેશ્વર

૧૭-૦૫-૨૦૧૫....બોધ-કથા-૦૫...સંત જ્ઞાનેશ્વર 

 સંકલિત......                                                                             ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....





. દીવ્ય ભાસ્કરની પુર્તી સન્ડેમાં એક કૉલમ આવે છે સન્ડેકી પાઠશાળા. તા. ૧૩ નવેમ્બર ૨૦૧૧ના અંકમાં આવેલી તેમાંની એક વાત અહીં લખવા મન લલચાયું તેથી નીચે તે લખું છું. 
વરસો પહેલાંની વાત છે. સંતનગરમાં એક પ્રસીદ્ધ મહાત્મા સંત જ્ઞાનેશ્વર પોતાનો આશ્રમ બાંધીને રહેતા હતા. એક દીવસ સવારે પુજાપાઠ કર્યા બાદ તેઓ આશ્રમની સામે જ વહેતી નદીકીનારે ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક તેમને બાળકની ચીસો સંભળાવવા લાગી. જ્ઞાનેશ્વરની નજર નદીમાં ડુબતા બાળક પર પડી. તેમણે ક્ષણભરનોયે વીચાર કર્યા વગર નદીમાં ઝમ્પલાવ્યું. બાળકને બચાવીને જ્યારે તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે નદીકીનારે એક સાધુ ધ્યાનમાં મગ્ન બેઠા હતા. મહાત્માએ તે સાધુને બોલાવ્યો, સાધુએ આંખો ખોલી અને મહાત્મા જ્ઞાનેશ્વરની નજર સમક્ષ જોઈને તરત પ્રણામ કર્યા. મહાત્માએ સાધુ ને પુછ્યું, ‘‘ વત્સ, તું અહીં શું કરી રહ્યો છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહારાજ, હું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’ મહાત્માએ પુછ્યું, ‘‘શું તારું મન એમાં લાગે છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહાત્માજી, ધ્યાનમાં મન તો નહોતું લાગતું. મન તો અહીંતહીં ભટકતું હતું !’’ સંતે પુછ્યું, ‘‘તને આ બાળકની ચીસો સમ્ભળાઈ હતી ?’’ ‘‘હા મહારાજ, પણ ત્યારે તો હું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’
સાધુની વાત સાંભળી સંત જ્ઞાનેશ્વરે તેને સમજાવતાં કહ્યું, ‘‘વત્સ, તું ધ્યાનમાં કેવી રીતે સફળ થઈ શકે ? ભગવાને તને કોઈની સેવા કરવાની તક આપી અને એ જ તો તારું પહેલું કર્તવ્ય હતું. જો તેં આ કર્તવ્યનું પાલન કર્યું હોત તો ધ્યાનમાં કદાચ મન લાગી જાત. ભગવાને રચેલી સૃષ્ટીરુપી બગીચો બગડી રહ્યો છે. સૃષ્ટીનો આનંદ માણવો હોય તો પહેલા આ બગીચાને સજાવતાં શીખો.’’ સાધુએ મહાત્માના પગ પકડી લીધા અને કહ્યું, ‘‘મહારાજ, તમે મને જીવનનું રહસ્ય કહી દીધું.’’
બોધ:
જો તમે માનવમાત્રની સેવા નથી કરી શકતા તો પુજાપાઠ વ્યર્થ છે. દરેક મનુષ્ય ભગવાનની જ છબી છે. માટે મનુષ્યની સેવા જ ભગવાનની સાચી સેવા છે. (લેખકનું નામ આપ્યું નથી.) 

સંકલિત 

No comments: