Wednesday, July 26, 2017

.(૬૧)..શ્રદ્ધા

૨૬/૦૭/૨૦૧૭..(૬૧)..શ્રદ્ધા



 સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...

   આવી પહોંચશે અહીં ક્યારેક રામ પણ, શ્રદ્ધારૂપે આ હાથમાં શબરીનાં બોર છે..
સાંજનો સમય હતો. હું અને ડો. ત્રિવેદી સાહેબ ગાડીમાં બેસીને મહેસાણા તરફ જતા હતા. ત્રિવેદીસાહેબ એટલે અમદાવાદનું નાક ગણાતી વિશ્વશ્રેષ્ઠ કિડની ઇન્સ્ટિટયૂટના સ્થાપક અને પથ પ્રદર્શક.ત્રિવેદી સાહેબ પોતાની ધૂનમાં મગ્ન હતા. અમે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની મહેસાણા બ્રાન્ચ તરફથી આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓ તરીકે જઇ રહ્યા હતા. પ્રસંગને અનુરૂપ સૂટ પહેરવા એમાં કશુંયે ખોટું ન હતું.
આમ પણ અમને બંનેને સારા, સુઘડ અને વેલસ્ટીચ કપડાં પહેરવાનો શોખ છે. ત્રિવેદી સાહેબના શોખનું કારણ હું નથી જાણતો, પણ મારા વિશે હું ધારું છું કે કદાચ હાઇસ્કૂલ અને કોલેજકાળ દરમિયાન કમિંતી, ફેશનેબલ વસ્ત્રો ન પહેરી શકવાના વસવસામાંથી મારી આ માનસિકતા જન્મી હશે અને સાહેબ માટે હું એટલું અવશ્ય જાણું છું કે કેનેડાની કુબેરી આવકને ઠોકર મારીને જન્મભૂમિને જ કર્મભૂમિ બનાવી દેનારા આ ઋષિતબીબ એક રાતી પાઇનીયે કટકી કર્યા વગર પોતાના પગારમાંથી આ શોખ પોષી રહ્યા છે.
જેમ ભ્રષ્ટાચારી નેતાઓના સાદા ખાદીના કપડાં કરતાં નરેન્દ્ર મોદીના મોંઘા વસ્ત્રો વધારે ઊજળાછે એવું જ કંઇક ત્રિવેદી સાહેબના અરમાનીના સૂટ માટે કહી શકાય.
કોટ-પેન્ટ વિશેની મારી કોમેન્ટ સાંભળીને ડો.ત્રિવેદી સાહેબ હસ્યા, ‘તમે ધારો છો એવું નથી. દરેક પ્રવૃત્તિને પોતાનો ડ્રેસ કોડહોય છે. કોઇ સાધુ ગમે તેટલો મોટો મઠાધિપતિ બની જાય, પણ એ સૂટ નથી પહેરી શકતો, એણે ભગવી ધોતી જ ધારણ કરવી પડે છે. એ જ પ્રમાણે આપણે પણ આપણાં કન્સલ્ટિંગ રૂમમાં ગાંધીજીની જેમ પોતડી ચડાવીને નથી બેસી શકતા.
મારે નેશનલ અને ઇન્ટરનેશનલ તબીબી પરિષદોમાં આપણાં કામનો પ્રસાર કરવો હોય તો એને અનુરૂપ કપડાં પહેરવા જ પડે. એમાં આબોહવા અને ઋતુનો પણ ખ્યાલ રાખવો પડે.
હવે તો આપણાં દેશમાં પણ આવા સંમેલનો એરકન્ડિશન્ડ સભાગહોમાં યોજાય છે. સવાલ સૂટ-બૂટનો નથી, સવાલ તમારી વૃત્તિનો અને પ્રવૃત્તિનો છે. સૂટ ચડાવેલો માણસ સંત હોઇ શકે છે અને ક્યારેક ભગવી ધોતીમાં પણ ધમાલ હોઇ શકે!
વાતો ચાલતી રહી, પંથ કપાતો રહ્યો. લગભગ આઠેક વાગ્યાના સુમારે મહેસાણા આવી ગયું. ગાડી ઊભી રહી. અમે નીચે ઉતર્યા. આયોજક તબીબ મિત્રો મોટી સંખ્યામાં અમારા સત્કાર માટે ઊભેલા હતા. પરિચય અને આવકારનો લાંબો પણ આનંદદાયક સિલસિલો ચાલ્યો.

પ્રશંસકો સાહેબના કાર્યના હતા અને મારી કલમનાં પણ. પહેલાં ઓટોગ્રાફ્સ માટે પડાપડી ચાલી, પછી ફોટોગ્રાફ્સ માટે. તરત જ અમને ભોજન માટે લઇ જવામાં આવ્યા.
સેંકડોની સંખ્યામાં ડોક્ટરો હાજર હતા. મહેસાણાના એક પણ ડોક્ટર એ સમયે ઘરમાં નહીં બેઠા હોય. અને મોટા ભાગના ડોક્ટરો જાણે લગ્ન પ્રસંગમાં આવ્યા હોય તેમ સજી-ધજીને સૂટ ચડાવીને પધારેલા હતા.
હું ડો. ત્રિવેદી સાહેબના કાનમાં ગણગણ્યો, ‘તમે ભલે ને ગમે તે કહો, પણ હું તો સ્પષ્ટપણે માનું છું કે આવા વસ્ત્રો પહેરીને આપણાંથી છેક છેવાડાના માણસ સુધી પહોંચી ન જ શકીએ. દેશનો સામાન્ય માણસ આપણને જોઇને ગભરાઇ જ જાય. આપણે ધારીએ તો પણ એની નિકટ ન જ પહોંચી શકીએ.
કાર્યક્રમ શરૂ થઇ ચૂક્યો હતો એટલે સાહેબ કશો જવાબ ન દઇ શક્યા. કદાચ એ વિવાદ ટાળવા માગતા હતા, કે પછી જવાબ આપવાનું કામ એમણે વિધાતાને સોંપી દીધું હતું?! ભગવાન જાણે!
કાર્યક્રમ સુંદર રહ્યો. આપણાં હાસ્યકાર તારક મહેતાનું નાટક ભજવવામાં આવ્યું. વચ્ચેના ઇન્ટરવલમાં ત્રિવેદી સાહેબના અને મારા વક્તવ્યો રજૂ થયા. રાત્રે એક વાગ્યે સૌ છૂટા પડ્યા. વિદાયમાન પણ આવકાર જેટલું જ ભાવપૂર્ણ રહ્યું. અમે મહેસાણા છોડ્યું.
રાતનો સમય હતો. વાહનચાલક અત્યારે વધારે વેગમાં ગાડી દોડાવી રહ્યો હતો. આટલા બધા કલાકો સાથે રહ્યા હોવાના કારણે અમારી વાતો પણ હવે ખૂટવા આવી હતી. હું તો અઠંગ જાગેડુ માણસ રહ્યો, રોજ રાતનાં ત્રણ વાગ્યે પથારીમાં પડનારો. પણ ડો. ત્રિવેદી સાહેબને ઊંઘ આવી રહી હતી.
શરદ, ક્યાંક ગાડી ઊભી રખાવીશું? ડ્રાઇવરને ચા પીવી હોય તો…’ સાહેબે બગાસું ખાતાં કહ્યું.
ડ્રાઇવરની વાત છોડો ને, સાહેબ! તમારે કોફી પીવી છે એમ કહો ને!મેં હસીને જવાબ આપ્યો, પછી ડ્રાઇવર તરફ ફરીને સૂચના આપી, ‘ભાઇ, હાઇ-વે પર ક્યાંક હોટલ દેખાય તો ગાડી ઊભી રાખજે!
સાહેબ, હોટલો તો ઘણી આવે છે, પણ અત્યારે બે વાગે ખુલ્લી ક્યાંથી હોય?’ ડ્રાઇવર મારી અણસમજ ઉપર હસ્યો. ગાડી દોડતી રહી.
અચાનક એણે બ્રેક મારી. ગાડીને ધીમી પાડી. પાછળ જોઇને અમે સાંભળી શકીએ તે રીતે બોલ્યો, ‘આગળ જરાક પ્રકાશ જેવું દેખાય છે. તપાસ કરી જોઉ. કદાચ ચા-કોફીનો મેળ પડી જાય!

એણે ફરી બ્રેક મારી. ગાડી એક ઝૂંપડી આગળ ઊભી રહી ગઇ. ના, એ ઝૂંપડી ન હતી, એને હોટલ કે રેસ્ટોરન્ટ પણ ન કહેવાય. ત્રણ બાજુ કંતાનની દીવાલો ઊભી કરીને ચોથી ખુલ્લી બાજુએ એક ભાંગેલા-તૂટેલા લાકડાંના ટેબલ પર હિંદુસ્તાનનો સૌથી ગરીબ ટી-સ્ટોલ લઇને એક તદ્દન મુફલિસ આદમી ઊભો હતો.
એક તપેલી હતી, પાંચ-છ ગંદા કપ-રકાબી હતા, ચા-ખાંડના ડબલાં અને દૂધ. ફાનસના ઝાખાં અજવાળામાં એ પોતાનો અસબાબ સંકેલવાની તૈયારીમાં હતો.
એક મિનિટ, ભાઇ! બધું સમેટી ના લેશો.મેં ગાડીમાંથી કૂદકો મારતાં મોટા અવાજે વિનંતી કરી.
એણે કંટાળેલા અવાજે પૂછ્યું, ‘ઓર્ડર?’
બે કપ ચા.પછી ત્રિવેદી સાહેબ યાદ આવ્યા એટલે ઉમેર્યું, ‘અને એક કપ કોફી.
ફક્ત ચા મળશે. દૂધ એટલું જ છે. ચા એક કપના દસ રૂપિયા લઇશ.એણે તુમાખીપૂર્વક કહ્યું.
આપીશું. અને સાંભળ! કોફી દૂધ વગરની જ જોઇએ. છે. સાહેબ કાયમ બ્લેક કોફી જ પીવે છે.મેં રસ્તો ખોળી કાઢ્યો અને ગાડીમાં બેઠેલા સાહેબ તરફ જોયું. પેલા માણસે પણ ગાડી તરફ ઘ્યાનથી જોયું. એ સમજી ગયો કે આવડી મોટી કાર ખાસ્સી એવી મોંઘી હોવી જોઇએ.
એણે તરત જ જાહેર કરી દીધું, ‘એક કપ કોફીનાં વીસ રૂપિયા થશે.
હું આ ચીરી નાખે તેવો ભાવ સાંભળીને કચવાયો. (આ ઘટના લગભગ દસ-બાર વર્ષ પહેલાંની છે.) પણ હા પાડ્યાં સિવાય બીજો રસ્તો ન હતો.
ઐણે સ્ટવનો ધમધમાટ ચાલુ કરી દીધો. મેં સાહેબને વિનંતી કરી, ‘ગાડીમાંથી બહાર આવો, સાહેબ! જુઓ, વાતાવરણ સુંદર છે.ત્રિવેદી સાહેબ આવ્યા. થોડીવાર પછી અમે ખુલ્લાં આકાશ નીચે સુમસામ સડક ઉપર ફાલતુ કિટલીની ફાઇવસ્ટાર ચા-કોફી માણી રહ્યા હતા.
મને ટીખળ સૂઝી, ‘સાહેબ, ક્યાં કેનેડાની જાહોજલાલી! અને ક્યાં આપણા દેશની ગરીબી! અહીં આવીને તમે શું મેળવ્યું? ત્યાં રોલ્સ રોયસમાં ફરતાં હોત! એને બદલે અત્યારે આ વગડામાં ઊભા રહીને…’
સાહેબ, એક મિનિટ!હું ચોંક્યો. અવાજ પેલા ચા વાળાનો હતો. એ મને પૂછી રહ્યો હતો, ‘તમારી સાથે આ સાહેબ છે એ ત્રિવેદી સાહેબ છે? પેલા અમદાવાદના? કિડનીવાળા?’
હા, તમે એમને ઓળખો છો?’

હા, ભલે હું ક્યારેય એમને મળ્યો નથી, પણ નામ તો બહુ સાંભળ્યું છે. અમારા ગામનાં ઘણાં દર્દીઓ એમના હાથે નવી જિંદગી પામ્યા છે. મેં ક્યાંક વાંચેલું કે આ દેવ જેવા દાગતર કેનેડા છોડીને અમદાવાદમાં…’
તે સાચું જ વાંચ્યું છે, ભાઇ! એ લખનારો હું હતો અને એ દેવતા તારી સામે ઊભાં છે.મેં માહિતી આપી અને ચાનો ખાલી કપ એના ટેબલ પર મૂક્યો.
પછી ખિસ્સામાંથી પચાસની નોટ કાઢી. એણે મારો હાથ ઠેલી દીધો, ‘સાહેબ, પૈસા ન લેવાય. અડધી રાતે મારા આંગણે ઈશ્વર આવીને ઊભા છે ત્યારે હું પૈસા લેતો હોઇશ!પછી ધીમેથી મારા કાનમાં મોં નાખીને એણે પૂછી લીધું, ‘સાહેબ, મારે એમને પગે લાગવું છે. લાગું ને! સાહેબ ના નહીં પાડે ને?’
શો માહોલ હતો! મારી પાસે જો કેમેરા હોત તો મેં અચૂક ફોટો પાડી લીધો હોત! એક સૂટેડ-બૂટેડ ભગવાન હતા અને એક ફાટેલો-તૂટેલો ભક્ત હતો. મોંઘા વિદેશી કપડાંને ચીરીને પણ એક સંતનું જીવનકાર્ય છેક છેવાડાના માણસ લગી પહોંચતું હતું.
(શીર્ષક પંક્તિ કલ્યાણી મહેતા)
By Dr. Sharad Thakar

એક અંગ્રેજી વાતની પ્રેરણા લઈ આ વાત એક આંગળીએ ટાઈપ કરી લગભગ કલાકની મહેનતથી જાતે લખી છે. વાંચજો કદાચ ગમી જાય.  એક સંત વૃદ્ધાશ્રમ ચલાવી રહ્યા હતા.લગભગ 60 વૃદ્ધોને સાચવે સ્વજનથી વિશેષ ધ્યાન રાખે. પૈસાની સતત ખેંચ છતાંય  વૃદ્ધોને કોઈ પણ બાબતની ઉણપ વર્તાવા ન દે. એક બપોરે મુનિમે આવીને કહ્યું ' આપણી સ્થિતી ભયંકર ખરાબ છે  આજ ભોજનની વ્યવસ્થા થાય તેમ નથી. બધાએ ભૂખ્યા રહેવું પડશે.'સંતને જાણીને દુઃખ થયું. હજાર હાથવાળો કેવી કસોટી કરે છે ? સંસાર છોડી ભેખ ધર્યો. સમાજના સ્વજનોએ ત્યજેલા વૃદ્ધિની સેવાનો સંકલ્પ લીધો. રડતાના આંખના આંસુ લુછ્યા.    છતાંય આજે આ પરિસ્થિતિ.. સંતને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા. ઉપરવાળો  સવારે ભૂખ્યા ઉઠાડે પણ ભૂખ્યા સુવાડે નહીં. મેદાનમાં હરતા ફરતા આનંદિત વૃદ્ધોને તો આ વાતનો અણસાર પણ નહીં.બાજી હરિને હાથ... તેમણે સાંજ પડ્યે ટેબલ પર થાળીઓ ગોઠવવાનું કહી દીધું. સાથે કહ્યું ' આજે એક થાળી વધારે રાખજો.'મુનિમને મનમાં વિચાર થયો એક માણસ જમે તેટલું અનાજ નથી અને એક થાળી વધારે  !!!સંતને ઈશ્વર પર અપાર શ્રદ્ધા મારો વાલો ભૂખ્યા નહીં રાખે.જમવાનો સમય પસાર થતો હતો. ઈશ્વર પરની શ્રદ્ધાની કસોટી હતી. એવામાં ફોનની ઘંટડી રણકી. ' સંત વૃદ્ધાશ્રમ ? હું મનહર શેઠનો સચિવ બોલું છું એક વિનંતી કરવાની આજે શેઠે જન્મ દિવસ ઉજવણીનો કાર્યક્રમ ગોઠવેલ પણ તેઓશ્રીની તબિયત અચાનક બગડતાં કાર્યક્રમ રદ કરવો પડેલ છે. લગભગ 65 માણસની રસોઈ તૈયાર છે તમે કહો તો આપના આશ્રમે મોકલી દઈએ ? સાથે શેઠ જન્મ દિવસની શુભેચ્છા પ્રસંગે આશ્રમને રુપિયા 25000 પણ આપવા ઇચ્છુક છે.'સંતે મનોમન શામળીયા સમા શેઠ મનહરલાલનો આભાર વ્યક્ત કરતાં ખુશી ખુશી હા પાડી અને બધાને જમવા બેસી જવા કહ્યું.થોડી વારમાં રસોઈ આવી ગઈ.  કદીએ ન ચાખેલ અવનવી વાનગીઓ ખાતાં વૃદ્ધો પણ ખૂબ ખુશ હતાં. મુનિમને રુપિયા 25000 નો આશ્રમના નામનો ચેક મળી ગયો હતો.બધાના જમી રહ્યે મુનિમ સંત પાસે આવીને બોલ્યા ' વંદન છે તમારી ઈશ્વર પ્રતિની શ્રદ્ધાને મને તો હતું આજે ભૂખ્યા જ સૂવું પડશે પણ રસોઈ આવી ગઈ.. પરંતુ આપે આજે એક થાળી વધુ કેમ રખાવેલ ? 'સંતે સુંદર જવાબ આપ્યો ' એ વધારાની થાળી મારા વાલા મોરલીવાળા શામળીયાની. મેં આજે કહી દીધેલ જો આજે અમે ભૂખ્યા રહ્યા તો ભલે તું જગતનો નાથ હોય શામળીયા અમારી સાથે તારે પણ ભૂખ્યા રહેવું પડશે અને મારા વાલે ભાવતા ભોજન મોકલી દીધા.'ઈશ્વરમાં શ્રદ્ધા રાખો એ બધાનું સારું કરશે.
ભગવાન કઈ પણ કરી શકે છે બસ એમના પર શ્રધ્ધા હોવી જોઈએ...!!!
ખુબજ અદભુત હૃદયસ્પર્શી વાત કે ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને તેવો પ્રેરણાત્મક પ્રસંગ:
એક મંદિર હતુ, એમાં બધા જ માણસો પગાર ઉપર હતા, આરતી વાળો, પુજા કરવા વાળો માણસ, ઘંટ વગાડવા વાળો માણસ પણ પગાર ઉપર હતો....
ઘંટ વગાડવા વાળો માણસ આરતી વખતે ભગવાનમાં એટલો મસગુલ થઈ જાય કે એને ભાન જ રેહતુ નહી, ઘંટ વગાડવા વાળો માણસ પુરા ભક્તી ભાવથી પોતાનુ કામ કરતો, જેથી મંદિરની આરતી માં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસની ભક્તીનાં પણ દર્શન કરતા, એની પણ વાહ વાહ થતી....
એક દિવસ મંદિરનુ ટ્રસ્ટ બદલાયુ અને નવા ટ્રસ્ટીએ એવુ ફરમાન કર્યુ કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરુરી છે, જે ભણેલા ના હોય એમને નીકાળી દો,
તો પેલા ઘંટ વગાડવા વાળા ભાઈને ટ્રસ્ટીએ પોતાની કેબીનમાં બોલાવી કીધુ કે આજ સુધી નો તમારો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહી, પેલાએ કીધુ કે મારી ભક્તી જોવો સાહેબ, ટ્રસ્ટીએ કીધુ કે ભણેલા નથી તો નોકરી માં રાખવામાં આવસે નહી....
બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પેહલા જેવી મજા આવતી નહી, ઘંટ વાળા ભાઈની ગેર હાજરી લોકોને વર્તાવા લાગી, ,૯ લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા, એ લોકો એ ભેગા થઈ કીધુ કે તમે મંિદરમાં આવો, તો એ ભાઈએ કીધુ કે હુ આવીસ તો ટ્રસ્ટી લાગસે કે આ નોકરી લેવા માટે આવે છે માટે હુ આવી શકતો નથી, તો ત્યા આવેલા લોકો એ એને કીધુ કે મંદિરની એકજ્ટ સામે તમને એક ગલ્લો ખોલી આપીએ છીએ ત્યા તમારે બોસવાનુ ને આરતી ના સમયે ઘંટ વગાડવા આવી જવાનુ પછી કોઈ નહી કે કે તમારે નોકરીની જરુર છે....
હવે એ ભાઈનો ગલ્લો એટલો ચાલ્યો કે એક માથી સાત ગલ્લા ને સાતમાંથી એક ફેક્ટરી ઉભી થઈ ગઈ, હવે એ માણસ મર્સીડીઝ લઈને ઘંટ વગાડવા આવે છે,
હવે આ વાત જુની થઈ ગઈ, મંદિરનુ ટ્રસ્ટ પણ બદલાઈ ગયુ, હવે મંદિરનો જીણ્ણોદાર કરવાનો હતો, માટે દાનની જરુર હતી, મંદિરના ટ્રસ્ટીઓ એ વીચાર્યુ કે પેહલા આ મંદિરની સામે રહેલ ફ્રેક્ટરી માલીક વે પેહલા વાત કરીએ...માલીક જોડે ગયા ૭ લાખ નો ખર્ચો છે, એવુ ટ્રસ્ટીઓ એ આ માલીક ને કીધુ, એ માલીકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રીસ્ટીને આપી દીધો, ટ્રસ્ટી એ ચેક હાથમાં લીધો ને કીધુ કે સાહેબ સહી તો બાકી છે, માલીકે કીધુ કે મને સહી કરતા ની આવડતુ, લાવો અંગુઠો મારી આપુ, ચાલી જશે ....તો પેલાએ ટ્રસ્ટી લોકો જોડે આવેલા બધા ચોકી ગયો કે સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, ભણેલા હોત તો ક્યા હોત...
તો પેલા શેઠે હસીને કીધુ કે ભણેલો હોત તો મંદિરમાં ઘંટ વગાડતો હોત, માટે ભગવાનની લીલા અપંરમપાર છે... 
અરે શ્રધા એટલે શું..?
શ્રધા એટલે જેની હકીકત ખબર નથી પણ "આવું" કે "એવું" હશે તેમ માનીએ છીએ તેનું સમીકરણ. જે વસ્તુની હકીકત તમને ખબર હોય તેમાં તમારે શ્રધા રાખવાની જરૂર નથી. જ્યાં શંકા છે ત્યાં શ્રધા રાખવી પડે. આપણે ક્યારેય એમ નથી બોલતા કે આ મારા માતાપિતા છે તેવી મારી શ્રધા છે. શ્રધા તો ત્રાજવાને બેલેન્સ કરવામાટે મુકાતું વજન છે.કેટલાક સવાલો એવા હોય છે કે તેના જવાબો કે ખુલાશા સમતોલ નથી થતા અથવા હોતા, ત્યારે શ્રધા નામનો પથ્થર મૂકી ત્રાજવા ને સમતોલ કરવા પડે છે.
શ્રધાના નામ પર એક સમાંતર દુનિયા ચાલે છે.
શ્રધા કેટલાય ને જીવાડી રાખે છે.
શ્રધા કેટલાયને મરતા અટકાવે છે.
શ્રધાએ કેટલાય દુખી લોકોને નાશીપાસ થતા અટકાવ્યા છે.
એક શ્રધાના કારણે જ માં-બાપ લંપટ બની રહેલા દીકરાને જીવાડ્યા રાખે છે..
એ શ્રદ્ધાને કારણેજ પતિ અને પત્ની પોતાની સ્વતંત્રતાને દાવ પર લગાવી, બાળકના આગમન ની તૈયારી કરે છે.
આ શ્રધ્ધાને કારણેજ કેટલાય, લંપટ બાવાઓ લીલા કરી જાય
બસ આ શ્રધ્ધા શું ના કરાવે..




શ્રદ્ધાથી બધો ધર્મ વખોડું છું હું,

હાથે કરી તકદીરને તોડું છું હું;

માંગું છું દુઆ એ તો ફક્ત છે દેખાવ,

તુજથી ઓ ખુદા હાથ આ જોડું છું હું.
-’મરીઝ

સ્વાર્થની આતો છે ભક્તીલીલા બધી, આત્મપૂજા વિના શૂન્યઆરો નથી

એક ઈશ્વરને માટે મમત કેટલુ? એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?
શૂન્યપાલનપુરી

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?

કુરઆનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી.

-જલન માતરી

શ્રધ્ધા..અશ્રધ્ધા કે અંધશ્રધ્ધા

 “બુધ્ધિના ક્ષેત્ર કેરા સીમાડા જયાં અટકી ગયા,
તે પછીના પ્રદેશને શ્રધ્ધા સંતો કહી ગયા.
આ પંક્તિ સાથે જ એક દ્રશ્ય નજર સમક્ષ તરવરી રહ્યું છે.
ગયા વરસે અમેરિકા જવાનું થયું ત્યારે ત્યાંના ટેનેસી રાજયમાં આવેલું ગણેશ મંદિર જોવા ગઇ હતી. જોવા શબ્દ જ કદાચ અહીં યોગ્ય રહેશે. કેમકે દર્શન કરતાં અમેરિકાનું મંદિર જોવાની ભાવના જ મનમાં વધારે હતી. મંદિરના વિશાળ હોલમાં સત્યનારાયણની કથા ચાલતી હતી. પી.એચ.ડી. થયેલો એક યુવાન કલાવતી અને લીલાવતીની વાર્તા અંગ્રેજીમાં વાંચી રહ્યો હતો. કેમકે યજમાન દક્ષિણ ભારતીય હતા.
તેમની સાથે થોડી વાતચીત થઇ. અહીં પરદેશમાં વતનથી દૂર રહેતા લોકોને પોતાની મૂળ આઇડેંટી ખોવાઇ જવાનો ભય સતાવતો હોય છે. પોતે કશાકથી વિખૂટા પડી ગયાની લાગણી અનુભવાતી હોય છે. અને આ બધા ક્રિયાકાંડવડે એ લોકો પોતાના મૂળિયા સાથે, પોતાની સંસ્કૃતિ સાથે જોડાઇ રહ્યાનો સંતોષ મેળવે છે. બની શકે એ આત્મવંચના જ હોય. પરંતુ આ બધું તેને ધર્મ સાથે સાંકળી રાખ્યાનો એહસાસ કરાવે છે. પોતાના બાળકને પોતાની સંસ્કૃતિનો થોડો પરિચય કરાવ્યાના આત્મસંતોષમાં એ રાચે છે. આને શું કહીશું ? શ્રધ્ધા કે અંધશ્રધ્ધા ? મારી નજરે આ તો મૂળ સાથે જોડાયેલા રહેવાની એક ભાવના છે. જે છોડીને આવ્યા છે. તેનો જે વસવસો તેમના મનના એક ખૂણામાં હમેશા વસ્યા કરે છે. તે તેમને આ શ્રધ્ધા કે અંધશ્રધ્ધા સાથે જોડી રાખે છે.
આમ પણ દુનિયાના કોઇ પણ ખૂણામાં જાવ..અતિ વિકસિત, વિકાસશીલ કે અવિકસિત કોઇ પણ દેશ શ્રધ્ધા તો શું અંધશ્રધ્ધાથી પણ બાકાત નથી જ. દેશ હોય કે પરદેશ માનવસ્વભાવ તો સરખો જ ને ? આમ પણ શ્રધ્ધાનું ઉદગમસ્થાન તો માનવીનું હૈયુ જ ને ? માનવીના ચહેરા મહોરા ભલે ભિન્ન હોય પરંતુ માંહ્યલો તો સૌનો એક જ. આશા, નિરાશા, ખુશી, ગમ,ભય, રાગ, દ્વેષ, મોહ, માયા, મમતા એ બધું તો દરેકની અંદર રહેવાનું જ ને ? દરેકને એક કે બીજા અવલંબનની જરૂર તો પડવાની જ ને ?
થાકી ગયેલ બુધ્ધિએ ઇશ્વરની કલ્પના કરી
એને ગમ્યું તે સાર અને બાકી બધું અસાર છે.
અને ઇશ્વર આવે એટલે તેની સાથે જોડાય શ્રધ્ધા.
આદિમાનવથી શરૂ કરીને આજ સુધી માનવીને ભય, મનના ડર સામે લડવા માટે..સલામતી માટે કોઇ અવલંબન જોઇએ છે. શરૂઆતમાં સૂર્ય, ચન્દ્ર, વરૂણ,વિગેરે કુદરતી તત્વોને દેવ તરીકે સ્વીકારી તેની પૂજા થતી. સંસ્કૃતિના વિકાસની સાથે સાથે આ અવલંબોના પ્રકાર પણ બદલાતા ગયા. સૂર્ય હાઇડ્રોજનનો ધગધગતો ગોળો છે. વૈજ્ઞાનિકોએ તે સાબિત કર્યા પછી આજે પણ ભાવથી આપણે સૌ સૂર્યવન્દના કરીએ જ છીએને ? આપણા ચૈતન્ય સાથે તે જોડાયેલ છે. તેને અંધશ્રધ્ધા કેમ કહી શકાય ?
શ્રધ્ધા એટલે અવલંબન..પછી એ કોઇ પણ પ્રકારનું હોઇ શકે, કોઇ પણ માટે હોઇ શકે કે કોઇ પણ કક્ષાનું હોઇ શકે. દરેક વ્યક્તિ માટે એનો પ્રકાર અલગ જ હોવાનો. દરેકની પોતાની માનસિક કક્ષા મુજબ એ અલગ જ હોય એ સ્વાભાવિક છે. અને માનવીને જેમ કોઇ વસ્તુ, પદ,પૈસો કે પ્રતિષ્ઠા કશું પણ ખોવાનો ડર હોય કે પછી કશું પામવાની મહત્વાકાન્ક્ષા હોય ત્યારે આવું કોઇ અવલંબન તેને વધારે જરૂરી બને છે. શ્રધ્ધા કે અંધશ્રધ્ધા મોટે ભાગે કોઇ ભયમાંથી જ જનમ લેતી હોય છે.અને કોઇ ઇચ્છાને વળગીને આગળ વધતી હોય છે. આ લોકનો કે પરલોકનો ડર માનવીના અજ્ઞાત મનમાં સતત અટવાતો હોય છે જે તેનું ચાલક બળ બને છે.
જે માનવીને કશું ગુમાવવાનો ભય છે તેને કોઇ ઓઠા વિના, સહારા વિના ચાલતું નથી. જેમ ગુમાવવાનો ભય વધારે તેમ તેની અંધશ્રધ્ધા પણ એટલી જ વધારે. ઐશ્રવર્યા રાય ઝાડ સાથે પરણી શકે એને શું કહેવાય ?
દરેક ફિલ્મ સ્ટાર, નેતા, ખેલાડી કોઇ ને કોઇ માદળિયા, તાવીજ પહેરતા જ હોય છે ને ? તેમને તેમાંથી એક જાતનો વિશ્વાસ, માનસિક સહારો મળે છે. જેને લીધે ઘણીવાર તેનો વીલપાવર વધે છે અને તેને સફળતા મળે છે અને તેનો યશ જાય છે પેલા માદળિયાને કે તાવીજને. આને શું કહીશું ?
માનતા, બાધા આખડી એ બધું શું છે ? એ બધું ખોટું છે એમ પણ કેમ કહી શકાય ? માનવીને વિપરિત સંજોગોમાં ટકી રહેવાનું બળ એનાથી મળતું હોય તો એની ટીકા શા માટે ? જો કોઇ નિર્દોષ વસ્તુ કે વાત માનવીને માનસિક સહારો આપી શકતા હોય તો તેનો વિરોધ શા માટે ?
પરંતુ એ બધામાં વિવેકભાન તો જળવાવું જ રહ્યું. બાકી સંતાન માટે કોઇ બાળકની હત્યા કરવી કે કોઇને ડાકણ,ભૂત, પિચાશ વળગ્યા છે માની દોરા ધાગા, કે ભૂવા ધૂણાવવા એ તો અંધશ્રધ્ધાની ચરમસીમા જ છે ને ? અન્ધશ્રધ્ધાની આ ચરમસીમાએ કહેવાતા અનેક બાપુઓ,મહંતો, આશ્રમો, મઠો, વિગેરેમાં અનેક ગોરખધંધાઓ ચાલતા રહે છે. છતાં લોકોની આંખ ઉઘડતી નથી અને ગાડરિયો પ્રવાહ ચાલુ રહે છે. આ અંધશ્રધ્ધામાંથી શિક્ષિત લોકો પણ કયાં બાકાત રહી શકે છે ?
બાકી નિદા ફાઝલીએ કહ્યું છે તેમઆપણે માટે તો..
ઘરસે મન્દિર, મસ્જીદ બહોત દૂર હૈ,
ચલો કિસી રોતે હુએ બચ્ચેકો હંસાયા જાયે..
( published in global gujarat ” atargali ” )


શ્રદ્ધા એવું પંખી છે, જે પરોઢનું અંધારું હોય

ત્યારે ગીત ગાવાનું શરૂ કરે છે-રવીન્દ્રનાથ ટાગોર



  "સામાન્ય રીતે ભણેલ ગણેલ લોકો પણ સમજ્યા કારવ્યા વિના અગડમ બગડમ મન પડે એમ શબ્દ પ્રયોગ કરતા હોય છે .વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે બુનિયાદી તફાવત નીચે પ્રમાણે છે 

---વિશ્વાસ બહારથી આરોપિત છે જયારે શ્રદ્ધા અંદર થી જન્મે છે 

---વિશ્વાસ પેદા થવાના કારણો હોય છે અને એ કારણો કે પરિસ્થિતિ માં ફેરફાર થવાથી વિશ્વાસ નો ઘાત થાય છે જયારે શ્રદ્ધા કારણ નિર્મિત નથી અને તેથી એનો ઘાત શક્ય નથી .તમારો ડોક્ટર તમને દવા આપે ત્યારે તમે પુછતા નથી કે એમાં કઈ Drug છે ને તે કેવી રીતે કામ કરે છે વિગેરે,અને તમે દવા ખાઓ છો,એ તમારો ડોકટર પરનો વિશ્વાસ છે પણ મીરાંબાઈ ને ઝેર નો કટોરો ,પ્રસાદ તરીકે આપવામાં આવે અને કહેવામાં આવે કે આ ઝેર છે તેમ છતાં એ પી જાય એ શ્રદ્ધા છે ..."જો હું મારું કામ શ્રેષ્ઠ રીતે કરીશ તો શ્રેષ્ઠ પરિણામ મેળવીશ "એ વિશ્વાસ છે પણ "હું મારું કામ શ્રેષ્ઠ રીતે કરું પછી જે પણ પરિણામ આવે તે મારા માટે શ્રેષ્ઠ જ હશે" ,તે શ્રદ્ધા છે ..ટૂંકમાં વિશ્વાસ ચલાયમાન છે જયારે શ્રદ્ધા અચલ છે .વિશ્વાસ માઈન્ડ કંડીશનિંગ દ્વારા પેદા કરી શકાય છે ,શ્રદ્ધા કૃત્રિમતા પૂર્વક પેદા કરી શકાતી નથી .આ જગતમાં કામ કરતાં તમામ બળ માં શ્રદ્ધા થી પેદા થતા બળ ની તોલે અન્ય કોઈ બળ આવી શકતું નથી અને માટે ,પરમ તત્વ પર પૂર્ણ શ્રદ્ધા રાખી ને જીવવાથી વિશેષ અન્ય કોઈ શ્રેયકર માર્ગ નથી ..આમ અને આવું મને મારા ઈશ્વરે સુઝાડ્યું છે અને એ પ્રમાણે હું જીવું છું,તું તારો ઈશ્વર,અને એમાં ન માનતો હો તો તારો શેતાન સુઝાડે એમ જીવ .." અસ્તુ


No comments: