Saturday, September 30, 2017

(૧૦૯)..નવરાત્રી-આરતી...

૩૦/૦૯/૨૦૧૭..(૧૦૯)..નવરાત્રી-આરતી...

આજે દશેરા....હેપી દશેરા...

 मा जगदंबा आपको और आपके परीवारको आशीर्वाद प्रदान करें !
        शक्ति
             संपति
                   स्वरुप
                         संयम
                               सादगी
                                       सफलता
                                                समृध्धि    
                                                         संस्कार
                                                                 स्वास्थय
                                                                         स्म्मान
                                                                               सरस्वती

या देवी सर्वभूतेषु शक्ति रुपेण संस्थिता
    नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः।
या देवी सर्वभूतेषु विद्या रुपेण संस्थिता
    नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः।
या देवी सर्वभूतेषु दया रुपेण संस्थिता
    नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः।
या देवी सर्वभूतेषु लक्षमी रुपेण संस्थिता
    नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः।
या देवी सर्वभूतेषु  श्रध्धा रुपेण संस्थिता
    नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः।

આરતી ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ?*
નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી *જય આદ્યાશક્તિ મા…’*નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે નાના નાના ભૂલકાં પણ આ આરતીનું ગાન કરે છે. નાના ભૂલકાંઓ પણ વડીલોનું જોઈને આરતી કાલીઘેલી ભાષામાં ગાય છે. મારી કોલેજમાં અને પડોશમાં આ અંગે પૂછતા માલૂમ પડયું કે, આરતીમાં વપરાયેલ શબ્દો કે શબ્દસમૂહોના અર્થની બધાં લોકોને જાણકારી નથી. આ બાબતે જ આ લેખ લખવાની પ્રેરણા મળી કે, સર્વત્ર ગુજરાત, ભારત અને વિદેશમાં ગવાતી આ આરતીનું રસદર્શન નહીં પણ અર્થઘટન ભાવિકો સુધી પહોંચાડવું. જેથી હવે પછી તેઓ જ્યારે આરતીનું ગાન કરશે ત્યારે તેમનામાં શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદમાં વધારો થશે.
માતાજીની આ આરતી *જય આદ્યાશક્તિ…’ ની રચના આજથી ૧૫૦ વર્ષ પૂર્વે સુરતના નાગર ફળિયામાં રહેતા શિવાનંદ પંડયાએ કરેલી છે.* તેઓ લગભગ ૮૫ વર્ષ જીવ્યા હતાં અને ઘણી આરતીની રચના કરી હતી. આ આરતીમાં સમયાંતરે ફેરફાર થતો જોવા મળે છે. આ ફેરફાર શબ્દો અને ઢાળમાં જોવા મળે છે, અર્થ એનો એ જ જોવા મળે છે. આમ છતાં પૂનમ પછીની પંક્તિઓ પછીથી ઉમેરાઈ છે.
*પ્રથમ પંક્તિ* જ્ય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ, અખંડ બ્રહ્માંડ દિપાવ્યા, પડવે પ્રગટ થયાંએટલે કે અખંડ બ્રહ્માંડ જેના દિવ્ય તેજથી પ્રકાશિત છે અને જેઓ નોરતાંની સુદ એકમે પ્રગટ થયાં છે. એવા મા શક્તિ અંબાનો જય હો.
*બીજી પંક્તિ* દ્વિતીયા બેય સ્વરૂપ શિવશક્તિ જાણું, બ્રહ્મા ગણપતિ ગાયે, હર ગાયે હર માબે સ્વરૂપ એટલે પુરૂષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ બંને તારાં જ સ્વરૂપો છે. હે મા, બ્રહ્મા,ગણપતિ અને શિવ તારો મહિમા ગાય છે.
*ત્રીજી પંક્તિ* તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમાં બેઠાં, ત્રયા થકી તરવેણી, તું તરવેણીમાંત્રણ સ્વરૂપ એટલે મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાલી. આપ ત્રણ ભુવન પાતાળ, આકાશ અને પૃથ્વી પર બિરાજમાન છો. ગંગા, યમુના તથા સરસ્વતી અને જ્ઞાન, ભક્તિ અને મોક્ષનો ત્રિવેણી સંગમ છો.
*ચોથી પંક્તિ* ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યાં, ચારભૂજા ચહું દિશા, પ્રગટયાં દક્ષિણમાંએટલે કે મહાલક્ષ્મીને સૌથી વધારે ચતુર ગણ્યા છે. આ મહાલક્ષ્મી વિવિધ સ્વરૂપે સચરાચરમાં વ્યાપેલાં છે. તેમની ચારભૂજા ચાર દિશા સમાન છે અને તેમનો ભક્તિપંથ દક્ષિણમાં પ્રગટ થયેલો છે.
*પાંચમી પંક્તિ* પંચમી પંચ ઋષિ પંચમી ગુણ પદમા, પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે, પંચે તત્ત્વોમાંઅહીં પ્રથમ પંક્તિમાં પ્રાસ બેસાડવા રચેયતાએ કેટલીક છૂટ લીધી છે. હકીકતમાં પંચ ઋષિની જગ્યાએ સર્પ્તિષ જોઈએ અને ગુણ પાંચ નહીં ત્રણ છે. સત્વ, રજસ અને તમસ. હે મા, પાંચ તત્ત્વો પૃથ્વી, જળ, આકાશ, પ્રકાશ અને વાયુમાં આપ છો.
*છઠ્ઠી પંક્તિ* ષષ્ઠી તું નારાયણી, મહિષાસુર માર્યો, નરનારીનાં રૂપે, વ્યાપ્યાં સઘળે મામહિષાસુર રાક્ષસને મારનારી મા તું નર-નારીના સ્વરૂપે સમગ્ર વિશ્વમાં વ્યાપેલી છે.
*‘સપ્તમી સપ્ત પાતાળ સાવિત્રી સંધ્યા, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી ગીતા મા’* સાતે પાતાળમાં આપ બિરાજમાન છો, પ્રાતઃ સંધ્યા (સાવિત્રી) અને સાયંસંધ્યા આપ છો. પાંચ માતાના સ્વરૂપો ગાય, ગંગા, ગાયત્રી, ઉમિયા અને ગીતા આપ જ છો.
*આઠમી પંક્તિ* અષ્ટમી અષ્ટ ભુજા આઈ આનંદા, સુનિવર મુનિવર જન્મયા, દેવ દૈત્યો મા’ (દૈત્યોને હણનારી મહાકાલી આઠ ભુજાવાળી ગણાવાય છે.) હે મહાકાલી તારી જ કુખે જ દૈત્યો, શુભ-અશુભ તત્ત્વો, શ્રવણ ભક્તિ કરનારા સુનિવર અને મનન ભક્તિ કરનારા મુનિવરો પ્રગટયાં છે.
*‘નવમી નવ કુલ નાગ સેવે નવદુર્ગા, નવરાત્રિનાં પૂજન, શિવરાત્રિના અર્ચન, કીધાં હરબ્રહ્મા’* નવેનવ કુળના નાગ આપને ભજે છે અને નવદુર્ગાનું પૂજન કરે છે. શિવ અને બ્રહ્મા પણ આપની સ્તુતિ કરે છે. નવદુર્ગા એટલે અનુક્રમે શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિ.
*દસમી પંક્તિ* દસમી દસ અવતાર વિજ્યાદસમી’, રામે રામ રમાડયાં, રાવણ રોળ્યો માદશેરાના દિવસે રામે રાવણનો વધ કરેલો એટલે જ એને વિજ્યાદશમી કહે છે. હે મા, આપની કૃપાથી જ રામે રાવણનો ધ્વંશ કરેલો.
આગળની પંક્તિ *એકાદશી અગિયારસ કાત્યાયની કામા, કામદુર્ગા, કાલિકા, શ્યામને રામા’* નોરતાની અગિયારમી રાતે કાત્યાયની માનો મહિમા ગવાય છે. (શ્રીમદ્ ભાગવતમાં એવો ઉલ્લેખ છે કે , શ્રીકૃષ્ણને વર સ્વરૂપે મેળવવા ગોપીઓએ યમુના તટે કાત્યાયની માનું વ્રત કરેલું. કાત્યાયની મા મનગમતો ભરથાર મેળવી આપે છે.) શ્યામા એટલે રાધા અને રામા એટલે સીતા બંને આપ જ છો.
*બારમી પંક્તિ* બારસે બાળારૂપ, બહુચરી અંબા મા, બટુક ભૈરવ સોહિયે, કાળ ભૈરવ સોહિયે, તારાં છે તુજ માબહુચર મા બારસના દિવસે બાળસ્વરૂપે પ્રગટેલા એમ મનાય છે. બટુક ભૈરવ (ક્ષેત્રપાલ) અને કાળ ભૈરવ (સ્મશાન) એ બધાં તારા સેવકો છે. જે તમારી અડખે-પડખે શોભે છે.
*‘તેરસે તુળજારૂપ તું તારિણી માતા, બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, ગુણતારાં ગાતાં’* હે મા, તારું તેરમું સ્વરૂપ તુળજા ભવાનીનું છે. (તુળજા ભવાની મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં બિરાજેલ છે જે છત્રપતિ શિવાજીના કુળદેવી હતાં) જે સર્વજનોને તારે છે, એવી મા તારિણીના ગુણગાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવ ગાય છે.
*‘ચૌદસે ચૌદારૂપ ચંડી ચામુંડાભાવભક્તિ કંઈ આપો, ચતુરાઈ કંઈ આપો, સિંહવાહિની માતા’* શક્તિનું ચૌદમું સ્વરૂપ મા ચામુંડાનું છે. એ ચૌદ ભુવન અને ચૌદ વિદ્યાસ્વરૂપોમાં બિરાજમાન છે. એવા સિંહને વાહન તરીકે ધારણ કરનાર મા, અમને થોડાં ભક્તિભાવ અને ચતુરાઈ આપો.
*’પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરૂણા મા, વશિષ્ઠ દેવે વખાણ્યાં, માર્કંડ દેવે વખાણ્યાં, ગાયે શુભ કવિતા.'* પૂનમ એટલે પૂર્ણત. ચંદ્ર પૂરેપૂરો ખીલેલો હોય ત્યારે અમારી વિનંતી અંતરમાં કરૂણા ધારીને સાંભળજો. વશિષ્ઠ અને માર્કંડ ઋષિએ અનેક સ્તવનો દ્વારા આપનો મહિમા ગાયો છે.
*‘ત્રંબાવટી નગરી આઈ, રૂપાવટી નગરી, સોળસહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, મા દયા કરો ગૌરી’* અહીં નગરીના નામ તો પ્રતીક છે. હે મા, તમે સર્વત્ર વ્યાપેલાં છો. સોળ હજાર ગોપી સ્વરૂપ પણ આપનાં છે. પૂજા ભક્તિમાં અમારી કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો.
*અંતિમ પંક્તિ* શિવશક્તિની આરતી જે કોઈ ગાશે, ભણે શિવાનંદ સ્વામી, સુખસંપત થાશે, હર કૈલાસ જાશે, મા અંબા દુઃખ હરશેઆ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે અને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે, સર્વનું સુખ દુઃખ હરશેઆ આરતી જે કોઈ પ્રેમ-ભાવથી ગાશે એને સુખ અને સંપત્તિ પ્રાપ્ત થશે. સ્વર્ગનું સુખ મળશે. શિવપાર્વતિના ચરણમાં-કૈલાસમાં સ્થાન મળશે એવું આરતીના રચયિતા શિવાનંદ સ્વામી કહે છે.

એક રાજા પોતાના રાજ્ય મા ..માતાજી નું ભવ્ય મંદિર બનાવી રહ્યા હતા...
મંદિર બનાવા નું કામ પુર જોશ મા ચાલુ હતું....
રાજા તેના મંત્રીઓ સાથે વાત કરતા હતા...માતાજી નું મંદિર તો બનવાનું ચાલુ થઈ ગયું....પહણ તપાશ કરો..રાજ્ય મા ઉત્તમ શિલ્પકાર કોણ છે...
માતાજી ની મૂર્તિ એવી હોવી જોઈએ
કે એ મૂર્તિ નહીં..પહણ એક માઁ તેના બાળક સાથે વાત કરતી હોય તેવા તેના ભાવ અને આંખો ની નિર્મળતા હોવી જોઈએ...
મંત્રીઓ લાંબી તપાશ કર્યા પછી...
રાજા ને કહું....રાજાજી..એક શિલ્પકાર છે... પહણ એ અહીં નહીં આવે...આપને ત્યાં જવું પડશે....
રાજા સમજી ગયા ..આ કોઈ સામાન્ય શિલ્પકાર ના હોય... જે મને ત્યાં બોલાવે છે... તેની કલા અને તે વ્યક્તી ને મારે પ્રત્યક્ષ જોવી જ પડે....
રાજાજી...શિલ્પકાર ને મળ્યા...અસંખ્ય શિલ્પ જોઈ રાજા ખુશ થઈ ગયા....અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી...
માતાજી ની મૂર્તિ કેવી તેમને જોઈએ...છે.
રાજા એ સમય પૂછ્યો... કેટલો સમય લાગ સે...માતાજી ની મૂર્તિ બનાવતા?
શિલ્પકાર હાથ જોડી બોલ્યો..રાજાજી..ત્રીશ દિવશ તો
થશેજ....
રાજાજી.... કહે..મંજુર...
પહણ તેના થી મોડું ના થવું જોઈએ... કહી રાજા ત્યાં થી નીકળી ગયા...
મહિનો પૂરો થવા મા હતો..રાજા ને થયું..ચાલો મુલાકત કરી...માતાજી ની મૂર્તિ કેટલે પોહચી જોઈ આવું...
રાજા એ મુલાકાત લીધી....
શિલ્પકાર ને પૂછ્યું...માઁ ની મૂર્તિ ક્યાં છે ?
શિલ્પકાર હાથ જોડી કહે રાજાજી..હજુ મે કામ ચાલુ નથી કર્યું.....
રાજા તો એકદમ અકળાઈ ગયા...તો તું મૂર્તિ બનાવી ને કયારે આપીશ ?
મેહરાબની કરી..રાજાજી હજુ 15 દિવશ આપો...શિલ્પકાર બોલ્યો
રાજા બોલ્યા...હવે પછી ના 15દિવશ મા જો માઁ ની મૂર્તિ તૈયાર ના થાય તો... તને રાજ્ય નો અપરાધી ગણી.. મૃતયુ દંડ આપવા મા આવશે..કહી રાજાજી જતા રહ્યા....
રાજા જયારે 15દિવશ પછી આવ્યા...
અને એજ શિલ્પકાર નો જૂનો જવાબ સાંભળી...રાજા એ તલવાર ઉપર હાથ મૂકી...કહે....
તું..તારી જાત ને સમજે છે...શુ ?
સમગ્ર રાજ્ય નો ધણી.. તારા આંગણે.. ત્રણ વખત વિનંતી કરવા આવે છે..અને તું..તેનો ઠંડો પ્રતિસાદ આપે છે.....તને તારા મૃતયુ નો પણ ડર નથી...?
શિલ્પકાર હાથ જોડી..શીશ ઝુકાવી બોલ્યો....રાજાજી. હું આપનો ગુનેગાર છું...આપ મારો સિરછેદ કરી શકો છો..
મતલબ... તું મૃતયુ સ્વીકારીશ પહણ માઁ ની મૂર્તિ નહીં બનાવે એમજ ને....રાજાજી બોલ્યા..
શિલ્પકાર... ઉભો થયો...હાથ જોડી બોલ્યો.... રાજાજી.. આપતો..એક રાજ્ય માટે ઉમદા કાર્ય કરવા જઈ રહા છો...
આપ જાણો છો...મે મારી સમગ્ર કારકિર્દી અને ઉંમર.... નર્તકીઓ ની શિલ્પ જ કંડારવા મા કાઢી છે...
આજે આપે મને .".માઁ."..ની મૂર્તિ બનાવા ની કીધી છે..કોઈ નર્તકી કી નહીં...
રાજાજી ...જ્યાં સુધી મારી આંખો મા પવિત્રતા..માઁ પ્રત્યે ની ભાવના અને મારી આંખો માં આદર ભાવ નહીં આવે ત્યાં...સુધી...હું આ ભગીરથ કાર્ય કહી રીતે કરી શકું ?
45 દિવશ થી હું .."માઁ" ..ની ઉપાશના જ કરું છું....
આંખો માથી વિકાર..દૂર કરી.. માઁ પ્રત્યે ની ભાવના ને હું જાગૃત કરી રહયો છું....
રાજાજી..મૂર્તિ તો હું ચોવીશ કલાક મા ત્યાર કરી શકું.... તેમ છું...પહણ આપને જોવે છે..તેવી...માઁ ની મૂર્તિ માટે...હું માનસિક ત્યાર થઈ રહ્યો છું.....
સમગ્ર રાજ્ય ની જનતા... અને એ જનતા નો ધણી.. જ્યાં માથું નમાવા નો હોય ત્યાં....મારી પહણ કોઈ જવબદારી અને ફરજ બની જાય છે..રાજાસાહેબ..
રાજા એ તલવાર ઉપર થી હાથ લઈ.. શિલ્પકાર ના માથે હાથ મુક્યો.... અને બોલ્યા...
ધન્ય છે તારી કલા ને....તે તારી કલા ફક્ત વેહચવા માટે નથી બનાવી.. તેનો મને ગર્વ છે...
મંદિર નું નિર્માણ ભલે પૂરું થઈ જાય....પહણ "માઁ" તારા દ્વારે થી જ આવશે...જા તને કોઈ સમય બંધન નથી....
તું મુક્ત છે...
રાજાજી...મંત્રી ઓ સામે જોઈ..બોલ્યા...
કોઈ પહણ સ્થાન ગ્રહણ કરવું સહેલું છે..
પહણ તેને યોગ્ય બનવું એક તપશ્રૈયા છે...
હું એક રાજા છું...એટલે પ્રજા મને હાથ જોડે...
એ ખોટુ છે...કારણ કે તે નમે છે..માત્ર ભય થી...
મારી શક્તી થી..
પ્રજા જયારે મને નમે ..મારા સદગુણો થી,
મારા સંસ્કાર થી, મારી ન્યાય કરવા ની નિતી થી....
ત્યરે જ હું એક આદર્શ રાજા તરીકે સફળ કહેવાઉં..
ધન્ય છે આ શિલ્પી ને.... યોગ્યતા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી કાર્ય નહીં કરું...ચાહે મૃત્યુ કેમ ના મળે....
ફક્ત મંદિર નું નિર્માણ કરવા થી દેશ ની પ્રગતિ નથી થવાની
વિચારો.. અને સંસ્કાર પણ બદલવા પડે..
હું રાજા છું..હું જ સાચો છું..એ માનસિકતા અને ઘમંડ
મા થી બહાર આવુ પડે...
ત્યરે એક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ થાય.
જય માતાજી
गरबा रमवुं एटले शुं  ? ●
ગરબો તે બ્રહ્માંડ  નૂ પ્રતિક છે ..
ગરબા મા 27 છિદ્ર  હોય છે.
નવ નવ ની ત્રણ લાઈન એટલે
27 છિદ્ર તે 27 નક્ષત્ર છે..
એક નક્ષત્ર ને ચાર ચરણ હોય છે.
 27×4=108
નવરાત્રી મા ગરબા ને મધ્ય મા રાખી
108 વખત ગરબી રમવાથી અથવા
ઘૂમવાથી બ્રહ્માંડ ની પ્રદિક્ષણા કરવાનૂ પૂણ્ય મળે છે..
ગરબા રમવાનું મહાત્મ્ય આ છે.


માઁ દુર્ગાના નવ સ્વરૂપો 

નવરાત્રિ આખા ભારતમાં ખુબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસની અંદર આપણે પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીની નવ દેવીઓના રૂપમાં પુજા કરીએ છીએ. પહેલા દિવસે પાર્વતીના ત્રણ સ્વરૂપ (કુમાર, પાર્વતી અને મહાકાલી) આગલના ત્રણ દિવસોમાં લક્ષ્મી માતાના સ્વરૂપોની અને પાછલા ત્રણ દિવસોમાં સરસ્વતીના ત્રણ રૂપોની પુજા કરવામાં આવે છે. આ ત્રણેય દેવીઓ શક્તિ, જ્ઞાન અને સંપદાનું પ્રતિનિધિત્વ કરે છે. તો આ નવ રૂપો વિશે થોડુક જાણીએ.


.
પહેલા દિવસે દુર્ગા શૈલીપુત્રી
આદિશક્તિ દુર્ગાનું પહેલું સ્વરૂપ શ્રી શૈલીપુત્રીનું છે. આ પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાથી તેને શૈલીપુત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે આની આરાધના અને પુજા કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મુલાધાર ચક્ર જાગ્રત થાય છે જેના દ્વારા સાધકને ચક્ર જાગ્રત થવાથી મળતી સિધ્ધીઓ તેની જાતે જ પ્રાપ્ત થઈ જાય છે.

બીજા દિવસે દુર્ગા શ્રી બ્રહ્મચારિણી
આદિશક્તિ દુર્ગાનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. અહીંયા બ્રહ્મચારિણીનું તાત્પર્ય તપશ્ચારિણી છે. તેમણે ભગવાન શંકરને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરવા માટે ઘોર તપસ્યા કરી હતી. એટલા માટે તે તપશ્ચારિણી અને બ્રહ્મચારિણીના નામથી ઓળખાય છે. નવરાત્રિના બીજા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મનુષ્યને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃધ્ધી થાય છે. તેમજ મન પણ કર્તવ્ય પથ પરથી વિચલીત થતું નથી.

ત્રીજા દિવસે દુર્ગા શ્રી ચંદ્રઘંટા
આદિશક્તિ દુર્ગાનું ત્રીજુ રૂપ એટલે શ્રી ચંદ્રઘંટા. આમના મસ્તક પર ઘંટના આકારનો અર્ધચંન્દ્ર છે. એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. નવારત્રિના ત્રીજા દિવસે આ દેવીની પુજા અર્ચના કરવામાં આવે છે. આમની પુજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે અને તેના દ્વારા મળતી સિધ્ધિઓ તેની જાતે જ મળી જાય છે તેમજ સાંસારિક કષ્ટોથી મુક્તિ મળી જાય છે. 
W.D
ચોથા દિવસે દુર્ગા શ્રી કૂષ્માંડા
આદિશક્તિ દુર્ગાનું ચોથું સ્વરૂપ એટલે શ્રી કૂષ્માંડા. પોતના ઉદરમાંથી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે. કુષ્માંડા દેવીના પુજનથી અનાહત ચક્ર જાગૃતિની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. શ્રી કુષ્માંડાની ઉપાસના કરવાથી બધા જ રોગો અને કષ્ટો નાશ પામે છે. આમની ભક્તિથી આયુષ્ય, બળ અને આરોગ્યની વૃધ્ધી થાય છે.

પાંચમા દિવસે દુર્ગા શ્રી સ્કંદમાતા
આદિશક્તિ દુર્ગાનું પાંચમુ રૂપ એટલે શ્રી સ્કંદમાતા છે. શ્રી સ્કંદ (કુમાર કાર્તિકેય) ની માતા હોવાને કારણે તેમને શ્રી સ્કંદમાતા કહેવામાં આવે છે. નવરાત્રિના પાંચમા દિવસે આમની પુજા-અર્ચના કરવામાં આવે છે. તેમની આરાધના કારવાથી વિશુધ્ધ ચક્રથી પ્રાપ્ત થનાર સિધ્ધિઓ મળે છે. તેમજ મૃત્યુંલોકમાં જ સાધકને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે.
આને માટે મોક્ષનો દ્વાર તેની જાતે જ સુલભ થઈ જાય છે.


છઠ્ઠા દિવસે દુર્ગા શ્રી કાત્યાયની
આદિશક્તિ દુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ એટલે શ્રી કાત્યાયની. મહર્ષી કાત્યાયનીની તપસ્યાથી પ્રસન્ન થઈને આદિશક્તિએ તેમના ઘરે પુત્રી સ્વરૂપે જન્મ લીધો હતો. એટલા માટે તે શ્રી કાત્યાયની કહેવાય છે. નવરાત્રિના છઠ્ઠા દિવસે આનમી પુજા અર્ચના કરવામાં આવે છે. શ્રી કાત્યાયનીની ઉપાસના કરવાથી આજ્ઞા ચક્ર જાગૃત થવાથી સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે આ લોકમાં રહીને પણ અલૌકીક તેજ અને પ્રભાવ મેળવે છે. તેમજ તેના રોગ, ભય, સંતાપ, શોઅક, નએ બધી જ વ્યથાઓનો નાશ થઈ જાય છે.

સાતમા દિવસે દુર્ગા શ્રી કાલરાત્રિ
આદિશક્તિ શ્રીદુર્ગાનું સાતમું સ્વરૂપ એટલે શ્રી કાલરાત્રિ છે. આ કાળનો નાશ કરનારી છે. એટલા માટે કાલરાત્રિ કહેવાય છે. નવરાત્રિના સાતામા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત ભાનુ ચક્ર (કપાળની વચ્ચે) સ્થિર કરીને સાધના કરવી જોઈએ. શ્રી કાલરાત્રિની સાધના કરવાથી સાધકને ભાનુ ચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ તેની મેળે જ પ્રાપ્ત થઈ જાય છે.

આઠમા દિવસે દુર્ગા શ્રી મહાગૌરી
આદિશક્તિ દુર્ગાનું આઠમું સ્વરૂપ એટલે શ્રી મહાગૌરી. આમનો વર્ણ ગોરો છે એટલા માટે તેમને મહાગૌરી કહેવામાં આવે છે. નવરાત્રિના આઠમા દિવસે આમની પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનું ચિત્ત સોમચક્ર ઉર્ધ્વ લલાટ પર સ્થિર કરીને સાધના અરવી જોઈએ. શ્રી મહાગૌરીની આરાધના કરવાથી સોમચક્ર જાગૃત થવાથી તેની સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. આમની ઉપાસના કરવાથી અસંભા કાર્ય પણ સંભવ બની જાય છે.

નવમા દિવસે દુર્ગા શ્રી સિદ્ધિદાત્રી
આદિશક્તિ શ્રી દુર્ગાનું નવમું સ્વરૂપ એટલે શ્રી સિદ્ધિદાત્રીનું છે. આ બધા જ પ્રકારની સિધ્ધિઓની દાત્રી છે એટલા માટે તેને સિદ્ધિદાત્રી કહેવામાં આવે છે. નવરાત્રિના નવમા દિવસે આમની પુજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે સાધકે પોતાનિં ચિત્ત નિર્વાણ ચક્ર એટલે કે મધ્ય કપાળમાં કરીને સાધના કરવાથી તેને બધા જ પ્રકારની સિધ્ધિની પ્રાપ્તિ થાય છે. સૃષ્ટીમાં કઈ પણ તેના માટે અગમ્ય નથી રહી જતું. 

                         08.10.2010 Garabo….1
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે
સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..
ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત
ચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાત
જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ
તમે જોગનીયો સંગ
કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે..
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..
ચારે જુગના ચૂડલા મારો સોળે કળાનો વાન
અંબાના અણસારા વિના હાલે નહીં પાન
માના રૂપના નહીં જોડ એને રમવાના છે કોડ
માની ગરબા કેરી કોર
કે માએ ગરબો ચગાવ્યો ચાતર ચોકમાં રે..
માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..

09.10.2010 Garabo….2
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ
હે ગરબો જોવાને ગજાનન આવિયા રે લોલ
સાથે રિધ્ધિ સિધ્ધિને તેડી લાવિઆ રે લોલ
હે ગરબો જોવાને ઇન્દ્ર આવિયા રે લોલ
સાથે રાણી ઇન્દ્રાણીને લાવિઆ રે લોલ
હે ગરબો જોવાને ચંદ્રમા આવિયા રે લોલ
સાથે રાણી રોહિણીને લાવિઆ રે લોલ
હે ગરબો જોવાને બ્ર્હમાજી આવિયા રે લોલ
સાથે રાણી બ્ર્હમાણીને લાવિઆ રે લોલ
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
એની તાળી પડે છે ત્રિલોકમાં રે લોલ

                          10.10.2010 Garabo…....3
            આશા ભર્યા તે અમે આવિયાં
                   આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

શરદપૂનમની રાતડી ને
કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે
આવેલ આશા ભર્યા
           આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા
              વૃંદા તે વનના ચોકમાં
કંઈ નાચે નટવરલાલ રે
આવેલ આશા ભર્યા

આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા
              જોતાં તે વળતાં થંભિયાં
ઓલ્યા નદિયું કેરા નીર રે
આવેલ આશા ભર્યા
             આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા
              અષ્ટકુળ પર્વત ડોલિયા ને
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે
આવેલ આશા ભર્યા
            આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા
           મેતા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખો ચરણની પાસ રે
આવેલ આશા ભર્યા
            આશા ભર્યા તે અમે આવિયાં
ને મારે વાલે રમાડ્યા રાસ રે
આવેલ આશા ભર્યા

                   11.10.2010 Garabo…....4
       આસમાની રંગની ચૂંદડી રે 
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે, માની ચૂંદડી લહેરાય
નવરંગે રંગી ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે હીરલા રેહીરલા રે, માની ચૂંદડી લહેરાય
શોભે  મજાની ચૂંદડી રે,     ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
ચૂંદડીમાં ચમકે મુખડું રે,    મુખડું રે, માની ચૂંદડી લહેરાય
અંગે દીપે છે ચૂંદડી રે,     ચૂંદડી  રે, માની ચૂંદડી લહેરાય
પહેરી ફરે ફેર ફૂદડી રેફેર ફૂદડી રે, માની ચૂંદડી લહેરાય
લહરે પવન ઊડે ચૂંદડી રેચૂંદડી રે, માની ચૂંદડી લહેરાયઆસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે, માની ચૂંદડી લહેરાય
  

   12.10.2010…….Garabo……5
ચોખલિયાળી ચૂંદડી
             ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને
               સોળે   શણગાર   સોહે
માડીમાં મન મારું મોહે
અનંતની ઓઢી ઓઢણી મા ગરબે ઘૂમવા આવો ને
          ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને
         ગગનગોખમાં ગરબે ઘૂમે તારલિયું રળિયાત 
સંગે શોભે નાથ સુધાકર પૂનમ કેરી રાત મા ગરબે ઘૂમવા આવો ને
        ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો ને
             ચોરે ને ચૌટે માનાં કંકુ વેરાણાં
ગોખે ગોખે જ્યોતિ ઝબકે છાંટણાં છંટાયા
તાળી કેરા તાલે માડી ગરબે ઘૂમવા આવો ને
        ચોખલિયાળી ચૂંદડી મા ગરબે ઘૂમવા આવો ને
રંગ રઢિયાળી  રાત મા ગરબે ઘૂમવા આવો 

   
 13.10.2010…….Garabo……6
ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના
        ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
  ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
   પૂનમની રાતડી ને આંખડી ઘેરાય ના, આંખડી ઘેરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
      હો....ચમકતી ચાલ અને    ઘૂઘરી ઘમકાર
હો....નૂપુરના  નાદ સાથે તાળીઓના તાલ
  ગરબે ઘૂમતા માંને કોઈથી પહોંચાયના, કોઈથી પહોંચાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
       હો....વાંકડિયા વાળ અને ટીલડી લલાટ
હો....મોગરાની વેણીમાં    શોભે ગુલાબ
નીરખી નીરખીને મારું મનડું ધરાય ના, મનડું ધરાય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
       હો....સોળે શણગાર સજીરૂપનો અંબાર બની
હો....પ્રેમનું આંજણ આંજી, આવી છે માડી મારી
આછી આછી ઓઢણીમાં રૂપ માંનુ માય ના, તેજ માંનુ માય ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના
 
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના
રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના

 

   
  
14.10.2010…….Garabo……7
         મા પાવા તે ગઢથી 
 મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
માએ વસાવ્યું ચાંપાનેર, પાવાગઢવાળી રે
             મા ચાંપા તે નેરના ચાર ચૌટા મા કાળી રે
સોનીએ માંડ્યાં હાટ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
 
મા સોનીડો લાવે રૂડાં ઝૂમણાં, મા કાળી રે
મારી મા અંબેમાને કાજ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
           મા માળી તે આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગજરાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
           મા કુંભારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે ગરબાની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
            મા સુથારી આવે મલપતો, મા કાળી રે
એ તો લાવે છે બાજઠની જોડ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે
             મા ગાય શીખે ને જે સાંભળે, મા કાળી રે
તેની અંબામા પૂરજો આશ, પાવાગઢવાળી રે
મા પાવા તે ગઢથી ઊતર્યા, મા કાળી રે

   
  
                          15.10.2010………..Garbo…..8
હે મારે મહિસાગરને આરે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
ગામ ગામનાં સુથારી આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માનો બાજોઠીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
ગામ ગામનાં દોશીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારી માની ચુંદડીયો લાવે સે
મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારે મહિસાગરને આરે ઢોલ વાગે સે
 



 
 
                         16.10.2010………..Garbo…..9
                                 રંગે રમે આનંદે રમે

              રંગે  રમે આનંદે રમે રે

આજ નવદુર્ગા રંગે રમે

આદિત્યે આવિયા અલબેલી
મંડપમાં  મતવાલા રે  ભમે
રંગે  રમે આનંદે રમે રે
આજ નવદુર્ગા રંગે રમે

સોળે શણગાર માના અંગે સુહાવે
હીરલા રતન  માને અરૂણા  સમે
આજ નવદુર્ગા રંગે રમે

મંગળવારે માજી છે ઉમંગમાં
ચાચર આવીને  ગરબે  રમે
આજ નવદુર્ગા રંગે રમે

બુધવારે માજી  બેઠા વિરાજે
રાસ વિલાસ માએ ગાયો છે
આજ નવદુર્ગા રંગે રમે

ગુરુવારે મા ગરબે રમે છે
ચંદન પુષ્પ તે માને  ગમે
આજ નવદુર્ગા રંગે રમે

શુક્રવારે માજી ભાવ ધરીને
હેતે  રમે  તે  માને   ગમે
આજ નવદુર્ગા રંગે રમે

શનિવારે  મહાકાળી  થયા  છે
ભક્ત ભોજન માને ગમતા જમે
આજ નવદુર્ગા રંગે રમે

વલ્લભ કહે માને ભાવે ભજો ને
રાસ વિલાસ  ગાયો સૌએ અમે
આજ નવદુર્ગા રંગે રમે 




            17.10.2010………..Garbo…..10
        રૂડે ગરબે રમે છે દેવી અંબિકા 
 
રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે લોલ
પાય વાગે છે ઘુઘરીના ઘમકાર રે લોલ
 
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
 
આકાશમાંથી સૂર્ય જોવા આવીયા રે લોલ
સાથે દેવી રન્નાદેને લાવીયા રે લોલ
 
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
 
આકાશમાંથી ચંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી રોહીણી ને લાવીયા રે લોલ
 
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
 
ઈંદ્રલોકમાંથી ઈંદ્ર જોવા આવીયા રે લોલ
સાથે દેવી ઈન્દ્રાણીને લાવીયા રે લોલ
 
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
 
સ્વર્ગમાંથી વિષ્ણુ જોવા આવીયા રે લોલ
સાથે દેવી લક્ષ્મીજીને લાવીયા રે લોલ
 
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
 
બ્રહ્મ લોકમાંથી બ્રહ્મ જોવા આવિયા રે લોલ
સાથે દેવી બ્રહ્માણીને લાવીયા રે લોલ
 
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ
 
પાતાળમાંથી શેષ નાગ આવીયા રે લોલ
સાથે સર્વે નાગણીઓને લાવીયા રે લોલ.
 
રૂડે ગરબે રમે દેવી અંબિકા રે લોલ


ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.
ચડવા તે ઘોડો હંસલો રે, રાજાના કુંવર,
પીતળિયા પલાણ રે. મોરલી…..
બાંયે બાજુબંધ બેરખા રે, રાજાના કુંવર,
દસેય આંગળીએ વેઢ રે. મોરલી…..
માથે મેવાડાં મોળિયાં રે, રાજાના કુંવર,
કિનખાબી સુરવાળ રે. મોરલી…..
પગે રાઠોડી મોજડી રે, રાજાના કુંવર,
ચાલે ચટકતી ચાલ્ય રે. મોરલી….
ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર !
હાલો ને જોવા જાયેં રે
મોરલી વાગી રે, રાજાના કુંવર.

                             એક વણઝારી ઝૂલણાં ઝૂલતીતી,
મારી અંબેમાંના ઝૂલણાં ઝૂલતીતી.
માએ પહેલે પગથીયે પગ મૂક્યો,
માની પાની સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
માએ બીજે પગથીયે પગ મૂક્યો,
માનાં ઘૂંટણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માનાં ઢીંચણ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
માએ ચોથે પગથીયે પગ મૂક્યો,
માના સાથળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
માએ પાંચમે પગથીયે પગ મૂક્યો,
માની કેડ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો,
માની છાતી સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
માએ સાતમે પગથીયે પગ મૂક્યો,
માનાં ગળાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
માએ આઠમે પગથીયે પગ મૂક્યો,
માનાં કપાળ સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
માએ નવમે પગથીયે પગ મૂક્યો,
માનાં માથાં સમાણાં નીર મોરી માત;
વણઝારી ઝૂલણાં ઝૂલતીતી.
એક વણઝારી
સંકલિત....
ક્યાં છે મારે રૂપસીંગભાઈના ગોરી