Thursday, July 27, 2017

(૬૨)... “ભણના” તો અંગ્રેજીમેં જ ચાહીએ?...જય ત્રિવેદી...

૨૭/૦૭/૨૦૧૭...(૬૨)... ભણનાતો અંગ્રેજીમેં જ ચાહીએ?....જય ત્રિવેદી...


એક જોક હતી..

એકવાર એક ઉંદરડી એના બચ્ચા સાથે ક્યાંક જતી હતી. અચાનક એક બિલાડી પાછળ દોડી. ઉંદરડીએ તરત કૂતરા જેવો અવાજ કાઢ્યો, એ સાંભળીને બિલાડી નાસી ગઈ. ઉંદરડીએ તેના આશ્ચર્યચકિત બચ્ચાને કહ્યું. બેટા, આ છે સેકન્ડ લેંગ્વેજશીખવાનો ફાયદો.વાત સાચી છે. પણ એ બીજી ભાષા બીજી રહેવી જોઈએ. જો ઉંદરડી એની પોતાની ભાષા ભૂલી જશે તો એ નહિ ઉંદર રહે કે નહિ બિલાડી બને. આજકાલ અંગ્રેજી ભાષાના ગુણગાન ગાવાનો મેનિયાફેલાયેલો છે. અંગ્રેજી હવે અનિવાર્ય બની રહી છે તેની પણ ના નથી. પણ શું એના માટે શિક્ષણ અંગ્રેજીમાં હોવું ફરજીયાત છે? મને તો એવું નથી લાગતું. હું પોતે ભાવનગરની શ્રી દક્ષિણામૂર્તિ વિનયમંદિરમાં સંપૂર્ણ ગુજરાતી માધ્યમમાં ભણ્યો છું અને મને અંગ્રેજીમાં વ્યવહારની જરૂર પડે ત્યારે જરાય મુશ્કેલી પડતી નથી. શિક્ષણ માતૃભાષામાં હોય તેથી બીજી ભાષા અઘરી નહિ, સહેલી બને છે. કારણકે ભાષામાં વ્યક્ત કરવા માટે વિચારો હોવા જરૂરી છે. અન્ય ભાષામાં અસરકારક વ્યવહારો માટે વિચારો પણ તે જ ભાષામાં આવવા જોઈએ. હંમેશા જોઈ શકાશે કે અંગ્રેજી બોલનાર વ્યક્તિ જો અંગ્રેજીમાં જ વિચારે તો જ એની ભાષા અને શબ્દપસંદગી યોગ્ય અને અસરકારક બને. ગુજરાતીમાં વિચારે અને અંગ્રેજીમાં ભાષાંતર કરીને એ વિચારોને વ્યક્ત કરે તે વ્યક્તિ ક્યારેય અંગ્રેજીમાં અસરકારક સંભાષણ નહિ કરી શકે. અને મુશ્કેલીઓ ત્યાંથી જ શરૂ થાય છે. બાળક (કોઈપણ હોય, ગુજરાતી કે અન્ય) હંમેશા પોતાની ભાષામાં જ વિચારવાનું શરૂ કરે છે, કારણ કે તેની આસપાસ વાતાવરણ એ જ પ્રકારનું હોય છે. ઘરમાં અને આસપાસ બધે એને ગુજરાતી સાંભળવા મળે ત્યારે તેનું શબ્દભંડોળ અને વિચારો બન્ને ગુજરાતીમાંવિકસે છે. પછી જ્યારે તેને ગુજરાતીમાં નહિ પણ અંગ્રેજીમાં અભિવ્યક્તિ માટે જ પ્રોત્સાહન અપાય ત્યારે એ ભાષાંતરકરે છે અને એ વિચિત્ર બને છે. આજકાલમાં માતા-પિતા બાળકને અંગ્રેજી જ શીખવવાનો આગ્રહ રાખે અને પછી જ્યારે લારીવાળા પાસેથી ફળ ખરીદવાના હોય, ત્યારે એ બાળક કહેશે, “મમ્મી, મને ટુ બનાના જોઈએ છે.”  નહિ એ બાળક ગુજરાતી રહે, નહિ એ અંગ્રેજીભાષી બની શકે. બહેતર એ છે કે એને પહેલા ગુજરાતીમાં જ સ્વાભાવિક રીતે વિકસવા દો અને પછી તેને પોતાની ભાષાના માધ્યમથી અન્ય ભાષાઓ શીખવા અને માણવા દો. નહિ તો આવા અધકચરું ગુજરાતી-અંગ્રેજી ભણેલા બાળકોની હાલત શું થાય એ મને આજે જ જોવા મળ્યું. મારા સાયબરકાફેમાં હું કોલેજના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ-રિપોર્ટ્સ ટાઈપ કરી આપવાનું જોબવર્કપણ કરું છું. આજે જ અંગ્રેજી માધ્યમમાં  માસ્ટર્સ ડીગ્રી કરી રહેલા વિદ્યાર્થીઓનો એક રિપોર્ટ મારે બનાવી આપવાનો હતો તેમાં નીચેના નમૂના વાંચવા મળ્યા.

“There is a ‘sivan class’ running by this organization to empower women so they can stand on her own legs.”
“We aware about which type of hurdles have to face in this type of project.”
“During these days we such realized that how important roll of NGO in a society.”
આ બધા નમૂનામાં સ્પેલીંગ પણ જેમના તેમ રહેવા દીધા છે. સ્પષ્ટ છે કે તેઓ ગુજરાતીમાં વિચારે છે અને અંગ્રેજીમાં ફેરવે છે. ગુજરાતી દ્વારા અંગ્રેજી શીખ્યા નથી, એટલે શબ્દોનું જ્ઞાન નથી. અંગ્રેજી તેમની સ્વાભાવિક ભાષા નથી, એટલે વ્યાકરણ કે જોડણી અંગે ખાસ કંઈ જાણતા નથી. તો આવા લોકો શું બને છે અંતે? “ધોબીના..?”

ફરીવાર, અંગ્રેજી જરૂરી છે, પણ માતૃભાષા સ્વાભાવિક છે એટલે એને તરછોડ્યે ચાલશે નહિ. શિક્ષણ માતૃભાષામાં હશે તો જ એ માત્ર ગોખણીયું ન બની રહેતા સ્વાભાવિક અને સમજણભર્યું બનશે. બધી વાતમાં વિદેશોથી અંજાયેલા આપણા લોકો એ કેમ નથી જોતા કે કેટલાયે વિદેશી મહાનુભાવો આપણે ત્યાં પધારે છે ત્યારે પોતાની ભાષામાં જ બોલતા હોય છે અને દુભાષીયાની મદદથી જ વાતચીત કરે છે? એમાં એમને શરમાવા જેવું કંઈ નથી લાગતું તો આપણને આપણી ભાષાની શરમ શા માટે લાગે છે?
અંગ્રેજી શીખીએ જરૂર. પણ ભણવાનું આપણી ભાષામાં રાખીએ એ જ સારું.
સંકલિત...

No comments: