Wednesday, May 24, 2017

બોધ કથા-૧૧...જે પોતે માગે તેની પાસે માંગવું શું ?


૨૪/૦૫/૨૦૧૭...બોધ કથા-૧૧

                     સંકલિત......                                                    ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

          જે પોતે માગે તેની પાસે માંગવું શું ? … (પ્રેરકકથા)




શિકારની શોધમાં નીકળેલો બાદશાહ પોતાની રાજધાનીથી વનમાં ખૂબ દૂર નીકળી જાય છે. તે એક પછી એક ખેતર વીંધતો જાય છે. પણ કોઈ શિકાર હાથ લાગે નહીં. તે ભૂખ તરસથી વ્યાકુળ બની ગયો અને ચોપાસ નજર દોડાવતો હતો કે કોઈ ઝૂંપડી દેખાય તો ભૂખ-તરસ છિપાવી શકાય. એવામાં દૂર-દૂર એક નાનકડા ખેતરમાં ખેડૂતની ઝૂંપડી જોઈ અને બાદશાહ એ ઝૂંપડીમાં ગયો. ખેડૂતે બાદશાહને રોટલો અને શાક આપ્યાં. બાદશાહ તૃપ્ત થયો અને બોલ્યો, ‘જો ભાઈ, હું અહીંનો બાદશાહ છું; મારી પાસે સત્તા અને સંપત્તિ બન્ને છે. ક્યારેય મારું કોઈ કામ હોય તો સહેજે સંકોચ રાખ્યા વિના આવી જજે. કશી ફિકર કરતો નહીં. તને મદદ કરતાં મને ખરેખર  આનંદ થશે.

બાદશાહની આ વાત સાંભળી ખેડૂતે કહ્યું, ‘મારે વળી આપનું શું કામ પડશે ? રાજ્યને સમયસર લગાન આપું છું અને આનંદથી જીવું છું.

થોડાં વર્ષો પછીએ રાજ્યમાં દુકાળ પડ્યો. ખેડૂતની પત્નીએ ખેડૂતને કહ્યું : રાજાએ સ્વયં તમને મદદ કરવાનું કહ્યું હતું, તો પછી તેમને મળી આવોને. ખેડૂત બાદશાહ પાસે ગયો અને બાદશાહ તેણે પ્રેમથી મળ્યાં. તેની આગતાસ્વાગતા કરવાનો હુકમ આપ્યો  થોડીવારમાં નમાજનો સમય થયો એટલે બાદશાહે ખેડૂત ને થોડીવાર બેસવા કહી નમાજ પઢવા લાગ્યા. ઈબાદત કરતી વખતે બાદશાહે બન્ને હાથ ઊંચા ઊઠાવીને ખુદા પાસે દુવા માંગી. ખેડૂત નિરાંતે આ સઘળું જોતો હતો. તેણે બાદશાહને પૂછ્યું, ‘નમાઝના સમયે આપ હાથ ઊંચા કરીને શું કરતાં હતા ?’ બાદશાહે કહ્યું, ‘ હું ખુદા પાસે દુઆ માગતો હતો કે મારા રાજ્યમાં સુખશાંતિ રહે, ખુદા મને સમૃદ્ધિ અને સ્વાસ્થય બક્ષે.
ખેડૂતે આશ્ચર્યથી પૂછ્યું, ‘આવી દુઆ માગવાથી ખુદા આપે છે ખરા ?’
બાદશાહે વિનમ્રતાથી કહ્યું, ‘આ બધી શાન -શૌકત અને રાજપાટ એ ખુદાની જ દેણ છે.બાદશાહ નો  

આ ઉત્તર સાંભળીને ખેડૂતે બાદશાહને કહ્યું : હવે હું મારા મારા ખેતરમાં પાછો જાઉં છું. આપે પ્રેમથી મારી ખાતર-બરદાસ્ત કરી એ માટે શુક્રિયા.બાદશાહે પૂછ્યું, ‘પણ તમે શા માટે મને મળવા આવ્યા, એનું કોઈ કારણ તો કહ્યું નહીં.ખેડૂત બોલ્યો, ‘બાદશાહ સલામત, હું આપની પાસે મદદ માગવા આવ્યો હતો
પણ જ્યારે મેં જોયું કે આપ ખુદ ખુદા પાસે માગી રહ્યા છો ત્યારે વિચાર્યું કે તેની પાસે જ કેમ ના માંગુ, જેની પાસે આપ માગી રહ્યા છો. જે પોતે માગતો હોય તેની પાસે માંગવું શું ? આમ કહીને ખેડૂત પોતાના ગામમાં પાછો ફર્યો.


સંકલિત

No comments: