Saturday, July 29, 2017

૬૪-પંચતંત્ર ની વાતો

29/07/2017...૬૪-પંચતંત્ર ની વાતો





                                              સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...


એક મોટું જંગલ હતું. એમાં એક સિંહ રહેતો હતો. તે તો જંગલનો રાજા ગણાય. તે આખો દિવસ આરામ કરે અને રાત્રે શિકાર કરે. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે.
બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચઢ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમતેમ દોડાદોડી કરવા લાગ્યો. તે ખાંખાખોળા કરવામાં એટલો બધો તલ્લીન હતો કે તેને એ પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે.
સિંહ પોતાના શરીર પર સળવળાટ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકિયું કર્યું, તો ઉંદર ભાગી ગયો. થોડીવાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. હવે ઉંદર બિચારો ધ્રૂજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો હે મહારાજ! મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે તોફાન નહિ કરું. આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું. કોઈવાર આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ.
આ સાંભળી સિંહે ઉંદરને છોડી મૂક્યો. સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે,આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહિ.
થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહિ.
સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યોમહારાજ! તમે ચિંતા ન કરો. હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું.
આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે એ તુચ્છ ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા.
છેલ્લે વિષ્ણુ શર્મા બોલ્યાહે રાજકુંવરો! આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા. ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે.


એક નદીકાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં.

એક દિવસ મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે,’ રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે ! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં !
મગર કહે, ‘તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય ?’
મગરીએ જીદ કરી કહ્યું, ‘જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ.
નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો.

એણે મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો, ‘વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.
વાહ ! ચાલો,તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય ! કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.

મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતો એ વળગ્યા.અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.
મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.

વાંદરો બોલ્યો, ‘ મગરભાઈ ! તમે પણ ખરા છો ! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને ! કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ !
મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી બોલ્યો, ‘ મૂરખ ! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે ? તું તો દગાખોર છે ! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો ? જા હવે કદી આ જાંબુડા ના ઝાડ નીચે આવતો નહિ.એમ કહી વાંદરો ત્યાંથી બીજે જતો રહ્યો.



સસલાએ હાથી ભગાવ્યાં – પંચતંત્ર

એક વખત આખા શહેરમાં દુકાળ પડ્યો. દુકાળ પડવાથી નદી-નાળા,સરોવર અને તળાવો સૂકાઇ ગયાં. ચારેકોર પાણીની અછત ઊભી થઈ ગઈ. આખા શહેરમાં હાહાકાર મચી ગયો. મનુષ્યો, પશુ-પક્ષી, જાનવરો બધા પાણી વગર તરસે મરવા લાગ્યાં.
આવા કપરા સમયે જંગલમાં રહેતા હાથીઓના ટોળાને પાણીની અછત થવા લાગી. તેઓ જે જગ્યાએ રહેતા હતા ત્યાંના તળાવોમાં પણ પાણી ખલાસ થઈ ગયું હતું. હાથીઓ પાણી વગર વ્યાકુળ થઈ ગયા. તેઓ ભેગા થઈ પોતાના રાજા પાસે ગયા અને કહ્યું- " મહારાજ ! આ જંગલમાં પાણી ખલાસ થઈ ગયુ છે. તળાવો સુકાઈ ગયા છે. પાણી વગર અમારા બચ્ચાંઓ હેરાન થઈ ગયા છે. જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બધા જ હાથીઓ પાણી વગર તરસ્યા મરી જશૅ. માટે મહારાજ! તમે પાણીની સમસ્યા હલ કરવા માટે કંઈક ઉપાય કરો."
"ભાઈઓ! તમારી વાત વ્યાજબી છે. પાણી વગર તરસ્યા મરવું એના કરતાં તો આપણે પાણીની શોધ કરવા માટે નીકળવું જોઈએ." હાથીઓના રાજાએ કહ્યું.
રાજાની વાત સાંભળી બધા જ હાથીઓ પાણીની શોધ કરવા માટે બીજા જંગલની તરફ ચાલી નીકળ્યા. ચાલતાં-ચાલતાં તેઓ એક જંગલમાં આવી ગયા. તેમણે આ જંગલમાં પાણીથી ભરેલું સરોવર જોયું. પાણી જોઈ હાથીઓ ખુશ થઈ ગયા. બધા જ હાથીઓ પાણીમાં કૂદી પડ્યા અને ધરાઈને પાણી પીધું. પાણી પી ને તેઓ તોફાને ચઢી ગયા. સૂંઢમાં પાણી ભરી-ભરીને ઊડાવવા લાગ્યા. આખો દિવસ તેઓ પાણીમાં તોફાન-મસ્તી કરતા રહ્યા.
આ સરોવરની પાસે જ સસલાઓનું ટોળું રહેતું હતું. તેઓ હાથીઓને જોઈને ગભરાઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ હાથીઓ પાણીને ગંદુ કરી નાખશે અને અમને પણ અહી શાંતિથી રહેવા દેશે નહીં. સસલો સભા ભરી વિચાર કરવા માંડ્યા કે આ હાથીઓને અહીંથી ભગાડવા કેવી રીતે? નાનકડા સસલાઓ હાથીઓનો સામનો તો કેવી રીતે કરી શકે! તેઓ હાથીઓને ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા.
આ સસલાઓમાં એક ખૂબ જ હોંશિયાર અને અનુભવી સસલો પણ હતો. તેણે ઉભા થઈ ને કહ્યું- " ભાઈઓ! તમે ચિંતા ના કરો. આવતી કાલે સવારે હું આ હાથીઓ સાથે ફેંસલો કરી લઈશ." બધા સસલાઓ તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ નાનકડો સસલો પહાડ જેવા હાથીઓ સાથે કેવી રીતે ફેંસલો કરશે? પરંતુ આ સસલાને પોતાની બુધ્ધિ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. સવાર થતાં જ તે હિંમત રાખી, ધીરજ રાખી પૂરા વિશ્વાસ સાથે હાથીઓના રાજા પાસે ગયો. સસલાને જોઈ રાજાએ ગુસ્સાથી પૂછયું.
"
તમે કોણ છો? અને શા માટે અહીં આવ્યા છો?"
"
હું સસલો છું, ભગવાન ચંદ્રદેવનો દૂત. એમના કહેવાથી હું તમારી પાસે આવ્યો છું" સસલાએ નીડરતાથી જવાબ આપ્યો.
"
શા માટે મોકલ્યો છે ? અમારું શું કામ છે ?"
"
ભગવાન ચંદ્રદેવનું કહેવું છે કે તમે લોકોએ ખૂબ જ મોટું પાપ કર્યુ છે. જે સરોવરમાંથી તમે લોકો પાણી પીવો છો, તેમજ તેમાં સ્નાન કરીને તેને ગંદુ બનાવો છો, તેમાં ભગવાન ચંદ્રદેવ રહે છે. તમે ભગવાનના ઘરનો નાશ કરી રહ્યાં છો. ભગવાન ચંદ્રદેવ તમારા બધાનો સર્વનાશ કરી નાખશે."
"
અમે તો ભગવાનને ત્યાં જોયા નથી." હાથીઓના રાજાએ ડરી જઈને કહ્યું.
"
હું આજે રાતે તમારી મુલાકાત ભગવાન ચંદ્રદેવ સાથે કરાવી આપીશ. તમે બધા સરોવર પાસે આવી જજો." આટલું કહી સસલો ત્યાંથી પાછો આવતો રહ્યો.

રાત્રે બધા જ હાથીઓ સરોવર કિનારે ભેગા થયા. પૂનમની રાત હતી. આખો ચંદ્ર સરોવરના પાણીમા દેખાઈ રહ્યો હતો. સસલાએ હાથીઓના રાજાને સરોવરના કિનારે બોલવ્યો અને પાણીમાં ચંદ્રનો પડછાયો બતાવતાં કહ્યું- " જુઓ મહારાજ ! ભગવાન ચંદ્ર સરોવરના પાણીમા બિરાજમાન છે. હું હમણાં એમની સાથે તમારા અંગેની વાત કરું છું." આટલું બોલી ચાલાક સસલાએ બોલવા માંડ્યું-" હે ભગવાન ચંદ્રદેવ, હાથીઓના રાજા તમારી સમક્ષ પોતાના સાથીઓ સાથે તમારી શરણમાં આવ્યા છે. તેમનાથી આ પાપ ભૂલમાં થઈ ગયું છે. તેઓ તમારી ક્ષમા માંગે છે. તમે તો દયાળું છો. માટે તેમનો વિનાશ કરશો નહીં. તેમને માફી આપી દો, ક્ષમા કરો. મહારાજ !" સસલો એવી રીતે બોલતો હતો કે હાથીઓ તેની વાત સાચી માની ગયા.
" હાહામહારાજ ! હું એમની તરફથી જ બોલું છું. શું કહ્યું?.. હાથીઓ જ તમારી માફી માંગે?.." ચાલાક સસલો પોતાની તરફથી જ બધું બોલતો હતો.
હાથીઓ તેની વાત સાંભળી કે તરત જ તેઓ સરોવરના કિનારે આવીને પોતાના માથા નમાવીને ઊભા થઈ ગયા અને માફી માંગવા લાગ્યા. થોડીવાર પછી બધા હાથીઓએ પ્રતિજ્ઞા કરી કે તેઓ હવે પછી બીજી વખતે આ સરોવર પાસે આવશે નહીં. આટલું બોલી હાથીઓનું ટોળું આ જંગલ છોડીને ત્યાંથી બીજે જતું રહ્યું.
સસલાની ચતુરાઈથી હાથીઓ ત્યાંથી ભાગી ગયા. બધા સસલાઓ ખુશ થઈ ગયા. એમના માથા પર આવેલી આફત ટળી ગઈ.
શિખામણ આ વાર્તા પરથી એટલો બોધ લેવો જોઈએ કે, ધીરજથી અને બુદ્ધિથી કામ લેવાથી આવેલી મોટી આફત પણ ટાળી શકાય છે.
(પંચતંત્ર આજથી ૨૫૦૦ વર્ષ પહેલા રચાયેલ આ સાહિત્ય બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપે છે. પ્રાચીન કાળથી આ વાર્તા-સંગ્રહના અનેક ભાષામાં અનુવાદ થયેલ છે. આ વાર્તાઓ જીવનબોધ, અનુભવ અને ડહાપણ આપે છે.)
સંકલિત



No comments: