Saturday, July 22, 2017

(૫૮)..સીનીયર સીટીઝન નું સ્વરાજ – ગુણવંત શાહ

૨૨/૦૭/૨૦૧૭..(૫૮)..સીનીયર સીટીઝન નું સ્વરાજ – ગુણવંત શાહ









                          સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...

સીનીયર સીટીઝન હોવું એ એક એવો વૈભવ છે, જે ઘણું ખરું વેડફાઈ જાય છે. વૈભવ શેનો? જીવનમાં બે

 બાબતો ઓછી પડે ત્યારે માણસનું ખરું સુખ નંદવાય છે:સમય અને અવકાશ.સીનીયર સીટીઝન પાસે

મબલખ સમય હોય છે અને અઢળક અવકાશ હોય છે.સમય અને અવકાશના આવા બેવડા વૈભવને

લોકોમોકળાશ કહે છે.મોકળાશનો માલીક દુખી શીરીતે હોઈ શકે? એ દુખી હોય છે, કારણ કે

મોકળાશનું શું કરવું તેની ખબર એને નથી હોતી. મોકળાશ જેવી જણસને વેડફી મારવી એ ઘણાખરા

વૃદ્ધોને વળગેલો માનસીક રોગ છે.મોકળાશમાં યોગની શક્યતા પડેલી છે. યોગને બદલે રોગ ગોઠવાઈ

જાય તે માટે જવાબદાર કોણ? સીનીયર સીટીઝન પોતે !
            
ઘણાખરા સીનીયર સીટીઝનોને ગ્રહદશા નહીં આગ્રહદશા નડતી હોય છે. શંકરાચાર્ય કહી ગયા કે બુદ્ધી

ખીલે તેનું નામ અનાગ્રહ છે. સીનીયર સીટીઝનના કેટલાક આગ્રહો નવી પેઢીને પજવનારા હોય છે. 
જેમ ઉંમર વધે તેમ આગ્રહો પણ ઉંમરલાયક બનીને થીજી જાય છે. આગ્રહ પોતાને માટે ભલે રહ્યો !
 પોતાના આગ્રહો બીજા પર લાદે તે મુર્ખ છે. મુર્ખતા પણ ખાસ્સી સીનીયર હોઈ શકે છે. દીકરાવહુને 
પોતાનો અભીપ્રાય એકવાર આપી દીધા પછીનું મૌન દીવ્ય હોય છે. સામેવાળી વ્યક્તી ગમે તેટલી નાની ઉંમરની હોય તોય તેને વણમાગી સલાહ ન આપવામાં વૃદ્ધત્વની અનેરી શોભા પ્રગટ થાય છે. જે વયોવૃદ્ધ સીટીઝન મફત સલાહ કેન્દ્રનો માલીક હોય તે દુખી થવા સર્જાયેલો જીવ છે. ભગવાન પણ તેને સુખી ન કરી શકે.
         માણસને મળતી મોકળાશ ગાભણી હોય છે. ઉત્તમ card company, નાટકો, શીલ્પો, ચીત્રો, ફીલ્મો,

ગીતો અને કલાકૃતીઓ માનવજાતને મળ્યાં તે માટે સર્જકોને પ્રાપ્ત થયેલી મોકળાશનો ફાળો મહત્ત્વનો

રહ્યો છે. કવી વોલ્ટ વ્હીટ્મન પોતાને ભવ્ય આળસુ (મેગ્નીફીસંટ આઈડ્લર) તરીકે ગૌરવભેર 

ઓળખાવતો. નોબેલ પારીતોષીક વીજેતા કવી પાબ્લો નેરુદા પોતાનાં સંસ્મરણો પર લખેલા પુસ્તકમાં 

નવરાશનો મહીમા કરે છે અને ત્યાં સુધી કહે છે કે સમય વેડફવા જેવી સુંદર બીજી કોઈ ચીજ નથી.

અહીં સમય વેડફવાની વાત સાથે મોકળાશનું સૌંદર્ય કેન્દ્રમાં રહેલું છે. ઘણા સીનીયર સીટીઝન્સ 

મોકળાશનો સ્વાદ ધરાઈને માણે છે. એ સ્વાદનું રહસ્ય એમના મીજાજમાં રહેલું છે. એ મીજાજ એટલે 

સ્વરાજનો મીજાજ. સ્વરાજનો મીજાજ એટલે શું? ‘હવે હું કોઈને જવાબ આપવા બંધાયેલો નથી’, એવી 

દાદાગીરીમાં દાદાની ખરી શોભા પ્રગટ થાય છે. સ્વતંત્ર હોવું એટલે જ પોતાની મરજીના માલીક હોવું. 

મરજીની ગુણવત્તા એટલે જ જીવનની ગુણવત્તા. માણસે પોતાની મરજીને માંજી માંજીને શુદ્ધ કરવી રહી. 
મરજીના માલીકને, ‘માલીકની મરજી પર શ્રદ્ધા હોવી જોઈએ. સીનીયર સીટીઝનના સ્વરાજનું આ 

રહસ્ય છે.
            જે વડીલોને સાહીત્ય, સંગીત, સત્સંગ, સમાજસેવા, પ્રવાસ કે પ્રેમ જેવી બાબતોમાંથી કોઈ 

એક સાથે પણ નીસ્બત ન હોય તેમણે દુખી થવાની પુરી તૈયારી કરી લીધી છે એમ કહી શકાય. 

નવરાશ એટલે કર્મશુન્યતા નહીં, પણ મનગમતા કર્મની સમૃદ્ધી. વડીલોએ વારંવાર પોતાની જાતને 

પુછવા જેવો પ્રશ્ન છે,‘મારો માહ્યલો શેમાં રાજી?’ જે કર્મ કરતી વખતે હેત અને હરખનો અનુભવ થાય તે કર્મ કરવું અને બીજું ફાલતું કર્મ ટાળવું એ તો પાછલી ઉંમરનો વીશેષાધીકાર ગણાય. જે વડીલ કોઈના કામમાં ટકટક ન કરે તે વડીલ પોતાના કામમાં બીજાની ટકટક નહીં સહન કરવાનો અધીકાર પ્રાપ્ત કરે છે. આ દુનીયા આપણી કલ્પના પ્રમાણે ચાલે એવી ઈચ્છા રાખવી એ પણ એક પ્રકારની નાસ્તીકતા ગણાય. સમગ્ર જીવન કેવળ પૈસા એકઠા કરવામાં જ વીતી ગયું હોય, તો પાછલી ઉંમરે દુખનું ડીવીડંડ  મૃત્યુ સુધી મળતું જ રહે છે. નોકરી છુટી જાય પછી જે ખાલી થેલી જેવા બની જાય, તેઓ નોકરી ચાલુ 

હતી ત્યારે પણ ખાલીખમ જ હતા ! એમને એ વાતની ખબર ત્યારે ન હતી, તે જુદી વાત છે.
          
સીનીયર સીટીઝનના સુખનો ખરો આધાર પગ ઉપર રહેલો છે. આપણે ત્યાં જે માણસ કમાણી કરતો 

હોય તેને માટે કહેવામાં આવે છે કે એ પોતાના પગ પરઊભો છે. જેના પગ સાબુત તેનું ચાલવાનું 

સાબુત ! જે ચાલવાનું રાખે તેને કકડીને ભુખ લાગે. કકડીને લાગતી ભુખ પછી જે ખવાય, તે અન્ન પચી 

જાય છે. અન્નવૈભવનું ખરું રહસ્ય ભુખવૈભવમાં સમાયું છે. જે સીનીયર સીટીઝન રોજ પાંચ કીલોમીટર 

સ્ફુર્તીથી ચાલે, તેને ભુખવૈભવ સાથે થાકવૈભવ પણ પ્રાપ્ત થાય. થાકવૈભવ પ્રાપ્ત કરનારને ઉંઘવૈભવ 

પણ આપોઆપ મળે છે. ભુખવૈભવ, થાકવૈભવ, અને ઉંઘવૈભવ પ્રાપ્ત થાય, તેને સ્ફુર્તીવૈભવ મળી રહે 

છે. સ્ફુર્તી છે, તો જીવન છે. જીવન છે, તો જીવવાનો આનંદ છે. આનંદનું ઉદ્ ઘાટન પગના સદુપયોગ 

થકી થતું હોય છે. પગ વડે પરમેશ્વર સુધી પહોંચવાનું છે. લોકો પથારી થકી પરમેશ્વર સુધી 

પહોંચવાની પેરવી કરતા હોય છે. એક વડીલ પંચાણું વર્ષે મૃત્યુ પામ્યા ત્યારે દીકરાની વહુ બોલી

પપ્પા સવારે તો ફરવા ગયેલા અને બપોરે એકાએક શાંત થઈ ગયા !મૃત્યુ પામેલા વડીલને 

આનાથી ચડીયાતી અંજલી બીજી શી હોઈ શકે? એને કહેવાય રળીયામણું મૃત્યુ !
         
વડીલોએ કોઈ પણ હીસાબે બે કલાક પોતાના ખાસ કલાકોં તરીકે અલાયદા રાખવા જોઈએ. 

પરીવારના જુનીયર લોકોને તેથી ખાસ રાહત મળતી હોય છે. સીનીયર સીટીઝનને પોતાના સ્વરાજની જેમ જુનીયર સીટીઝનનું સ્વરાજ પણ વહાલું હોવું જોઈએ. ખાસ કરીને દીકરાની વહુનો આદર જીતી લેવાની કળા ખુબ મહત્ત્વની છે. જે સાસુને માતા બનતાં ન આવડે અને જે સસરાને પીતા બનતાં ન આવડે તેઓ ફુલ્લી નપાસ ગણાય. છુટાં રહેવું સારું, છેટાં રહેવું સારું, પણ ભેગાં રહીને ઝઘડતાં રહેવું અત્યંત નઠારું ! તમે દીકરાની જન્મતીથી યાદ નહીં રાખો તો ચાલશે, પણ પુત્રવધુની વર્ષગાંઠ યાદ રાખીને નવી સાડી ભેટ આપવાનું ચુકી જાઓ તેમાં શાણપણ નથી. જે પરીવારમાં ગૃહલક્ષ્મીનો આદર નથી હોતો, તે ઘરમાંથી સુખ પાછલે બારણેથી ભાગી છુટે છે.
          
પુજ્ય રવીશંકર મહારાજ વાતવાતમાં કહેતા કે માણસે પાકેલી ખારેકની માફક ખરી પડવાનું છે. સીધી 

લીટીનો માણસ નાસ્તીક હોય તોય આધ્યાત્મીક જાણવો. આપણે ત્યાં ક્યારેક સો ટચનો સજ્જન મનુષ્ય 

કોઈ લંપટ સાધુનો ચરણસ્પર્શ કરતો જોવા મળે ત્યારે દુખ થાય છે.
           
કેટલાક સીનીયર નાગરીકો ભક્તીમાં વેવલા બનીને ગાંડપણ પ્રગટ કરતા રહે છે. એ માટે આવનારા 

મૃત્યુનો ડર કારણભુત છે. સીનીયર સીટીઝનની ખુમારી ખુટવી ન જોઈએ. ખુમારી ખુટે ત્યારે જ ઘડપણ 

પ્રવેશે. ઘડપણની ખરી બહેનપણી ખુમારી છે. સીનીયર સીટીઝન હોવાને નાતે ગુજરાતના સૌ સીનીયર 

સીટીઝન્સને ખાસ વીનંતી છેઃ તમને ટટ્ટાર રાખનારી અખંડ સૌભાગ્યવતી ખુમારીદેવીને જાળવી 

લેવાનું ચુકશો નહીં.

પાઘડીનો વળ છેડે..

આપણે વૃદ્ધ થઈ ગયાં તેથી હસવાનું ઓછું નથી થયું, પરંતુ

આપણું હસવાનું ઓછું થયું,તેથી આપણે વૃદ્ધ થઈ ગયાં


અનામી ચીંતક


 ગુણવંત શાહ                       



No comments: