Saturday, July 15, 2017

(૫૨)..ઈશ્વરનું કયું સર્જન શ્રેષ્ઠ ? …

૧૫/૦૭/૨૦૧૭...(૫૨)..ઈશ્વરનું કયું સર્જન શ્રેષ્ઠ ? …- ડૉ. ગીતા ગીડા
                              
                                   સંકલિત......                              ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...

માનવી એ ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. બીજા બધાં જીવો તેનાથી નિમ્નકક્ષાના છે. આ માન્યતાને ખોટી પુરવાર કરી; પશુ પંખીમાં કેટલીક અજાયબી ભરેલી છે તેવું અનેક વાર સાબિત થઇ ચૂક્યું છે. અશ્વો અને તેની વફાદારી પર તેના માલિકો ઓળઘોળ થઇ ગયાં હોય એવાં અનેક ઉદાહરણો છે. માનવી કરતાં પણ પશુ-પક્ષી પર વધારે ભરોસો કરનાર જ્યારે કોઈ માણસ મળે અને એ પણ એટલી હદે કે તેના જીવનમાં માણસ માટે બહુ ઓછો અવકાશ હોય ત્યારે ખરેખર આશ્ચર્ય થાય !
પૂનામાં મારી એક સહેલીને ત્યાં હું ગયેલી. તેમનું પાડેલું કૂતરું આલ્શેસિયન બીમાર પડ્યું. બેક દિવસના ઘરગથ્થુ ઈલાજ પછી પણ તે કંઈ ખાતું નહોતું. મારી બહેનપણી, તેનો ભાઈ અને હું મોટરમાં તેને લઇ બાજુના ગામમાં ડોક્ટરને બતાવવા ગયાં. રસ્તામાં મારી બહેનપણીએ મને આ ડોક્ટરઉજ્જવલાતાઈ વિશે કહ્યું કે તેઓ કોઈ ડિગ્રી ધરાવતા નથી, પરંતુ તેમને પશુ-પંખી વિશે ખૂબ જ ઊંડો અભ્યાસ અને અનુભવ છે. આસપાસના બધાં જ લોકો તેમનાં પશુ-પંખી બીમાર પડે ત્યારે તેમની પાસે લઇ જાય છે આ ઉજ્જવલાતાઈ વિશે મારા મનમાં ઘણી ઉત્સુકતા ઉદ્ભવી.

ગાય, બકરી વગેરે લીલોતરી ચરી રહ્યા હતા અને ગીચોગીચ વૃક્ષોની વચ્ચે પક્ષીઓના કલરવમાં એક નાનું એવું મકાન હતું ત્યાં અમારી મોટર ઊભી રહી. દરવાજામાં જ સુરતી સાડી પહેરેલી સફેદ વાળવાળી મધ્યમ કાળની એક સ્ત્રી ઊભી હતી. ઉજ્જવલાતાઈ સાથે મરાઠીમાં મારી સાથે આવેલા બંધુઓએ વાત કરી. અમારા કૂતરાને લઈને તેઓ અંદર ગયાં. અમે આગલા રૂમમાં બેઠા. એક નાનું કૂતરું ત્યાં આવ્યું. એણે બે પગે થઇ ફ્રિજ ખોલ્યું. બે ઠંડા પીણાની બોટલ કાઢી, ધીમે ધીમે ચાલીને આવ્યું. બે આગલા પગમાં બાટલી પકડી બે પાછલા પગ પર ચાલીને આવ્યું. આમારી સામે ટેબલ પર બાટલી મૂકી, તેવી જે રીતે અંદરથી બોટલ ખોલવા માટે ઓપનર લાવ્યું ! તેઓ રસોડામાં ગયાં એટલે કૂતરાએ તેમની પાસે તપેલી, ચમચો બધું જ મૂક્યું, તેમણે બારીમાંથી ઝાડ પર બે પોપટ બેઠા હતા તેમને કંઈ કહ્યું, થોડી વાર થઇ  એટલે ઘણા પોપટ ભેગા થઇ, ઓશરીમાં એક કપડા પર થોડા ચોખા સુકવ્યા હતા તે કપડું ચાંચમાં પકડી રસોડા સુધી ઢસડી લાવ્યા ! તેઓ રસોડામાં આવ્યા એટલે તાઈ થોડા લાલ મરચાં ફેંકાયા એ એક પછી એક એમ શિસ્તબદ્ધ રીતે પોપટે લીધા ! આવી તો અનેક અજાયબીઓ અમે જોઈ ! 
અમે પાછા ફરતા હતા ત્યારે મારી બહેનપણીએ કહ્યું, લગભગ દસેક વર્ષથી ઉજ્જવલાતાઈ આ ગામમાં રહે છે. તેમના વિશે કોઈ કંઈ જાણતું નથી. તેમણે માનવ સંપર્ક બહુ ઓછો છે. તેઓ પશુ-પંખી સાથે જ વાતચીત કરે છે અને આ જંગલમાં એકલાં જ રહે છે. તેમના વિશે જાણવાની મારી ઉત્સુકતા વધી ગઈ. 
પૂનાથી મારે મુંબઈ પાછું ફરવાનું હતું. હું આગલે દિવસે નીકળી ગઈ. ઉજ્જવલાતાઈને ત્યાં હું ગઈ ત્યારે તેમણે મને મરાઠીમાં પૂછ્યું, ‘હવે તમારા આલ્શેસિયનને કેમ છે ?’ મેં હિન્દીમાં કહ્યું, તેને સારું છે પરંતુ મારા મનમાં થોડી બેચેની છે ! તેમણે શરૂમાં તો મારી વાત પર બહુ લક્ષ ન આપ્યું. હું તેમનાં પશુ-પંખીના કાફલા માટે થોડું ખાવાનું લઇ ગઈ હતી તે આપ્યું. સૌરાષ્ટ્રમાં અમારી જ્ઞાતિમાં અશ્વોની પરંપરા અને તેના મહત્વ વિશે વાત કરી. એમને મજા આવી. તેઓ થોડું હિન્દી સમજતાં હતા. પછી ધીમેધીમે તેઓ ખુલ્યા અને મારી સાથે તેમની જિંદગી વિશે વાત કરી. તેઓ રુઢિચુસ્ત કુટુંબના હતા. શાળાના પ્રવાસમાં એક યુવક સાથે પરિચય થતાં તેની સાથે તેઓ ઘર છોડી જતાં રહ્યાં. તેમના પિયરવાળાએ તેમને મૃત થયેલા જાહેર કર્યા. માતા-પિતાના કહેવાથી પેલો યુવક બીજે પરણી ગયો. સાસરી અને પિયર બંને પક્ષેથી તરછોડાયેલી આ યુવતી આખી રાત ઘરની બહાર બેઠી રહી. તેની સાથે એક કૂતરું પણ બેઠું રહ્યું. સવારે સાડી ખેંચી કૂતરું સામેની ડેલીમાં તેને લઇ ગયું. ત્યાંના વેટરનરી સર્જને આ યુવતીને પશુનું ધ્યાન રાખવા માટે રાખી લીધી.
 સંકલિત
ઉજ્જવલાતાઈને પશુઓ સાથે એવી પ્રીત થઇ ગઈ કે તેઓ પશુની ભાષા અને સંવેદનાઓ સમજવા લાગ્યાં. તેમની લગનથી ડોક્ટરનું કાર્ય પણ દીપી ઊઠ્યું. પશુઓ જલદી સાજા થવા લાગ્યાં. પશુઓને તાલીમ આપી પોતે જુદુ ઘર આ ગામમાં વસાવ્યું. આમ તેમનો પશુઓ સાથેનો સંસાર ચાલવા માંડ્યો. વેટરનરી સર્જન મૃત્યુ પામ્યા એટલે ત્યાંનાં બધાં પશુઓને  પણ પોતે અહીં લાવ્યાં. ડોક્ટરનું એ દવાખાનું વેચ્યું, તેની રકમ આવી અને પોતે સારી ખ્યાતિ પ્રાપ્ત કરેલી એટલે પૂનાની આસપાસનો વિસ્તાર તેમની પાસે ચિકિત્સા માટે આવતો. આમ તેમને આર્થિક રીતે પણ મુંઝવણ ન હતી. જેમ માણસ સ્વજનો વચ્ચે રહે તેમ આ બાઈ પશુઓ સાથે રહેતી હતી. તેના મુખમંડળ પર અપાર સુખ-શાંતિ હતા.

પોતાના જ માણસો દ્વારા તરછોડાયેલી આ બાઈએ પશુઓ સાથે કેટલું ઐક્ય કેળવ્યું અને સમગ્ર જીવન પશુઓ સાથે વિતાવ્યું. ઉજ્જવલાતાઇની યાદ આવે છે ત્યારે ઉપરવાળાને પ્રશ્ન પુછાઈ જાય છે ‘હે પ્રભુ, તારું કયું સર્જન શ્રેષ્ઠ ?’No comments: